(ગર્ભ સંસ્કાર સંદેશ – ૩) સમાજ કુરિવાજો કે ભ્રષ્ટાચાર બાબતે પાણીમાં બેસી જાય છે.

મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય કોઈપણ સ્થળે જવા માટે પ્રેરવાને બદલે માણસને અન્યોને મદદ કરવા માટે પ્રેરે અને અન્યોને સમજવા માટે પ્રેરે તે ધર્મ. માણસ ખોટું ના બોલે, અનીતિ ન આચરે, કોઈની પણ નિંદા, ટીકા કરવાથી બચે, ઈર્ષ્યા અને અદેખાઈથી મુક્ત રહે, કોઈને અન્યાય ન કરે, સૌ પ્રત્યે દયા અને કરુણા દાખવે તો માણસ ધર્મના માર્ગે છે એવું માનવું. પછી ભલેને એ મંદિર કે મસ્જિદમાં કેમ ન જતો હોય ! મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારાના “ક્રિયાકાંડો” માં ન પલોટાતા માણસને આપણે ત્યાં “અધર્મી” કહેવાનો રીવાજ છે ! “કહેવાતા” (કે કહેવાતા?) ધર્મના તમામ નિયમોનું પાલન કરવા છતાં પણ જેનામાં અન્યો પ્રત્યે સાચો પ્રેમ ન હોય તો અને ધર્મ કહેવાને બદલે અધર્મ જ કહેવો પડે !
પોતાની નાભિમાં જ કસ્તૂરી વસતી હોય અને ત્યાંથી મનમોહક સુગંધ ઊઠતી હોય પણ હરણને એની ખબર પડતી નથી. અને જંગલમાં ઠેર ઠેર એ સુગંધની શોધમાં ભટકીને લોહીલુહાણ થઈ જાય છે. ઝાળા-ઝાંખરા કશું જ જોયા વિના પાગલની જેમ એ સુગંધની શોધમાં ભટકે છે. અને સુગંધનો સ્ત્રોતતો પોતાની સાથે જ છે. કબીર આટલા માટે કહે છે – “કસ્તૂરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે વન માહીં”, માણસમાત્રની આ સ્થિતિ છે. એને સુખી થવું છે. પ્રેમ અને શાંતિની એના અંતરમાં અપાર પ્યાસ છે. ઠેર ઠેર એ ભટકે છે. જુદા જુદા સંબંધોમાં જુદી જુદી વ્યક્તિઓ સામે એ હાથ ફેલાવીને ફરે કે કરગરે છે. ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં ઠેર ઠેર એ સુખને શોધે છે. પણ ક્યાંયથી એ મળતું નથી. કસ્તૂરી મૃગ જેવી જ એની સ્થિતિ છે. સુખ, શાંતિ અને પ્રેમનું સરોવર તો પોતાના અંતરતરમાં જ ભરેલું છે. એને છોડી જવાનું એને સૂઝતું નથી. લોકો ઠેર ઠેર પરમાત્માની શોધ કરે છે. મંદિર, મસ્જિદ, દેવળ ને દેરાસર. ચોમેર કીડિયારાની જેમ માણસો ઊભરાય છે. જુદા જુદા તીર્થસ્થળોમાં ભટકે છે પણ ક્યાંય એમને પરમાત્માની ભાળ મળતી નથી. પોતાના અંતરતમ સિવાય હરકોઈ સ્થળે એ પરમાત્માને શોધે છે અને છેવટે નિરાશા સિવાય કશું જ હાથમાં આવતું નથી. શાણા માણસોએ સંસારને સૂકા હાડકા સાથે સરખાવ્યો છે. કૂતરું સૂકા હાડકાને ચૂસે છે તેમ તેમ તેને મઝા આવે છે. અંદરથી લોહી મળતું હોય તેવું લાગે છે. પણ છેવટે તો એ હાડકું ખૂંચવાથી જ તાળવામાંથી ઝરતું પોતાનું જ લોહી હોય છે. જેમ જેમ હાડકાને દબાવે તેમ તેમ લોહી વધારે છૂટે છે.
