સત્યના હાથ ખાલી છે એટલે એ તમને કશું આપી શકશે નહીં, ઊલટુ તમારી પાસે કશું માંગશે.

એક સંત પોતાની પર્ણકુટી બહાર આસન પર બેસી હાજર શ્રોતાઓને બોધ આપી રહ્યા હતા. એમણે કહ્યું : ઘોર કળિયુગનું આગમન થઈ ચૂક્યું છે. તમારી જાતને સાચવો. કળિયુગને તમારામાં પ્રવેશવા નહીં દો તો સાજા – નરવા રહેશો.
એક શ્રોતાએ કહ્યું : “મહારાજ, આપની વાત તો સોના જેવી છે, પણ જરા વિસ્તારથી સમજાવો તો ગળે ઊતરે.”
સંતે કહ્યું : “એક વખત ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું : “હવે કળિયુગ આવવાનો છે. તેથી તમારે તપ કરવા જવું પડશે.
જો મારી વાત તમારે ગળે ઊતરતી ના હોય તો તમે પાંચે ભાઈઓ જંગલમાં જઈ આવો અને ત્યાં તમને જે કાંઈ જોવા મળે તેનું વર્ણન મારી પાસે આવીને કરો.
કૃષ્ણની વાત સાંભળી પાંચે પાંડવોએ વન ભણી પ્રયાણ કર્યું અને તેમણે ત્યાં જે કાંઈ જોયું તેનું વર્ણન કરવા લાગ્યા.
સૌથી પહેલાં શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને પૂછ્યું : “બોલો, ધર્મરાજ, તમે જંગલમાં શું જોયું ?” યુધિષ્ઠિરે કહ્યું : “મેં જંગલમાં બે સૂંઢવાળો હાથી જોયો.”
શ્રીકૃષ્ણે તેનું રહસ્ય સમજાવતાં કહ્યું : “બે સૂંઢવાળો હાથી તે કળિયુગના અધિકારીઓ છે. તેઓ બે મુખવાળા થશે. તેઓ વાદી અને પ્રતિવાદી બેઉ પાસેથી રિશ્વત લેશે.”
“બોલો ભીમસેન, તમે જંગલમાં શું જોયું ? કૃષ્ણે પૂછ્યું…
ભીમે કહ્યું : “મેં એક ગાય જોઈ, તે વાછરડીને ધાવતી હતી. હે પ્રભુ, એનો શો અર્થ થાય ?”
શ્રીકૃષ્ણે ભીમને સમજાવતાં કહ્યું “ તેનો મતલબ એ છે કે ગાય જેમ વાછરડીને ધાવે છે તેમ કળિયુગનાં માણસો છોકરા – છોકરીના પૈસાને આધારે પેટગુજારો કરશે.” કૃષ્ણે ચોખવટ કરી.
અર્જુને સામેથી કૃષ્ણને કહ્યું : “પ્રભુ ! મેં એક પક્ષી જોયું. તેના મોઢામાં ધર્મ પુસ્તક હતું પણ તે મડદા પર બેઠું હતું.”
શ્રીકૃષ્ણે કહ્યું “ કળિયુગમાં જ્ઞાનીઓ અને પંડિતો પણ કુપાત્રનું દાન લેતાં ખચકાશે નહીં.”
એટલામાં નકુલે પોતાના અનુભવની વાત કરતાં કહ્યું : “મેં ત્રણ કૂવા જોયા. તેમાં વચ્ચેનો કૂવો ખાલી હતો અને આજુબાજુના કૂવા ભરેલા હતા.”
શ્રીકૃષ્ણે નકુલને સમજાવ્યું : “કળિયુગમાં લોકો પોતાના સગા-સંબંધીઓના સંબંધો પ્રત્યે દુર્લક્ષ્ય સેવશે, જયારે બીજા ધનિકોના માણસો જોડે સંબંધ વધારશે.”
હવે છેલ્લો વારો સહદેવનો હતો. એમણે કહ્યું : “મેં એક પહાડ પરથી એક પથરો પડતો જોયો. તે મોટા વૃક્ષોને તોડતો નીચે આવ્યો અને નીચે આવતાં એક તણખલાથી તે અટકી રહ્યો.”
