(ગર્ભ-સંસ્કાર સંદેશ – ૪) પાણી પહેલાં બાંધો પાળ

પાણી તો ઘસારા બંધ આવવાનું જ છે. તણાઈ જવું ન હોય તો પાળ તો બાંધવી જ પડે. વિકારો તો પજવશે જ. અહંકાર સતત હાવી થવા પ્રયત્ન કરશે. ત્રિગુણાત્મક વિષયો મનને અહીં તહીં ભટકાવ્યા કરશે. વાસના માનવીને કાબૂમાં લેવા પૂરેપૂરું જોર લગાવી દેશે, તેનાથી છટકવું અતિ મુશ્કેલ રહેશે. લોભ તથા મોહ પણ પોતાના ભરડામાં લઈ લેશે. પ્રત્યેક નકારાત્મક બાબત તેમની ઈચ્છા પ્રમાણે તમને નચાવવાનો પ્રયત્ન કરશે જ. તેમાંથી બચવું મુશ્કેલ છે.
જ્યાં આધાર માનેલો તે પરિસ્થિતિ પોકળ બની જશે. દુન્યવી સંબંધોના સમીકરણ માટેનો ભ્રમ ક્યાંક તો ભાંગશે જ, છતાં પણ સંબંધોના કળણમાં ખૂપાતું જ જવાશે. જીવન જે બાબતો માટે સમર્પિત કરેલું હશે તે બાબતો જ અન્યને સમર્પિત હશે. સમયાંતરે સમજાશે કે અંધારું જ દીવો બુઝાવવાનો પ્રયત્ન કરે છે !
અંતે નાસીપાસ થવાશે. યોગ્ય વિચાર કરતાં જણાશે કે બધું જ વ્યર્થ છે – બધું જ વ્યર્થ રહ્યું. બધું જ વ્યર્થ ના થવા દેવું હોય તો પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ વસે છે, એટલે કોઈનેય કટુવચન કહેવાં નહીં. પછી ક્યાંક મોડું થઈ ગયું હશે. સમજાશે કે જે જે કર્યું, જે જે કારણે કર્યું તે કારણ જ ભ્રામિક હોવાથી કાર્ય પણ અર્થહીન બની રહ્યું. એક બાળક સામે હીરાની વીટી અને ચોકલેટ મૂકી દો તો બાળક વીટીં નહીં ચોકલેટને ઉઠાવશે. બાળકના પિતા ચોકલેટ નહીં વીટીંને ઉઠાવશે. ભિખારી વીટીં અને ચોકલેટ બંનેને ઉઠાવશે અને મુનિ (સાચા સંત) ન તો વીટીં ઉઠાવશે ન તો ચોકલેટ ઉઠાવશે. ખુદ જ ત્યાંથી ઊભા થઈ જશે. દરેકને પોત-પોતાનો સ્વભાવ છે. માણસને મીઠાઈ ખાવામાં જેટલું સુખ મળે છે તેટલું સુખ ભૂંડને વિષ્ટા ખાવામાં મળે છે. ઈચ્છુક મનુષ્યના ચિત્તમાં સત અને અસતનો વિવેક રહેતો નથી.
પાળ પહેલાથી જ બાંધવી પડે. સત્સંગ કરવો પડે. ગુરુ વચનમાં વિશ્વાસ રાખી (ગુરુ જોઇને કરવા !) આગળ વધવું પડે. અર્થ – અનર્થનો ભેદ સમજવો પડે. વિવેક તથા સંયમ જાગ્રત કરવા પડે. અનિષ્ટથી દૂર એકાંતે રહેવું પડે. ધર્મની માટે કર્મ કરતાં કરતાં અકર્મી રહેવું પડે. જે તૃષ્ણા વધારે છે તે ઉપાધિ વધારે છે. જે ઉપાધિ વધારે છે તે દુ:ખને વધારે છે.
પાણીનો પ્રવાહ તો અતિ વેગવાળો છે, પરંતુ પાળ પણ સખત બાંધી શકાય તેવી છે, પ્રવાહ ચોક્કસ અટકી જશે, જો પાળ યોગ્ય સામગ્રીથી યોગ્ય માર્ગદર્શન પ્રમાણે બનાવાઈ હશે.
