મસ્ત ફકીર

નાનકડા એક ગામમાં એક યુવાન સંન્યાસી આવ્યો. એની સુંદરતા, શાંતિ અને પ્રતિભાની સુવાસ આસપાસના ગામોમાં પણ પ્રસરવા લાગી. લોકો એની હાજરી માત્રથી સુખ અને શાંતિનો અનુભવ કરતાં એની આંખોમાં તેજ, ચહેરા પર કાંતિ અને વાણીમાં ઉંડાણ હતું. ગામ આખું એને માન આપતું અને પૂજા કરતું.
…પણ એક દિવસ આખી વાત બદલે ગઈ. ગામની એક યુવતી ગર્ભવતી થઈ અને એણે એક બાળકને જન્મ આપ્યો. ઘરના લોકોએ પૂછ્યું કે, આ બાળક કોનું છે ?… તો યુવતીએ કહી દીધું કે પેલા સંન્યાસીનું અને વાત આખા ગામમાં પ્રસરવા લાગી. જે લોકો પ્રસંશા કરતાં હતા તે જ હવે ફિટકાર વરસાવવા લાગ્યા. આદરની જગ્યાએ અનાદર બેસી ગયો. જે લોકો ચરણ સ્પર્શ કરવા ઝંખતા હતા તે જ હવે માથું કાપવા તૈયાર થઈ ગયા.
અહીંનો પ્રેમ અને આદર પણ કેટલો છીછરો છે ! લોકોનું ટોળું હો હા કરતું ફકીરની ઝૂંપડી સુધી પહોંચી ગયું. અને એમાં આગ લગાવી દીધી. સંન્યાસી કશુંય બોલે કે વિચારે એ પહેલાં તો બાળક પણ એમની સામે પટકી દીધું. સંન્યાસીએ પૂછ્યું કે વાત શી છે ?… તો ટોળામાંથી અવાજ આવ્યો. શું આ પણ અમારે બતાવવું પડશે ?… તમારા સળગતા મકાનને અને પાપ છુપાવવા મથતા તમારા અંતરને જુઓ. આ છોકરાને અને આ યુવતીને જુઓ… અમને પૂછવાની જરૂર નથી. આ બાળક તમારું છે…!
સંન્યાસીએ કહ્યું : “શું આ વાત આમ જ છે…? ઈઝ ઈટ સો ? બાળક શું મારૂ છે ?” … અને રડતા બાળકને ઉંચકીને ગીત ગાવા લાગ્યો. લોકો તો ઝૂંપડી સળગાવીને ચાલી ગયા…
ફકીર તો બાળકને રમાડતો રહ્યો અને રોજનો સમય થતાં જ ભીક્ષા માટે નીકળી પડ્યો… પણ આજે તો એને ભીક્ષા આપે કોણ…? જે કોઈ મકાનની સામે એ ગયો. લોકોએ દ્વાર બંધ કરી દીધાં. છોકરાઓનું ટોળું એની પાછળ પાછળ ચીચીયારી કરતું દોડતું રહ્યું. ક્યાંક કોઈ મઝાક કરતું હતું, તો ક્યાંકથી કોઈ પથ્થર પણ ફેકતું હતું.
ચાલતાં ચાલતાં અચાનક એ ત્યાં જઈ પહોચ્યો. જે ઘરની પેલી યુવતિ હતી અને જેનું આ બાળક હતું . ઘરની સામે જઈ આર્ત સ્વરે એણે કહ્યું : “મને કશુંક આપો કે ન આપો… પણ આ બાળક માટે તો દૂધ આપો…! સવારથી એ ભૂખ્યું છે. મારો તો કોઈ વાંક ગુનો હોઈ શકે પણ આ બાળકનો કસૂર શો ?”
બાળક તો રડી રહ્યું છે. ટોળું એકઠું થઈને આસપાસ ઊભું છે. પેલી યુવતિથી હવે આ જોવાતું નથી. એની સહનશક્તિની હદ આવી ગઈ છે. પિતાના પગમાં પડીને એણે કહ્યું : “મને માફ કરજો. આ સાધુનું નામ મેં ખોટું જ લીધું છે. એના અસલી બાપને બચાવવા માટે જ મેં આ પગલું ભર્યું છે. બાકી આ સાધુને તો હું ઓળખતી પણ નથી !”
છોકરીનો બાપ ગભરાઈ ગયો. એને લાગ્યું કે આ ખોટું થયું. દોડતો દોડતો એ નીચે આવ્યો અને સાધુના પગમાં પડી ગયો, અને કહ્યું કે મને માફ કરજો. મારાથી ભૂલ થઈ ગઈ. આ બાળક આપનું નથી.
પેલા ફકીરે કહ્યું : શું વાત આમ જ છે ? ઈઝ ઈટ સો ?… બાળક શું મારુ નથી ?” છોકરીના બાપે અને ટોળે વળેલા લોકોએ કહ્યું કે, “આપ પાગલ છો ! સવારે જ શા માટે ના ન પાડી ?”
ફકીરે કહ્યું કે એમાં શો ફરક પડે છે ? કોઈને કોઈનું તો બાળક હશે જ ને ! ?… એક ઝૂપડું તો તમે બાળી ચૂક્યા છો. જો મેં ના પાડી હોત તો કોઈ બીજાનું પણ સળગાવી દેત. એક માણસને બદનામ કરવાનો રસ તમે લઈ ચૂક્યા છો. મારા ઇન્કારથી કોઈ બીજાની પાછળ પડી જાત…! ટોળે વળેલા લોકોએ કહ્યું – “તમને એટલો પણ ખ્યાલ નથી કે તમારી કેટલી નિંદા થઈ…? કેટલું અપમાન થયું …?”
એટલે કે સદા ફકીરની જેમ જીવવું…! લોકો માન આપે તો ખુશ ના થવું – અને નિંદા કરે તો ડરી કે ડગી પણ ના જવું…! સદા પોતાનામાં મસ્ત રહેવું…! બધી પરિસ્થિતિની વચ્ચે સાક્ષીની જેમ જીવવું. સાધકનો માર્ગ સદા સાક્ષીનો – દ્વન્દ્વથી પર જવાનો અને સતત જાગરુક રહીને જીવવાનો છે…!
ફકીરની જેમ જીવવા ધ્યાન રાખજો કે, ધન પોતે અપવિત્ર નથી, કારણ કે એ સાધન છે, સાધનનો માણસ સારો કે નરસો ઉપયોગ કરી શકે છે. જેની પાસે લક્ષ્મી હોય એ દુષ્ટ જ હોય એવું નથી, પણ જે લક્ષ્મી જીરવી ના શકે તે દુષ્ટતામાં સરી પડે છે. લક્ષ્મી પોતે બૂરી નથી એનો બૂરી રીતે ઉપયોગ કરનાર માણસ બૂરો છે. લક્ષ્મી પવિત્રપણે મેળવવી જોઈએ. ધનને ધર્મપૂર્વક રળો. મહાભારતમાં લક્ષ્મીના સાત સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધૈર્ય, ક્ષમા, ઇન્દ્રિયનિગ્રહ, પવિત્રતા, કરૂણા, કોમળવચન અને મિત્રો પરત્વે દ્વેષશૂન્ય આચરણ અને આ બધાનો પ્રહરી તે વિવેક… જેટલા ધનથી માણસનું પેટ ભરાય એટલા ધન પર જ માણસનો અધિકાર…

Leave a Reply