લક્ષ્ય સિદ્ધિ કરવા જતા આપણે જીવનને ચુસ્ત અને નિરાશ બનાવવાની જરુર નથી.

જમાનાની રફતાર એવી છે કે, વ્યક્તિ લક્ષ્ય નિર્ધારિત કરે અને પછી એ સિદ્ધ કરવા માટે સઘળું હોડમાં મુકે. પોતાના ટાર્ગેટને “એચિવ” કરવા માટે રાત-દિવસ એક કરે. જીવનની પ્રત્યેક ક્ષણે “ટાર્ગેટ” (લક્ષ્ય) સિદ્ધ ન થાય તો એના મનમાં ભારે વિશાદ જાગે છે. મહેનત કરવા છતાં સફળતા ના મળી, તેથી નિષ્ફળતાના દુ:ખે એ દુ:ખી થાય છે. આમાંથી ક્યારેક હતાશા જાગે છે તો ક્યારેક “આખું ય જીવન નિષ્ફળ ગયું” એવું એના મનમાં ઠસી જાય છે.
એ વાત સાચી કે લક્ષ્ય સિદ્ધિનો એક આનંદ હોય છે. એમાં આપણી મહેનતનું વળતર જોઈએ છીએ. જે પામ્યા એની પાછળનો પ્રતિષ્ઠાનો ભાવ હોય છે. લક્ષ્ય સિદ્ધિ કરવા જતા આપણે જીવનને ચુસ્ત અને નિરાશ બનાવવાની જરુર નથી. કોઈ આમ કરે તો એ જીવનનું ખરું લક્ષ્ય ચૂકી જશે. ભલે એ ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે, પણ એ સિદ્ધિ સમયે જીવનની અન્ય બાબતોમાંથી એની સફળતાનો રંગ ઝાંખો પડી જશે. આથી ભલે લક્ષ્ય પર નજર ઠેરવી હોય, પરંતુ એની પ્રાપ્તિના પરિણામને બદલે એની પ્રક્રિયાનો આનંદ માણો. લક્ષ્ય સિદ્ધિના પુરુષાર્થ માટે તમે નવું નવું શિખ્યા હશો. તમારો આંતરિક વિકાસ થયો હશે. સત્કર્મને માર્ગે ચાલ્યા હશો. આ રીતે પ્રક્રિયા દરમ્યાન પણ તમારા વ્યક્તિત્વનો વિકાસ અને તમારી ક્ષમતાના પ્રાગટ્યને જોઇને પ્રસન્નતા પામવી જોઈએ.

Leave a Reply