પોતાની શક્તિઓ ગુમાવી બેસવાનું સૌથી મોટું કારણ એ જ હોય છે કે આપણે એવું વિચારતા રહીએ છીએ કે આપણી પાસે શક્તિઓ છે જ નહીં. નાની વસ્તુઓમાં વફાદાર રહો, એમાં જ ખરી તાકાત સમાયેલી છે. જિદગીના દરવાજા ખુલ્લા રાખો, તો પ્રેમ પ્રવેશે છે અને જો ખુદને ખુલ્લા રાખો, તો તો પરમાત્માનો પ્રવેશ થાય છે. આને જ ભક્તિ કહે છે. પ્રેમ એટલે કે તમે બધું જ ગુમાવવા તૈયાર હો અને ભક્તિનો અર્થ છે દુનિયાની સૌથી મોટી હસ્તી પરમાત્માને પામવાની તૈયારી કરવામાં આવે. આજના સમયમાં પ્રેમ વિશે વાત કરનારા લોકો ધીમે ધીમે ઘટી રહ્યા છે અને પ્રેમ ક્યારે વાસનામાં બદલાય જાય, એ ખબર જ ન પડે. હવે તો પ્રેમનો અર્થ દેહનું સુખ એટલો જ રહી ગયો છે. જે અનુભૂતિનો વિષય હતો, તે હવે વિલાસની બાબત બની ગયો છે. તેવામાં જે લોકો પ્રેમ બચાવવા ઈચ્છતા હોય, એ લોકોએ ભક્તિના માર્ગે ચાલવું પડશે. પ્રેમમાં ઉતરવું બધા માટે સરળ નથી, પરંતુ ભક્તિમાં ઉતરવું અઘરું પણ નથી. જો તમને ખુદને ભક્ત બનાવી શકો તો માનીને ચાલો, આપણી અંદર પ્રેમની શક્યતા વધી જશે. ભારતની ધરતી અમુક બાબતમાં અનોખી છે. તેની રજે રજ, કણેકણમાં ભક્તિની સંભાવના વિખેરાયેલી પડી છે. વિશ્વના અન્ય ભૂખંડમાં પ્રાકૃતિક સૌદર્ય હોય શકે છે, પરતું ભારતની ધરતી પર આત્માની સુંદરતા પડેલી છે. આપણા શાસ્ત્રોમાં ભારત માટે એવું લખવામાં આવ્યું છે કે ભારત એટલે બધાનું ભરણ-પોષણ કરનાર. વેદોમાં ભારતનો અન્ય એક અર્થ દર્શાવાયો છે, પ્રેમ કરનાર. તો પ્રેમની જે વિશાળ દ્રષ્ટિ છે, જે ઊંડી અનુભૂતિ છે, તે ભારતના મૂળ સ્વભાવમાં છે. હિન્દુસ્તાનની દરેક ગતિવિધિ, દરેક વિચારની પાછળ ઋષિ-મુનિઓનું ચિંતન છે. શાસ્ત્રોમાં જે “ભારતમ” શબ્દ આવે છે, તેનો સીધો સંધિ વિચ્છેદ કરીએ, તો ભા+રતમ. એટલે કે જે પ્રતિભામાં, પ્રકાશમાં દિવ્ય જ્ઞાનમાં રત હોય એ ભારત. એટલા માટે ભારતીયો માટે પ્રેમ અને ભક્તિ સાથે જોડાવું અત્યંત સરળ છે. થોડી ભક્તિની તૈયારી કરો… પ્રેમનો ભરપૂર સ્વાદ માણી શકશો. પ્રેમનો સ્વાદ માણતા સ્ત્રી-પુરુષ જ ઉત્તમ સંતાનને જન્મ આપી શકે…! જેઓ સમય બચાવે છે, તેઓ ધન બચાવે છે અને બચાવેલું ધન, કમાયેલા ધન બરાબર છે…! પ્રેમ બચાવવા ભક્તિ કરી લો.
