મહેનત કરે તે સુખી થાય !

એક ગામમાં ગરીબ કઠિયારો રહેતો હતો. તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
આ કઠિયારાએ એકવાર લોખંડનો ટુકડો ખરીદી એક લુહાર પાસે જઈ આ લોખંડના ટુકડામાંથી બે કુહાડી બનાવી આપવાનું કહ્યું.
લુહારે તે લોખંડના ટુકડામાંથી સરસ મજાની બે કુહાડીઓ બનાવી કઠિયારાને આપી. કઠિયારાએ તે બે કુહાડીઓમાંથી એક ને ઘરના ખૂણામાં મૂકી દીધી. બીજી કુહાડી લઈ તે લાકડા કાપવા જંગલમાં ચાલ્યો ગયો.
થોડા દિવસ પછી કઠિયારાએ એક દિવસ પોતે જે કુહાડી વાપરતો હતો તે કુહાડીને તેણે ઘરના ખૂણામાં મૂકી. ખૂણામાં પડેલી વણવપરાયેલી કુહાડીએ જોયું કે મારી સાથે જે કુહાડી બની હતી તે આટલી કેમ ચમકે છે ? અને હું કેમ તેજ વગરની છું ?
તેણે તે કુહાડીને પૂછ્યું : “અરે, આપણે બંને લોખંડના એક ટુકડામાંથી એક સાથે જ બની છતાં તું ચમકે છે. જયારે હું કટાઈ ગઈ ! આમ કેમ ?
વપરાતી કુહાડીએ જવાબ આપ્યો : “મને બનાવ્યા પછી હું સતત કામમાં આવું છું. કઠિયારો, મારો ઉપયોગ કરે છે. હું ઘસાઉ છું તેથી મારામાં ચમક છે. તું બની ત્યારથી એક ખૂણામાં પડી રહે છે. કંઈ ઉપયોગમાં આવતી નથી. તેથી તારા ઉપર કાટ ચઢી ગયો છે, અને જો તારો ઉપયોગ નહીં થાય તો હજુ પણ વધારે કાટ ચઢી જશે. !”
માણસ પણ મહેનત કરી, સારા કામ કરી, શરીરે ઘસાઈ, પરિશ્રમ કરીને ચમકે છે. તેથી ચમક ચારેબાજુ ફેલાય છે. જે આળસમાં પડ્યો રહે છે તેની કોઈ કિંમત થતી નથી. તેની ચમક અને તેજ પણ ચાલ્યા જાય છે. માણસે સતત કામ કરતા રહેવું જોઈએ. મહેનત કરે તે સુખી થાય છે. મહેનત કરનાર માણસને ખોટો રૂપિયો મળે તો જમીનમાં દાટી દે છે. તે ખોટો રૂપિયો બીજાને છેતરીને આપતો નથી કારણ કે એવું કરવું પાપ છે. આવા અપ્રમાણિક કામથી દૂર રહે છે. ખોટા રૂપિયાને સાચો રૂપિયો ગણાવીને કોઈને આપવો એ મોટી અનીતિ તો છે જ, બલકે તે એક અસત્ય પણ કહેવાય. ધારો કે આ ખોટો રૂપિયો કોઈ અબુધ ગરીબના હાથમાં જાય તો એની શી વલે થાય ? બધી જગ્યાએથી એને આ ખોટા રૂપિયાથી ઘરની ચીજ લીધા વિના પાછા ફરવાનું થાય અને તેને પરિણામે તેના બાળકોને અન્ન વિના ટળવળવું પડે. આ ખોટા રૂપિયાને જમીનમાં દાટી દેવાનો વિચાર મહેનત કરનારને જ આવે.

Leave a Reply