(ગર્ભ સંસ્કાર સંદેશ – ૨) માયા એટલે મહાશક્તિ

ભૂરો સ્કૂલમાં એક કાળું અને એક સફેદ મોજું પહેરીને ગયો.
ટીચર : બંને મોજા એક કલરનાં હોવા જોઈએ, ઘરે બદલીને આવ.
ભૂરો : ઘરે જવાનો અર્થ નથી, ત્યાં પણ એક કાળું અને એક સફેદ મોજું જ હશે.
એક વાર મુલ્લા નસરૂદીન ચમકતી પાઘડી પહેરીને રાજ દરબારમાં ગયા. મુલ્લાને એક આશા હતી કે આવી મોંઘી પાઘડી જોઇને રાજા ખુશ થઈ ઇનામ આપશે.
રાજાએ પૂછ્યું – “મુલ્લા” પાઘડી કિંમતી લાગે છે, કેટલી કિંમત ચૂકવી છે ?
મુલ્લાએ ધીરેથી કહ્યું, “સરકાર, પૂરી પાંચ હજાર સોનામહોર !”
આ સાંભળીને રાજાના હજુરિયાએ રાજાના કાનમાં ધીમેથી કહ્યું, “આટલી કિંમત તો કોઈ મૂરખ જ ચૂકવે.”
તરત રાજાએ મુલ્લાને કહ્યું, “આટલી મોટી કિંમત અપાતી હશે?”
ત્યારે મુલ્લાએ કહ્યું, “બાદશાહ સલામત, આ પાઘડીની આટલી ઊંચી કિંમત મેં એટલા માટે ચૂકવી કે પૂરી દુનિયામાં માત્ર એક જ બાદશાહ છે જે આની કિંમત મૂલવી શકે અને ચૂકવી શકે, એ આપ જ છો સરકાર!”
પોતાની પ્રશંસા સાંભળીને રાજાએ મુલ્લાને તરત જ પાંચ હજાર સોના મહોર ચૂકવી પાઘડી લઈ લીધી.
બીજા દિવસે રાજાના હજૂરિયાએ મુલ્લાને પૂછ્યું : સાચું બોલ, એ પાઘડીની ખરેખર કિંમત કેટલી હતી?” મુલ્લાએ સ્મિત કરતા કહ્યું, “ભાઈ, એની સાચી કિંમતની મને ખબર નથી પણ દરેક રાજાની નબળાઈની મને ખબર છે !” આ વાર્તા છે જેને આજકાલના બની બેઠલા અમુક સાધુઓ – સાધ્વીઓએ સિદ્ધ કરી બતાવી છે ! સંસારી બનીને કરોડોની હેરાફેરી કરવી એને કાંઈ ચમત્કાર ના કહેવાય. ચમત્કાર તો એને કહેવાય કે, આખો સંસાર છોડ્યા પછી પણ કરોડોની હેરાફેરી જાળવી રાખવી ! એક બાજુ જાહેરમાં લોકોને ત્યાગનો મહિમા સમજાવવો, લોકો પાસે મોહ-માયાનો ત્યાગ કરાવવો અને બીજી બાજુ ખાનગીમાં સમૃદ્ધિનો સંગ્રહ કરવો. એ કંઈ જેવું તેવું કામ નથી સાહેબ ! કેટલું બધું બેલેન્સ જાળવવું પડે છે. ત્યાગનો મહિમા સમજાવવામાં અને સમૃદ્ધિનો મહિમા સમજાવવામાં !
ભગવાન બહુ દયાળુ છે. એણે લોભીયાઓની જાતિ – પ્રજાતિઓનું સર્જન ન કર્યું હોત તો ધુતારા બિચારા ભૂખે મારી ગયા હોત. એક વાર પેઈડ વ્યૂઝ વહેતા કરી દો જે મનુષ્ય પોતાનું સર્વસ્વ ઈશ્વરના ચરણોમાં છોડી દે છે એને ઈશ્વર દસગણું પાછું આપે છે. જુઓ પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ અને અભિનેતાઓ તમારા ચરણોમાં આવીને બેસતા થઈ જાય છે કે નહીં ! પણ આવું બધું સંસારી કપડાં પહેરીને નહીં બોલવાનું, એનો પ્રભાવ ના પડે. આવું ઊંચું ઊંચું તો સાધુનો ગણવેશ પહેરીને બોલો તો એની અસર પડે ! આપણો દેશ તો વેશ અને ગણવેશનો છે ! ગણવેશનો પણ એક પ્રભાવ હોય છે ! ક્યાં શબ્દોની અસર કેવા કપડાં પહેરવાથી પડે છે એની વૈજ્ઞાનિક માહિતી મોટાભાગના રાજનેતાઓને અને આવા કહેવાતા ધર્મનેતાઓને વધારે હોય છે. આને સાતમી ઇન્દ્રિયની કમાલ કહેવાય. સિકસ્થ સેન્સ નહિ પણ સેવન સેન્સ !