સંસારની પ્રત્યેક વાસના જે સુખ આપે છે. તે સૂકા હાડકામાંથી છૂટતા લોહી જેવી જ છે. લોહી હાડકામાં બિલકુલ નથી. પણ મોં માંથી હાડકું છૂટતું નથી. તાળવું ક્ષત-વિક્ષત થઈ જાય છે અને તેમાંથી લોહી ઝરતું રહે છે. લોકો આ સ્વાદ માટે કાયમ મોં માં હાડકું દબાવીને ફરે છે. સૂકા હાડકાની મોહમાયા છોડીને સુખ, શાંતિ અને પરમ આનંદ પ્રત્યેક વ્યક્તિની અંતરગુહામાં વસે છે ત્યાં પહોચવું જોઈએ…! ત્યાં પહોચ્યા વિના ક્યારેય સાચા સુખની પ્રાપ્તિ શક્ય નથી.
જમાનાની રફતાર એવી છે કે, વ્યક્તિ લક્ષ્ય નિર્ધારિત કરે અને પછી એ સિદ્ધ કરવા માટે સઘળું હોડમાં મુકે. પોતાના ટાર્ગેટને “એચિવ” કરવા માટે રાત-દિવસ એક કરે. જીવનની પ્રત્યેક ક્ષણે “ટાર્ગેટ” (લક્ષ્ય) સિદ્ધ ન થાય તો એના મનમાં ભારે વિશાદ જાગે છે. મહેનત કરવા છતાં સફળતા ના મળી, તેથી નિષ્ફળતાના દુ:ખે એ દુ:ખી થાય છે. આમાંથી ક્યારેક હતાશા જાગે છે તો ક્યારેક “આખું ય જીવન નિષ્ફળ ગયું” એવું એના મનમાં ઠસી જાય છે.
એ વાત સાચી કે લક્ષ્ય સિદ્ધિનો એક આનંદ હોય છે. એમાં આપણી મહેનતનું વળતર જોઈએ છીએ. જે પામ્યા એની પાછળનો પ્રતિષ્ઠાનો ભાવ હોય છે. લક્ષ્ય સિદ્ધિ કરવા જતા આપણે જીવનને ચુસ્ત અને નિરાશ બનાવવાની જરુર નથી. કોઈ આમ કરે તો એ જીવનનું ખરું લક્ષ્ય ચૂકી જશે. ભલે એ ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે, પણ એ સિદ્ધિ સમયે જીવનની અન્ય બાબતોમાંથી એની સફળતાનો રંગ ઝાંખો પડી જશે. આથી ભલે લક્ષ્ય પર નજર ઠેરવી હોય, પરંતુ એની પ્રાપ્તિના પરિણામને બદલે એની પ્રક્રિયાનો આનંદ માણો. લક્ષ્ય સિદ્ધિના પુરુષાર્થ માટે તમે નવું નવું શિખ્યા હશો. તમારો આંતરિક વિકાસ થયો હશે. સત્કર્મને માર્ગે ચાલ્યા હશો. આ રીતે પ્રક્રિયા દરમ્યાન પણ તમારા વ્યક્તિત્વનો વિકાસ અને તમારી ક્ષમતાના પ્રાગટ્યને જોઇને પ્રસન્નતા પામવી જોઈએ.
એક માણસ સવારથી એક નોટબૂક લઈને બેઠો હતો. એની પત્ની કોઈ કામમાં મશગૂલ હતી. બપોરનો જમવાનો વખત થયો, છતાં બંન્ને જમ્યા નહીં. રાત પડી એટલે પતિ – પત્નીએ પોતાનું કામ બંધ કરી દીધું.
પત્નીએ કહ્યું : “આખો દિવસ તમારા હાથમાં પેન અને નોટબૂક હતા. એવો તે કયો હિસાબ હતો, જેમાં તમે આખો દિવસ વ્યસ્ત રહ્યા ?
“પણ તુંય આખો દિવસ કશું લખ્યા જ કરતી હતી. તું પણ મને જણાવ તો ખરી કે એવું તે શું અગત્યનું હતું કે તારે આખો દિવસ લખ્યા જ કરવું પડ્યું ?”