પુષ્પોમાં જેટલા વિવિધ રંગો હોય છે, તેટલા વિનયના જુદા જુદા પ્રકારો હોય છે. વર્તમાન સમયમાં વિનય વિશેનું ચિંતન એ માટે આવશ્યક છે કે સમાજ અને ધર્મમાં ધીરે ધીરે અવિનય, અહંકારિતા અરે ઉચ્છંખલતાની બોલબાલા વધતી જાય છે. એક સમયે એમ મનાતું કે પોતાના હાથ નીચેના કર્મચારીઓ પ્રત્યે માયાળુ સદ્વર્તન રાખવું જોઈએ. એમના સુખ:દુઃખમાં સહભાગી બનવું જોઈએ. આજે એમ મનાય છે કે પોતાની હાથ નીચેના અધિકારીઓથી કર્મચારીઓને સતત દાબ અને દબાણ હેઠળ રાખો “Hire and Fire” ની વિચારધારા ચાલે છે. માણસને ભાડે રાખો અને ન ફાવે તો પાણીચું આપી દો. જ્યાં માનવીય સંબંધો કે સંવેદનાઓનો નજરઅંદાજ કરીને માત્ર માણસને કાર્ય કરતા મશીનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આથી વિનયની ભાવના વર્તમાન વિશ્વમાં માનવવિકાસ માટે જરૂરી બની છે, એટલે કે કપડાં પહેરવામાં કાળજી ન રાખો તો કઈ નહિ, પણ આત્માને હંમેશા સ્વચ્છ રાખો.
ધર્મની ભાવનાઓ નથી હોતી પ્રાચીન કે નથી હોતી અર્વાચીન. એ તો શાશ્વત હોય છે અને વિનય આવી એક શાશ્વતી ભાવના છે. વળી જીવનમાં એની ખિલાવટની જરૂર છે. બુદ્ધે શરીર છોડવાની જાહેરાત કરી, એ હવે વધુ સમય આ જર્જરિત શરીરમાં રહી શકે તેમ હતા નહીં. દિવસે દિવસે શરીર કથળી રહ્યું હતું. આવા અસ્વસ્થ શરીરમાં રહીને કામ કરવું અશક્ય હતું. આથી એમણે જાહેરાત કરી કે આજે હું મારૂ શરીર છોડી રહ્યો છું. બહુ દિવસ આ શરીરે મને સાથ આપ્યો. એના માધ્યમથી જ નિર્વાણ સુધીની યાત્રા કરી. એક કહ્યાગરા સેવકની જેમ જ એને મને મદદ કરી છે પણ હવે વધુ સમય એની પાસેથી કામ લેવું એ હિંસા છે. માટે આજે સાંજે હું શરીર છોડીને વિસર્જિત થઈ જઈશ.
આપણે જેમ મકાનમાં રહેતા હોઈએ અને એમાંથી બહાર નીકળી શકીએ એમ જ બુદ્ધ પુરુષો શરીરને, એક મકાનમાંથી બહાર નીકળતા હોય તેમ જાગૃત રીતે છોડી શકે છે. શરીર સાથે એમનો અંતરાત્મા લિપ્ત નથી હોતો. “હું શરીર નથી, ચૈતન્ય છું” એવી સમજ આવે અને અનુભૂતિ થાય ત્યારે જ કોઈ વ્યક્તિ સંબુદ્ધ થઈ શકે છે. એમના માટે શરીર એ એક વસ્ત્ર, એક ઘર, એક વાહન છે. જીર્ણ થાય કે ફાટી જાય તો વસ્ત્ર બદલવું પડે છે. ઘર જર્જરિત થઈને પડું પડું થાય તો એને છોડવું પડે છે. વાહન પણ ખુબ ચાલીને નકામું થઈ જાય તો એને છોડવું પડે છે. તેમજ શરીર પણ સમય આવ્યે છોડવું જ પડે છે. સામાન્ય માણસોએ જ નહિ, મહા મેઘાવી બુદ્ધ પુરુષો એ પણ શરીર છોડવું પડે છે. આપણે જેને મૃત્યુ કહીએ છીએ તેણે જ સંતપુરુષો મોક્ષ, મહાનિર્વાણ કે કૈવલ્ય કહે છે. મૂર્છિત રીતે, સમજ વિના, પોતે જ મરી રહ્યા છે તેમ માની કચવાતા દિલે વિદાય થવું તે મૃત્યુ છે અને સમજ સાથે, જાગૃત રીતે, પોતે શરીર નહીં પણ ચૈતન્ય છે એવી અનુભૂતિ સાથે, આનંદપૂર્વક, અનુગ્રહ ભાવ સાથે શરીર છોડીને વિદાય થવું એ મહાનિર્વાણ, મોક્ષ કે બ્રહ્મલીનતા છે.