કવિતામાં કહ્યું છે કે : “નારી તુમ કેવલ શ્રદ્ધા હો!” એ સમયે એ વાતની કવિએ કલ્પના કરી નહિ હોય કે કવિતાના સત્યને ઉજાગર કરવા હાલના સમયમાં હરિ અનંત હરિનામ અનંતા એવા બહુનામધારીઓનો આવિષ્કાર થતા રહેશે !
આપણો સમાજ જેટલો ભક્તિપરાયણ છે એના કરતાં અનેકગણા, આવા સ્વયંભૂ બની બેઠેલા સાધુઓ – સાધ્વીઓ, ભક્તપરાયણ છે. ત્યાગનો આધાર ભક્તિપરાયણતા પર છે અને ભોગ માટે એકઠી કરાતી સમૃદ્ધિનો આધાર ભક્તપરાયણતા પર છે ! ભક્તિ જેટલી બોલકી, ત્યાગ એટલો ઊંચો, એમ ભક્ત જેટલો સદ્ધર, સમૃદ્ધિભર્યો ભોગ એટલો ઊંચો ! ત્યાગ તો બંને પક્ષે હોય છે. એકનો ત્યાગ સંસાર છોડવાનો હોય છે જે સ્થૂળપણે દેખાય છે, તો બીજાનો ત્યાગ બહારથી સંન્યાસ જાળવીને અંદરથી સંસારને પકડી રાખવાનો હોય છે, જે સ્થૂલપણે દેખાતો નથી. વાડીમાં વવાયેલી દૂધી દેખાય છે તો એકસરખી જ પણ એમાં એકાદ – બે દૂધી કડવી નીકળે તો એવું ન માની લેવાય કે આખી વાડી કડવી દૂધીથી ભરેલી છે. એ તો પેલી કડવી દૂધીને લીધે આખી વાડી વગોવાય છે. છેલ્લા કેટલાક સમયથી સાધુ સમાજનું પણ એવું થયું છે, દૂધીની વાડી જેવું !
કહેવાય છે કે વિવાદાસ્પદ બનતા સાધુઓ – સાધ્વીઓના ધામમાંથી કરોડોથીયે વધુ રોકડ રકમ અને સોનાના બિસ્કીટ નીકળે છે. જો કે વાંક સાધુઓ કે સાધ્વીઓનો નથી…! એમણે તો બિચારાએ બિસ્કીટ પ્રેમ વડે બાળક જેવું ભોળપણ પ્રગટાવીને આપણા જેવા સંસારીઓને ત્યાગ કરવાનું શીખવ્યું છે કે “હે સંસારીઓ, આ સંસાર તો એક માયા છે, એમાંથી તમે જેટલા વેળાસર બહાર નીકળશો એટલા જલદી મોક્ષના અધિકારી બની શકશો. સંસાર તો છાયા વગરની કાયા અને કાયા વગરની છાયા કહેવાય. કાયા કે છાયા, મનવા એની શી માયા ? માયા તો ભગવાને ઊભી કરેલી જંજાળ છે. એ જાળમાંથી મુક્ત કરવા જતાં કદાચ અમે જ એમાં ભરાઈ પડીએ તો પણ અમે પાછા નહીં પડીએ. એ જાળમાં ભરાઈ પડવાનું અમે પસંદ કરીશું પણ તમને તો એમાંથી છોડવીશું જ ! સમાજમાં સ્થૂળ વ્યાભિચારની સાથોસાથ મનની કક્ષાએ થતા વ્યાભિચારનો કોઈ પાર નથી. જે પ્રગટ થાય તે દેખાય છે, પરંતુ જે અપ્રગટ રહે છે તેનો ભેદ તો મહાત્માઓ પણ પામી ન શકે. ભલભલા સાધુઓ સ્થૂળ બ્રહ્મચર્ય પાળે તોય સૂક્ષ્મ વ્યાભિચારથી મુક્ત નથી હોતા.
એક ગુરુ નાનકડો આશ્રમ ચલાવતા હતા. એમના માર્ગદર્શન હેઠળ એક તેજસ્વી વિદ્યાર્થીનું ભણતર પૂરું થયું. ગુરુના આશીર્વાદ માગ્યા.
ગુરુએ એના મસ્તક પર હાથ મૂકી કહ્યું : “બેટા, હવે શો વિચાર છે ? નોકરી ? ધંધો ? સેવા ?