પત્નીએ કહ્યું : “મેં એ સહુ માણસો અને પશુપક્ષીઓની યાદી કરી, જેમણે મારી ઉપર એક યા બીજી રીતે ઉપકાર કર્યો. જગત આપણાથી ઊજળું હોય કે ના હોય, આપણે જગ થકી ઉજળા છીએ. જગતની કૃતજ્ઞતા, જગતનો આભાર કેમ ભૂલાય ?”
પતિએ કહ્યું : “હવે મારી વાત સાંભળ. જગતમાં અનેક કૃતઘ્ન એટલે નમકહરામ લોકોએ આપણી જિંદગીમાં આફતોનો ખડકલો કરવામાં કશું બાકી રાખ્યું નથી. હું એવા નમકહરામ, સ્વાર્થી અને પ્રપંચી બદમાશ લોકોની યાદી કરતો હતો” – પતિએ રોષ ઠાલવતાં કહ્યું…
બંન્નેની દ્રષ્ટિમાં કેટલો બધો ફેર ! જિંદગી એ જાતજાતના ખાટા-મીઠા અનુભવોની સંગ્રહપેટી છે. જેટલું આપણે કહી શકીએ, બોલી શકીએ એટલું બોલીને આપણે બળાપો વ્યક્ત કરી લઈએ છીએ, પણ જીવન એકલા બદમાશ કે નમકહરામ લોકોને એકઠા થવાની જગ્યા નથી. અનેક જાણ્યા-અજાણ્યા લોકોના આપણી ઉપર અગણિત ઉપકારો છે. એમાં પ્રાકૃતિક તત્વો, મનુષ્યો અને પ્રાણીમાત્રનો સમાવેશ થાય છે. એ બધાના ઉપકારનું સ્મરણ એટલે ભગવાનની નજીક પહોચવાનો પ્રયત્ન. ઈશ્વર કોઈનુય ઋણ માથે રાખતો નથી. અને એનામાં સહેજ અમથી શ્રદ્ધા રાખો એટલે તમારાં સત્કાર્યોની નોંધ લઈ એના વળતર રૂપે કશું ને કશુંક તમને આપે જ છે. ભગવાનનું એક નામ “કૃતજ્ઞ” છે. કરેલાની સાદર નોંધ લે, પરંતુ આપણે આપણને દુભાવનારને યાદ રાખીએ છીએ – જીવનભર ! અને લાગ આવે સોગઠી મારવાનું ભૂલતા નથી ! ભગવાન એ માત્ર પૂજવાનો વિષય નથી, પોતાનામાં ભગવાનત્વ પ્રગટ કરવાનો વિચાર છે. પેલા માણસની પત્ની આ વાત સમજી ગઈ હતી. એટલે સંત કબીરની એ વાત ગાંઠે બાંધી લીધી હતી કે “બૂરા જો દીખન મૈ ચલા, બૂરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપ કા મુઝસા બૂરા ન કોઈ !” આવા દ્રષ્ટિ ભેદના કારણે યુધિષ્ઠિરને જગતમાં કોઈ ખરાબ દેખાયું નહોતું અને દુર્યોધનને કોઈ સારું દેખાયું નહોતું. માણસના હૃદયમાં કૃતજ્ઞતા કે આભારવશતાની માત્ર જેમ-જેમ વધતી જાય, ભગવાન પોતાની નજીક આવવાનાં દ્વાર ખોલતો જાય ! પ્રેમી પંખીડાઓ પર શૂરાતન દેખાડતો સમાજ કુરિવાજો કે ભ્રષ્ટાચાર બાબતે પાણીમાં બેસી જાય છે. લાંચ ન લેવાની પ્રતિજ્ઞા કે કાળા નાણા ન સ્વીકારવાની ચોખવટ કહેવાતા બાબાજીઓ ય કરતાં નથી.