બુદ્ધની આ ઘોષણા ક્ષણભરમાં આખા આશ્રમમાં ફેલાઈ ગઈ. આનંદ જે સતત એમની સાથે જ રહેતો હતો તે છાતી પીટીને રડવા લાગ્યો. અનેક ભિક્ષુઓના જીવ પડીકે બંધાઈ ગયા. સૌના શ્વાસ ચડી ગયા. હવે શું થશે ?… જેમના સાન્નિધ્યમાં આટલું સુખ મળ્યું. જેમને જોઇને આંખ ઠરતી, અંતરમાં શાતાનો અનુભવ થતો, જેમના વિનાનું જીવન વ્યર્થ લાગતું એ વ્યક્તિ અચાનક કાયમ માટે છોડીને ચાલી જાય તો જીવાશે કેમ ? આખા આશ્રમમાં ચિંતા, વિશાદ અને કિંકર્તવ્યમૂઢતાનું મોજું ફરી વળ્યું. આનંદ જેવો આનંદ ઢીલો થઈ ગયો. જેમને બુદ્ધની સાથે છાયાની જેમ રહીને સેવા કરી એની આંખ પણ આંસુથી ભરાઈ આવી ત્યાં બીજાની તો વાત જ શી કરવી ? સંતોનું સાન્નિધ્ય પરમ સુખ અને શાંતિદાયક હોય છે. આથી એને છોડવાની વાત આવે તો ભલભલાનું હૈયું હચમચી જાય છે.
સામાન્ય માણસ અને સાધક, ભિક્ષુ કે સન્યાસી વચ્ચે એ જ ભેદ હોય છે કે સંસારી વ્યક્તિનો સંબંધ શરીર કે મન સુધીનો હોય છે. વ્યક્તિને એ શરીરના માધ્યમથી જ ઓળખે છે. જયારે ખરા સાધક કે શિષ્ય માટે ગુરુનું શરીર એ તો માત્ર બહાનું જ હોય છે. શરીરની અંદર જે તે ચેતના વિરાજિત છે તેની સાથે જ ખરા શિષ્યને સંબંધ હોય છે અને સાચા શિષ્ય પાસે એટલી સમાજ તો આવી જ જાય છે કે, ચેતનાનો કોઈ નાશ નથી. એતો શાશ્વત છે “ ન હન્યતે હન્યમાને શરીરે” શરીરનો નાશ થવા છતાં જે સ્વયં મરતા નથી એ જ તો સાચા સંત, સદગુરુ અને પરમહંસ છે. હજારમાંથી કોઈ એક શિષ્ય આ વાત સમજી શકે છે. બાકીના બધા શરીર, સંતોની વાણી, એમનાં પુસ્તકો કે બાહ્ય પ્રતીકોથી ઉપર જઈ શકતા નથી. શરીર જાય એટલે બધું પતિ ગયું. જાણે કે સહારો જ છૂટી ગયો એવું એમને લાગે છે અને સંતોની વિદાય તો ભલભલાને હચમચાવી મૂકે છે. આનંદ તો બુદ્ધનો પિતરાઈ ભાઈ હતો, બુદ્ધની સાથે રહીને જ એ નાને થી મોટો થયેલો એ હલબલી ગયો. જયારે એ જ આશ્રમમાં “મહાક્શ્યપ” નામે એક અલગારી શિષ્ય પણ હતો. બુદ્ધના શિષ્યોને “ભિક્ષુ” કહેવામાં આવે છે. બુદ્ધ શરીર છોડી રહ્યા છે એવી વાત સાંભળવા છતાં ન તો એ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થયો કે ન કશું બોલ્યો કે ન તો એની આંખોમાં આંસુ આવ્યાં. બસ એ શાંત બેસી રહ્યો. માત્ર જે આંખ ખુલ્લી હતી તેણે એણે બંધ કરી અને બુદ્ધના અવિનાશી રૂપમાં ડૂબી ગયો.
