બંદૂક સ્વામી અને તલવાર સ્વામી

સાધુ – સાધ્વીની સંપત્તિ
આપણા દેશના ધર્મ અને અધ્યાત્મમાં હવે એટલી હદે ભેળસેળ થઈ ગઈ છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ તો બહુ પ્રાથમિક અને નહિ જેવી કહેવાય ! કારણ કે ધર્મ અને અધ્યાત્મમાં એવા દિગ્ગજો પડેલા છે કે જેમને સમજતા લોકોને વરસો લાગે છે અને ત્યાં સુધીમાં તો તેઓ પોતાની તિજોરીનું કદ સતત વધારતા રહે છે. ભારતમાં જેમ ધર્મ ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓની સમાજ પર આર્થિક રંજાડ છે તે જ રીતે મોટા નામધારી અને સંસ્કૃત – ઈગ્લીશનો પોતાની વાણીમાં વિશિષ્ટ જુગાર રમતા ભાષાબાજ અધ્યાત્મિક પુરુષોનું પણ લોકોના મન પર એવું જ વિશિષ્ટ આક્રમણ છે. આ બધી નિત્ય લીલામાં સ્વયં ઈશ્વર તો ક્યાંક ખોવાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારત એક જ એવો દેશ છે કે જેમાં કોઈ મોટા ઉદ્યોગગૃહની વાર્ષિક રેવન્યુ સાથે સ્પર્ધા કરી શકે એવી ઊંચી વાર્ષિક રેવન્યુ ધરાવતા મંદિરો પણ છે! સાધુ-સાધ્વીઓમાં કેટલાક લોકો જ્યાં સુધી ગુનાખોરીની સીમમાં પ્રવેશતા નથી ત્યાં સુધી તો સમાજને ખ્યાલ આવતો જ નથી કે તેઓ કેવા મુર્ખ લોકોના શ્રીચરણમાં આળોટે છે. હમણાં ઉત્તર ગુજરાતની એક સાધ્વી પાસેથી કરોડો રૂપિયા, સુવર્ણ અને લટકામાં શરાબની બે-ચાર પેટીઓ મળી. આમાંથી એ પેટીઓ બાદ કરી નાખવામાં આવે તો રોકડ અને સોનું તો દેશના હજારો સાધુઓ પાસેથી મળી આવે તેમ છે. મહામંડલેશ્વર કક્ષાની સાધ્વી પાસેથી રોકડ-સુવર્ણ અને શરાબનું જે અદ્દભુત સંગમ તીર્થ પ્રાપ્ત થયું તેનાથી પ્રથમ ગુજરાત પોલીસ અને પ્રજા સ્તબ્ધ થઈ ગઈ છે.
આપણા દેશમાં સાધુ-સંતોના અપરાધથી ક્યાંક અધિક તેમના ભક્તોના અપરાધો છે. એમના એવા ભક્તો કે જેમને બહુ શોર્ટકટથી જિદગીમાં બધું જ પ્રાપ્ત કરી લેવું છે. તેઓ પોતાની સંપત્તિ આવા સાધુઓના ચરણે મૂકે છે. જે સાધુનું ચરિત્ર ના જાણતા હોઈએ તેને વંદન કરવાથી આપણે અપરાધમાં પડીએ છીએ એમ સુભાષિતકાર કહે છે. આપણે ત્યાં તો સાધુનું કુળ અને નદીનું મૂળ ના પૂછવાની કહેવત સાધુઓએ જ ચલનમાં રાખી છે. સાધુ-સાધ્વીઓની રહસ્યમય કૌભાડોની ગુપ્તગંગા ગુજરાતી પ્રજાને હવે નવા પ્રશ્નાર્થો સુધી લઈ જાય છે. ઘટનાઓ એવી પ્રગટ થવા લાગી છે કે સાધુનું કૂળ નહિ તો પણ એમની સાધના અને એમના ગુરુગોત્ર વિષે તપાસ કર્યા પછી જ નમસ્કાર કરી શકાય. આપણે ત્યાં થોડા વર્ષો પહેલા એક સંપ્રદાયમાં બે ઉચ્ચ કક્ષાના સાધુઓ એકબીજા પ્રત્યે કટ્ટર દુશ્મનાવટ રાખતા હતા અને તેઓ શસ્ત્ર પણ ધારણ કરતાં જેને કારણે સમાજે તે સાધુઓના નામ બંદૂક સ્વામી અને તલવાર સ્વામી પાડેલા. સાધુના કપડા અને શસ્ત્રોનો વિચાર આ કેવો વિરોધાભાસ છે. શાસ્ત્ર ધારણ કરવા માટે વૈરાગ ધારણ કરીને શસ્ત્ર ધારણ કર્યા છે અને તે પણ અંગત અદાવત માટે તેવા લોકોને તો ભારતીય પ્રજા જ વધુ પડતા ઉદાર હૈયે નિભાવી શકે !

Leave a Reply