જગતના ઉપકારોનો બદલો વાળી શકીએ એટલું લાંબુ જીવન તો આપણને મળ્યું નથી, એટલે પેલી બાઈએ અપાવાવેલી રીત ઉત્તમ છે કે કૃતજ્ઞતા અથવા ઉપકારો વ્યકત કરી દેવા જેથી એનો ભાર લાગે નહીં. ભગવાનની કૃતજ્ઞતા યાદ રાખીએ તો આપણી ચોતરફ અનેક લોકોની લાગણી અજ્ઞાતપણે વરસતી રહે. આપણે સ્વાર્થની છત્રી ઓઢી ઘૂમીએ છીએ, એટલે ઈશ્વરની કરુણા અને કૃપાથી ભીંજાવાની તક આપણને મળતી નથી. છતાં ગજબનું દંભીસ્તાન છે ! ગેરકાયદેસર કબજો કરીને, કાનૂનનો જાહેર ભંગ કરીને પેશકદમી કરીને, જૂના વ્રુક્ષો કાપીને ધર્મસ્થાનકો બંને ત્યાં લાગણી દુભાવાને બદલે ચરણોમાં આળોટી પડે. સરકારી પ્રતિબંધ છતાં દારૂ પીવાય, ગુટકા સરકારી ઓફિસોમાં ય ધડાધડ થૂંકાય એ વલ્ગર ના લાગે, પણ કિસ કે હગ છોકરા-છોકરી કરે એટલે તરત શહીદોની દુહાઈઓ અપાવા લાગે ! સડક પર રખડતા ઢોર, ભસતા કરડતા કૂતરા, કોન્ટ્રાક્ટના પૈસા ચવાઈ જતા પડેલા ખાડા, ફાઈલ આગળ વધારવા આપવા પડતા રીમાઈંડર, કોર્ટમાં પડ્યા જ કરતી તારીખો, પરીક્ષામાં બેફામ ચોરી, બીલ વગરના – ટેક્સ વગરના માલની હેરાફેરી, કોઈ શિસ્ત વિના જોખમી રીતે રોજ જામ થતો ટ્રાફિક, હોર્નના ઘોંઘાટ, ખુલ્લા હાથે પીરસાતા વાસી ભેળસેળિયા ખાદ્યપદાર્થો, ઉપવાસની પેટિસમાં ઘાલમેલ થઈ જતો લોટ, વાસથી બદબૂ મારતા જાહેર શૌચાલયો, ખૂલ્લામાં હાજતે જતા કે દાદાગીરીથી ઝૂંપડા બાંધી રહેતા ગુંડાઓ, લાગવગથી હોદા પર ગોઠવાઈ જતા કે શિક્ષણનો કારોબાર કરતા વેપારીઓ, મીટર વિના દોડતી રિક્ષ-ટેક્સીઓ, મોડી પડતી બસ, ખડી જતી ટ્રેન, જૂઠું બોલીને થતી છેતરપિંડી, ટ્યુશન ને દફતરના બોજમાં કચડાઈ જતું બાળપણ, સમયસર કામ કરવાને બદલે કરવી પડતી કાકલૂદી અને આજીજી, સ્ત્રીને ચારદીવાલોમાં ફટકારાતો માર, તરુણો પર ઊંભું થતું પરીક્ષાનું પ્રેશર, ઉત્તમ કલાકૃતિમાં ઉડતા કાગડાઓ, પાર્કિંગની સ્પેસ વિના ખડકાઈ જતી ઇમારતો, જ્ઞાતિવાદના ઝેરી ભેદભાવમાં થતા અપમાનો, કોમી રમખાણો, ધર્મગુરુઓની પાપલીલા, દેશના નામે ગોરખધંધા… કશાની શરમ સમાજને ના આવે, પણ કળા કે યૌવનની વાત નીકળે એટલે ઘુમ્મટો તાણી દે ! ઘુમ્મટો તાણવાને બદલે ચહેરો સદાય પ્રસન્ન રાખો. ખુશી વહેચવામાં કરકસર કરશો નહીં. જે કોઈ તમારે માટે નાનું-મોટું સારું કામ કરે એનો આભાર માનો. એ આભારનો બદલો વાળી આપવાની તક શોધતા રહો. તમારું બૂરું કરનારનું પણ ભલું વાંછો, તેની ઈર્ષા ન કરો.
દુનિયાની તમામ વસ્તુઓ ભગવાને સર્જેલા માનવીઓએ બનાવી છે. પશુઓના પણ તમારા પર ઉપકાર છે. એ સહુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. અંત:કરણને હંમેશા સ્વચ્છ રાખો.

Leave a Reply