આનંદને રડતો જોઈને બુદ્ધ બોલ્યા : “તું શા માટે રડે છે ? જે સમાચાર તને મળ્યા છે એ જ મહાકશ્યપને પણ મળ્યા છે. તું એની સામે જો. એ ચૂપચાપ જ સ્થિતિમાં હતો એ સ્થિતિમાં એમ જ બેઠો છે. જાણે કશું જ બન્યું નથી. કોઈ સમાચાર જાણે કે એને મળ્યા જ નથી… એની અકંપ સ્થિતિ શું તને દેખાતી નથી…?”
આનંદે કહ્યું : “મને એની સ્થિતિ સમજાતી નથી. એ કેમ આમ મૂઢ જેવો બની ગયો છે. પથ્થરની મૂર્તિ જેમ જ એ બેઠો છે. આપણા હોવાથી એ જો સુખ અનુભવાયું તો આપણા જવાથી દુઃખ કેમ ન થાય ? આપના વિના તો આખા અસ્તિત્વમાં સુનકર વ્યાપી જશે.”
બુદ્ધે કહ્યું : “તું મહાકશ્યપને જ પૂછ. એ તને જવાબ આપશે.
બુદ્ધના શરીર છોડવાના સમાચાર સાંભળ્યા હોવા છતાં મહાકશ્યપ હસી પડ્યો. એણે કહ્યું – “બુદ્ધનો તો કદી ના જન્મ થયો છે કે ન તો એમનું મૃત્યુ થઈ શકે. જે નથી જન્મતા કે નથી મરતાં, માત્ર હોય છે તે જ બુદ્ધ છે. અને જે સુખ બુદ્ધના જવાથી ચાલ્યું જાય અને બુદ્ધની હાજરીમાં ય હોય તે સુખનું મૂલ્ય શું છે ? સદગુરુના સાન્નિધ્યમાં સુખ નહીં, શાંતિ મળવી જોઈએ. સુખ તો સદગુરુની હાજરીના કારણે હોય છે. જો હાજરી ના હોય તો ઊલટાનું મહાદુઃખ મનને ઘેરી વળે છે. મનને જે સદગુરુ દ્વારા મળ્યું છે તે શાશ્વત છે. ગુરુના જવા છતાં એ જતું નથી. બસ એ સ્થિર છે. બહારની કોઈ પણ પરિસ્થિતિ એને કંપાવી નથી શકતી. હું એના અવિનાશીરૂપ સાથે જોડાઈ ગયો છું. મને એમનું શરીર હોય કે ન હોય, એનાથી કોઈ પણ ફરક નથી પડતો. મારા માટે તો એ સદૈવ રહેશે. તું પણ આનંદ હવે અફસોસ છોડ. તારી પાસે સમય નથી શરીર તો જવાનું પણ જ્યાં સુધી શરીરમાં તેઓ હયાત છે ત્યાં સુધીમાં જાગી જા”
શરીર ગમે તેટલું સારું હોય તો પણ એ સો સવાસો વર્ષથી વધુ ટકી શકતું નથી. અને પછી તો એના વિના જ રહેવું પડે છે. માટે એમના સ્થૂળ સ્વરૂપને છોડી શાશ્વતમાં ડૂબી જા. એનો પછી કોઈ અંત નથી. કાળ એને કશું જ કરી શકતો નથી. જે સમયની પાર ચાલ્યા જાય છે તે જ સંબુદ્ધ છે. સમયની પર જવું એટલે શાશ્વત સાથે ભળી જવું. બુદ્ધ શાશ્વત છે… આનંદ ! માટે તું અફસોસ ન કર,”
વર્ષો સુધી બુદ્ધની સાથે રહેવા છતાં જે ન મળ્યું તે બુદ્ધના જવાની ક્ષણે આનંદને મળી ગયું. સદગુરુની એ જ રીત હોય છે. હોય ત્યાં સુધી એ આપે જ છે અને જતી વખતે પણ એમની શુભાશિષની વર્ષા ચાલુ જ હોય છે, જે ક્યારેય અટકતી નથી સાચો શિષ્ય એને કહેવાય જે સદગુરુના શુભાશિષની શાશ્વત વર્ષાને ઝીલી એમના અવિનાશી રૂપ સાથે તન્મય થઈને જીવે છે. સદગુરુ મિલના ભી મુશ્કિલ હૈ…! પણ ઉત્તમ સંતાનને જન્મ આપવાનો પ્રયત્ન અચૂક કરી શકાય…!!!

Leave a Reply