“ગુરુજી ! મારે પોલિટિક્સમાં પડવું છે.”
“બેટા ! પોલિટિક્સમાં પડવાનું નહિ, ચડવાનું હોય. પણ શિષ્ટાચાર જાળવજે, ભ્રષ્ટાચાર ના કરીશ.”
વિદ્યાર્થીએ રાજકરણમાં ઝૂકાવ્યું. એણે પહેલા અગ્રણી નેતાની બાંય પકડી મિષ્ટાચાર કર્યો. જરા ઉંચે ચડ્યો એટલે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર કરી જીતી ગયો. એમાંથી નેતા બન્યો અને છેવટે પ્રધાન.
ગુરુના આશીર્વાદ લેવા ગયો : “ગુરુજી ! પોલિટિક્સમાં આપના આશીર્વાદથી ઊંચે ચડ્યો છું. સદાચાર ના ફાવ્યો. એટલે “સડાચાર”માં ઝૂકાવ્યું ને પ્રધાન થયો છું. આપ ગુરુદક્ષિણા માગી લ્યો.”
ગુરુજી કહે : “વત્સ” હું તારી ચડતીથી રાજી થયો છું. મારી હવે માત્ર એક ઈચ્છા પૂરી કર. નિશાળમાં કમાણી નથી. મને એક ફાઈવ સ્ટાર હોટલ બનાવી આપ…! એ જ મારી ગુરુદક્ષિણા.” આ એક બોધપાઠ લેવા જેવી વાત છે.
જરા અમારી સામે જુઓ, અમે બધું જ છોડી દીધું છે ને ! પરિણામે અમારા મુખારવિંદ પર કેટલી પ્રસન્નતા તમે જોઈ શકો છો ! મનમાં શાંતિ હોય તો મુખારવિંદ પર પ્રસન્નતા આપોઆપ પ્રગટતાં હોય છે ! તમે પણ તમારા દિલોદિમાગમાં શાંતિની અને ચહેરા પર પ્રસન્નતાની પ્રાણપ્રતિષ્ઠા કરી શકો એમ છો પણ એ માટે તમારે ત્યાગ કરવાની આવશ્યકતા છે. તમને થશે કે શેનો ત્યાગ કરવો ? તો એ માટે મૂંઝાશો નહીં. તમારા ટેન્શનો, તમારી ચિંતાઓ, જાણ્યે-અજાણ્યે થઈ ગયેલા તમારા અકર્મો, નાની – મોટી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ, આ સૌનો ત્યાગ કરો. રોગને દબાવવાથી રોગ મટતો નથી, એ માટે એના મૂળનો ત્યાગ કરવો જોઈએ. બસ એ જ રીતે તમને વળગેલી બીમારીઓના મૂળમાં છે માયા. માયા એટલે મહાશક્તિ. વિજ્ઞાન કહે છે કે શક્તિનો ક્યારેય નાશ થતો નથી પણ એનું રૂપાંતર જરૂર થાય છે. આ માયાનું તમારે રૂપાંતર કરવાનું છે, સ્થળાંતર વગર એનું સાચા અર્થમાં રૂપાંતર નહીં થાય. ધન-દોલત, રૂપિયા, સોનું, બેન્ક-બેલેન્સ, સ્થાવર કે જંગમ મિલકત વગેરે માયા ફેમિલીના મેમ્બરો છે. જે આ પરિવારનો ત્યાગ કરે છે એને ફરી વાર અનિંદ્રા, ટેન્શનો કે રોગોના દલદલમાં ફસાવું પડતું નથી. જેમ અમે અમારો કાયા પરિવાર છોડ્યો, એમ તમે તમારો આ માયા પરિવાર છોડો. તમને થશે કે અમારો આ માયા પરિવાર અમારે કોના ભરોસે મૂકવો ? તો હમ હૈ ના ! પુરાતનકાળમાં એવા કેટલાય ધર્માત્માઓ થઈ ગયા. જેમણે સંસારીઓના રોગ પોતે લઈ લીધા હોય અને ભક્તોને રોગોથી મુક્ત કર્યા હોય ! આજે સમય બદલાયો છે, રોગો બદલાયા છે, તો અમારા જેવા કેટલાક સમાજહિતકારી ધર્માત્માઓ પણ બદલાયા છે, પણ નથી બદલાઈ અમારી ભક્તપરાયણતા ! આ હકીકત અવારનવાર બને છે… કારણ કે માતા – પિતાએ સંતાનને જન્મ આપવામાં બેદરકારી દાખવી હતી. એટલે કે જો ઉત્તમ સંતાનને જન્મ નહીં આપો તો આપની હાલત ભૂરા જેવી થશે…!

Leave a Reply