વાતો મોટી મોટી અને જવાબદારી ખોટી ખોટી.

પોલિટીકસને લીધે વધુ ચકચારી નલિયા કાંડ પણ આવેશમાં થયેલો બળાત્કાર નથી. દેખીતી રીતે પૈસા અને સત્તાના મદમાં બહાર આવતી બેફિકરાઈ અને બેશરમીમાં શરુ થયેલું સેક્સ રેકેટ છે. જેમાં પુરુષો અને શોષણમાં લાંબો સમય ચૂપ રહી ભાગીદાર થતી સ્ત્રીઓ ય (બે)જવાબદાર છે. આડા સંબંધોના અપરાધો તો સીધા વધ્યા છે.
આખિર કયો ? સોશ્યલ ફેબ્રિક સતત ઘસતી ચાદરની જેમ તાર તાર થઈને ઝળી રહ્યું છે, એ બાબતે ભાગ્યે જ કોઈ ગંભીર છે. જે દેખાવ કરે છે આ બાબતે ચિંતિત હોવાનો એ સાચું નિદાન કરવાને બદલે પોતાને ફાવતા અને ભાવતા તારણોનું “ગઠબંધન” કરીને મહાબોરિંગ ઉપદેશોના હથોડા ઝીંકવા બેસી જાય છે !
જેમ કે, આવા બનાવો જયારે બને ત્યારે એક હાથવગું કારણ ધરી દેવાય છે આગળ “આ બધું પાપી પશ્વિમમી – સંસ્કૃતિનું આધળું અનુકરણ કરવાને લીધે થઈ રહ્યું છે.” સોરી, રોંગ નંબર. પહેલી વાત તો એ કે પેન્ટ, ટી શર્ટ કે લિપસ્ટિક, ઓટોમોબાઈલથી મોબાઈલ બધું પારકા દેશોમાં તૈયાર ભાણે વાપરવું હોય ને પાછો પોતાની જ સંસ્કૃતિનો ઝંડો ઉંચો કર્યા કરવો હોય એ પ્રેક્ટિકલી શક્ય નથી. આવા તારણો નર્યો પલાયનવાદ એટલે ય છે કે.. પશ્ચિમમાં (અને આફ્રિકા એશિયાના આગળ નીકળેલા દેશોમાં ય) ક્રાઈમ તો છે જ, પણ જાહેર શિસ્ત, સ્વચ્છતા, નીતિમત્તા, પ્રમાણિકતા, વિનય-વિવેક, સમયપાલન, પારદર્શકતા, સ્ત્રીસ્વાતંત્ર્ય, શિક્ષણ, વૃદ્ધો કે અશક્તો કે બાળકો માટેની કાળજી વગેરેના ધોરણો આપણાથી અનેકગણા ઊંચા છે અને ઝડપી કાયદા અને ન્યાયનું ત્યાં ચુસ્ત ઝડપી પાલન થાય છે. આપણે માફક આવતું મનોરંજન ત્યાંથી ઉપાડી લઈએ છીએ તો આ સદગુણો કેમ કેળવતા નથી ?
કારણ કે આપણે આળસુ અને અહંકારી છીએ એ વાત કબુલ કરવામાં શરમ આવે છે. એટલે સુધારતા નથી. વાતો મોટી મોટી અને જવાબદારી ખોટી ખોટી. બધા પોતપોતાની જ્ઞાતિ કે ધર્મ કે રાજકીય વિચારધારાને થાબડભાણા કરે અને બૌદ્ધિકો – સર્જકોની ખિલ્લી ઉડાવવાનો વિકૃત આનંદ લે, ત્યાં બદામને બદલે બાવળ જ ઉગે. કોઈના રિસેપ્શનમાં જમવાનું હોય એટલે મફત ભોજન પારકું છે, પણ પેટ તો આપણું જ છે ને ! સમજ્યા વગર આડેધડ ઝાપટો તો પછી ખુદના પાપે જ માંદા પડો. ત્યારે બીજાને ઉપવાસ કરાવવાના ના હોય, જાતે કરવાના હોય સાજા થવું હોય તો !
માટે આવી ઘટનાઓ હજુ ય વધવાની છે, ઘટવાની નથી. માટે જો સમજદાર, સુખી, સંવેદનશીલ ઇન્સાન હો તો બી એલર્ટ. ભારતમાં સલામતીના સવાલો સગવડોની સાથે જ સમપ્રમાણમાં વધવાના છે. જે વિકાસ આપણા બધાનું સામુહિક સપનું છે, એ વિકાસ કેવળ આર્થિક છે. મોર મની એન્ડ મોર પ્લેઝર. બધાને ઝટપટ પૈસાદાર થઈને શ્રેષ્ઠ સગવડો ભોગવી લેવી છે. ફાઈન. એમાં ખોટું નથી. પણ બાય હૂક ઓર ક્રૂક. યેનકેન પ્રકારે રીચ એન્ડ ફેમસ શોર્ટકટમાં જમ્પ મારીને થવું છે. અને એ ખોટું છે. ડેવલોપમેન્ટ પણ ડિસીપ્લીન વિના ક્લીન રહી શકતું નથી ! માત્ર હાથને જ જીમમાં જઈ કસરત કરાવ્યા કરો ને એ સ્નાયુબદ્ધ થાય પણ તોંદ દોણીની જેમ ઝૂલતી હોય કે ગરદન અને સાથળ પર ચરબીના વાટા ચડી ગયા હોય. આપણે ત્યાં દક્ષ, પ્રામાણિક અને કડક પોલીસ અધિકારીઓ ફિલ્મોમાં જ ગમે છે. બાકી માફક આવતા નથી. હજૂરિયાઓ ગમે છે. પ્રેશરમાં રહે પોતાના એ ગમે છે. ભરતી કે કામકાજના ધોરણો સુધરતા ન હોય તો બહુ ઉચ્ચ કક્ષાનો જાણકાર ફાળ આવે નહિ. પોલીસથી પત્રકારત્વ તમામ ક્ષેત્રોમાં ક્વોલિટી કથળતી જાય છે. પર્સનલ સંબંધો કે માન્યતાઓ મુજબનું સેટિંગ વધતું જાય છે. વિદ્વાન ન્યાયાધીશોની અછત છે. સફળ તજજ્ઞ વકીલોને ધીકતી કમાણી છોડીને જજ નથી બનવું. ન્યાય અતિશય ધીમો અને ધીરજની નહી, સત્યની પણ કસોટી કરનાર છે.

Leave a Reply