પ્રેમલગ્ન

અનુભવીઓ કહે છે કે પ્રેમ હોય તો માણસના દુર્ગુણો પણ વહાલા લાગે છે. એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવકને શરાબની આદત વળગી. શરાબ સાથે કાબુલી ચણા ખાવાનો એને ખાસ શોખ હતો. ચણા ના હોય તો ઉતમ દારૂ પણ એને ઉધાર લાગે. રોજ રાત્રે શરાબ અને કાબુલી ચણા લઈને એ બેસે. પત્નીને એ ન ગમે. રોજ ઝઘડા થાય. પત્ની માટે અસહ્ય બની ગયું. ખૂબ સમજાવવા છતાં એ શરાબ છોડી શકતો ના હતો. એક દિવસ પત્નીએ કહ્યું, તું મને પ્રેમ કરતો હોય તો શરાબ છોડી દે… નહીં તો હું તને છોડી દઈશ… પતિએ કહ્યું – શરાબ અને તું મારા માટે ડાબી અને જમણી આંખ જેવા છે. હું કઈ આંખ ફોડી નાખીને સુખી રહી શકું…? તું મારી એક કમજોરી ચલાવી લે. એ સિવાય તું જે કહેશે તે બધુ કરવા તૈયાર છું. તું ચાલી જઈશ તો તારા વિના જીવવું બહુ કઠીન બની રહેશે. શક્ય છે ગમ ભૂલવા હું વધારે પીવા લાગું… પત્ની એની આંખોમાં દારૂનો નશો અને અવાજમાં સચ્ચાઈનો રણકો જોઈ રહી. શું બોલવું તે એને સમજાયું નહી.
એક દિવસ પતિએ બિઝનેસ ટુર પર જવું પડ્યું. ત્યાં મિત્રો જોડે શરાબ પીવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. પત્નીને ખબર ના પડે એ રીતે એણે થોડા કાબુલી ચણા સાથે લઈ લીધા. પણ હોટલ પર રાત્રે શરાબની બોટલ ખોલતી વેળા યાદ આવ્યું કે ચણાનું પડીકું ટેબલ પર જ રહી ગયું હતું. એની મજા મારી ગઈ. પછી નેપકિન શોધવા એણે બેગમાં હાથ નાખ્યો ત્યાં અંદરથી ચણાનું પડીકું નીકળ્યું. એને આશ્ચર્ય કરતાં આનંદ વધુ થયો. એણે પત્નીને ફોને કર્યો : હું શરાબ પીંઉ તે તને પસંદ નથી છતાં તે ચણાનું પડીકું મારી બેગમાં કેમ મુક્યું ? પત્નીએ કહ્યું, તું શરાબ પીએ તે સામે આરોગ્યની દ્રષ્ટિએ જ મને વાંધો છે. બાકી તું હરહાલમાં ખુશ રહે એમ હું પણ ઈચ્છું છું. શરાબમાં એકાદ ટકોય આનંદ તને મારે કારણે વધુ મળી શકતો હોય તો તારી ખુશી ખાતર તેમ કરવાનું મને ગમે છે. હું શરાબને સો ગણી નફરત કરું છું, પણ તને હજાર ગણો પ્રેમ કરું છું… પતિએ સામો પ્રશ્ન કર્યો, મારી ખુશીનો તને આટલો ખ્યાલ છે તો હવેથી મને શરાબ પીવામાં કંપની આપીશ ? પત્નીએ જવાબ આપ્યો. “સોરી, તારી ખુશી ખાતર હું શરાબ નહી પી શકું, પણ શરાબના અતિરેકથી કદાચ તું મૃત્યુ પામે અને તને ફરીથી જીવિત કરવાની શરતરૂપે ભગવાન મને શરાબ પીવાનું કહે તો હું જરૂર શરાબ પીઉં ! પત્નીના શબ્દો સાંભળીને એ ભાવવિભોર થઈ ગયો. પહેલીવાર એણે અનુભવ્યું કે શરાબથીય કોઈ વધુ અદભૂત નશો હોય છે. એને પત્નીનો એક ખૂબસુરત પરિચય મળ્યો. એણે હર્ષપૂર્વક કહ્યું, ‘ડાર્લિંગ, તને મારે માટે આટલો પ્રેમ છે તો હું પણ તારી ખુશી ખાતર આજથી જ શરાબ છોડી દઉં છું ! પતિએ હંમેશને માટે શરાબ છોડી દીધો. માણસને કોઈ વાત દાબદબાણ કે ધાકધમકીથી સમજાવવાને બદલે પ્રેમથી સમજાવવામાં આવે તો તે માની જાય એવું ઘણીવાર બન્યું છે.

Leave a Reply