આજના નેતાઓને અર્પણ કરીએ…!

દિલ્હી પર નસીરઉદીન કરીને એક ભલો બાદશાહ રાજ્ય કરી ગયો. તેની ભલાઈની ઘણી વાતો જાણીતી છે. બાદશાહ હોવા છતાં તે શાહી ખજાનામાંથી કદી પોતાને માટે એક પાઈ પણ લેતો નહીં. તે જાતે નકલ કરવાનો નિષ્ણાંત હતો. એક તો બાદશાહ, ઉપરથી સુંદર અક્ષર, એટલે લોકો સામા ચાલીને નકલનું કામ આપતા. નકલ કરવામાંથી જે કઈ પૈસા મળતાં, તેમાંથી જ બાદશાહ પોતાનું ગુજરાન ચલાવતા.
એક દિવસ બાદશાહે પૂરેપૂરા પરિશ્રમ સહિત એક સુંદર હસ્ત લેખ તૈયાર કર્યો.
એ હસ્ત લેખ એક ઉમરાવે જોયો. એ ઉમરાવે એ હસ્ત લેખમાંથી ઘણી ભૂલો કાઢી અને જ્યાં જ્યાં ભૂલો કાઢી ત્યાં ત્યાં નિશાનીઓ કરી દીધી.
ભૂલો બતાવી એ ઉમરાવ તો જતા રહ્યા.
ત્યારે બાદશાહની બેગમે કહ્યું : “તમે એ માણસને કઈ કહ્યું શા માટે નહિ ?”
બાદશાહના લેખમાં ભૂલ હતી જ નહિ. બાદશાહ પેલાની નિશાનીઓ ભૂંસતા હતા. એ ડાઘા ભૂંસી નાખતા તેમણે બેગમને કહ્યું : “વાહ બેગમ ! તમે પણ ખરા છો. એક તો એ બિચારો મહેરબાની કરીને મારી ભૂલો બતાવતો હતો અને ઉપરથી હું એની ઉપર ગુસ્સો થાઉં, કોઈ ગુરુનું તે વળી દિલ તોડતું હશે ?”
બેગમ તો આ સાંભળીને દંગ રહી ગઈ.
નસીરઉદીન જાતે મહેનત કરતો, બેગમ પાસે કરાવતો. બેગમ આથી ગુસ્સે રહેતી, તેને એમ થતું કે હું આવડામોટા બાદશાહની બેગમ હોવા છતાં મારે વળી આ શી ઉપાધી ?
બાદશાહ બેગમના હાથના જ રોટલા ખાતો, એટલે બેગમને ના છૂટકે રોટલા કરવા પડતા.
આનો સંતોષ પ્રગટ કરી બેગમ કહેતી : “મારાથી તમારા જેટલી મહેનત મજૂરી થતી નથી. હું પણ દિલ્હીની મલ્લિકા છું. એકાદ દાસી રાખી દેશો તો કઈ ભૂડું નહિ લાગે.”
નસીરઉદીને કહ્યું : “બેગમ, તું મલ્લિકા હશે પણ હું તો એક ગરીબ સુલતાન છું, મારી મહેનત મજૂરીમાંથી જે કઈ મળે છે, તેમાંથી જ આપણે પૂરું કરવાનું છે, શાહી ખજાનામાં જે પૈસો છે તે આપણો નથી, પ્રજાનો છે…! એને તો આપણે હાથ પણ લગાડી શકીએ નહિ.”
પણ એક દિવસ હાથ દાઝી ગયો. અને તે પણ બેગમનો, રોટલો કરવા જતા બેગમનો હાથ ગરમ તવા પર ચંપાયો, તે દાઝી ઊઠી , તેણે બાદશાહને કહી દીધું, “હું દાઝી ગઈ, કઈ ખબર પડી ?”
બાદશાહ નાસીરઉદીન બોલી ઉઠ્યા : “તને ખબર પડી, દેશભરની ગરીબ સ્ત્રીઓ કેટલી દાઝી જતી હશે, તેની મને આજે ખબર પડી ગઈ. બેગમ તારી જાતને દુનિયાની સ્ત્રીઓથી જુદી ન ગણ અને દાઝ્યા વગર રોટલા શીખી જાય તો જરૂર તું બચી રહેશે, અને મને પણ ખાવામાં મજા પડશે.”
પોતે દાઝી હોવા છતાં બાદશાહ પતિની આ વાત સાંભળી બેગમ ટાઢી ટપ થઈ ગઈ. આ વાર્તા આપણે આજના નેતાઓને અર્પણ કરીએ…!

Leave a Reply