શ્રીકૃષ્ણે તેનો મતલબ સ્પષ્ટ કરતાં કહ્યું : “જે પથ્થર પડ્યો તે ધર્મ હતો. તે સંસારરૂપી પહાડથી ખસ્યો અને તપ, યોગ રૂપી મોટા વૃક્ષોને ભાંગતો સત્યરૂપી તૃણ સરખા પરમાત્માના નામને આશરે તે રહ્યો.”
આવું રહસ્ય સાંભળી થોડા વર્ષ રાજ્ય કરી ધર્મરાજા વૈરાગ્યશીલ બની ગયા અને તપ કરવા ચાલ્યા ગયા. આજે જમાનો બદલાઈ ગયો છે. આજે લોકોનો શ્રી (લક્ષ્મી) અને સંપત્તિ તથા સત્તા તરફનો ઝોક પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સત્તાધારી પિતાઓ ધૃતરાષ્ટ્ર બની ગયા છે અને પોતાના વંશજની યોગ્યતા – અયોગ્યતા જોયા વગર તેમને પોતાની સત્તાના ઉત્તરાધિકારી બનાવે છે. ગાંધીનો આ દેશ ! બધું ગાંધીને નામે ચાલે, પણ ક્યાંય ગાંધી નહીં. મૂળ વાત આજના માણસની. એનું મન બીમાર છે. એના મન પર કળિયુગનો વાવટો ફરકી રહ્યો છે. મનમાં કળિયુગ, વાણીમાં કળિયુગ, વર્તનમાં કળિયુગ, આચારમાં કળિયુગ અને વિચારોમાં પણ કળિયુગ. પ્રજાને પણ વક્રવાણી ગમે છે એટલે કોઈ નેતા બીજા નેતાનું કે બીજા પક્ષની વ્યક્તિનું વાંકું બોલે તો તાળીઓના ગડગડાટ. લોકશાહી વિવેકપર્વ છે. અને એવો વિવેક સત્તાધારીઓ કે પ્રજાપ્રતિનિધિઓ ના દેખાડે તો પ્રજાએ સહેજ આકરા થઈને દેખાડવો પડે છે.
લોકશાહીની પ્રજા લાલચુ ન હોય, સ્વમાની હોય. પ્રલોભનોના ટુકડા તેમના મન અને મતને જીતી શકે નહીં. લોકશાહીનાં પ્રજાજનો કદીયે માંગણીખોર કે ઠાલા વચનનાં ભૂખ્યાં ન હોય. તેઓ છેતરાય પણ નહીં અને કોઈને છેતરે પણ નહીં… તેઓ વેચાય પણ નહીં અને કોઈને ખરીદે પણ નહીં. આજનો માણસ બીમાર છે. બીમારી વધી છે. એનું કારણ કેવળ જંતુઓ નથી, પણ માણસ પોતે છે. માણસ પોતાના હૃદયમાં કળિયુગના સ્વાગત માટે. ઊંચા આસનો સુરક્ષિત રાખે છે. કળિયુગ પોતાની સાથે અસત્ય, પ્રપંચ, લોભ, લાલચ, વિકૃતિઓ, અહંકાર જેવો ખૂબ મોટો રસાલો લઈને આવે છે અને માણસને છૂટ આપે છે કે એ બધા પૈકી જે કાંઈ પોતાને અનુકુળ લાગે તે પસંદ કરવાની છૂટ. સત્યને મેં બારણા પાસે બેસાડી રાખ્યું છે એટલે તે તરફ ફરકવાની જરૂર નથી. સત્યના હાથ ખાલી છે એટલે એ તમને કશું આપી શકશે નહીં, ઊલટુ તમારી પાસે કશું માંગશે.
લોકો આજે કળિયુગની વાતથી ભોળવાઈ ગયા છે. આપણા શરીરની કહેવાતી માંદગી આપણે જ ઉભી કરી છે. દરેક વ્યક્તિ સ્વધિક્કાર અને અપરાધભાવથી પીડાતી હોય છે. ક્રોધ, ટીકા, અપરાધભાવ ખૂબ જ નુકશાનકર્તા છે.

Leave a Reply