શક્તિદાયક આહાર

હરવા, ફરવા, રમવા, રડવા અને તોફાન મસ્તી કરવાં માટે બાળકોને શક્તિ જોઈએ, જે આહારમાંથી મળે. શ્વાસોચ્છવાસ, રુધિરભીસરણ અને પાચનક્રિયા જેવી અવિરત ચાલતી દૈહિક ક્રિયાઓ માટે પણ ઇંધણ (શક્તિ) જોઈએ. તે પણ આહારમાંથી મળે. ગોળ, ખાંડ, બટાકા, શક્કરિયા જેવા કાર્બોદિત પદાર્થો અને ઘી, તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો એટલે શક્તિદાયક આહાર, બાળકના આહારમાં આવા પદાર્થો સામેલ કરવામાં આવેતો ભરપૂર શક્તિ મળે. ગુજરાતીઓ રોટલા-રોટલીને મુખ્ય આહાર ગણે છે. રોટલા-રોટલીથી ભૂખ ભાંગે, પણ શરીરને જોઈતી શક્તિ પૂરી પાડવા માટે આવો આહાર પર્યાપ્ત ના ગણાય. વિજ્ઞાનની પરિભાષામાં રોટલીનું પોષણમૂલ્ય મીંડા વગરના એકડા જેટલું ! ઘઉં, બાજરા જેવા ધાન્યોથી બનતા આહારમાં પાણી અને રેસાનું પ્રમાણ વિશેષ હોવાથી બાળકને પેટ ભર્યાનો સંતોષ મળે, પરંતુ પોષણ પૂરતું ન મળે. હા, રોટલી રોટલાના કોળિયા સાથે જો ગોળ જેવા કાર્બોદિત પદાર્થો કે દૂધ, ઘી, તેલ જેવા ચરબીયુક્ત (શક્તિદાયક) પદાર્થો ઉમેરવામાં આવેતો, નાના કદના કોળીયામાં વિપુલ માત્રામાં શક્તિ અને સ્વાદ ભળે, એકડા પર મીંડા ચડે.

Leave a Reply