એક જ કામ હાથ પર લેવું…

એક સમયે એક જ કામ એકાગ્રતાથી કરવું, એ પ્રાચીન ભારતની શાસ્ત્ર અધ્યયનની પદ્ધતિ વર્તમાનમાં મેનેજમેન્ટ પણ સ્વીકારે છે. એક સમયે એક જ કામ હાથ પર લેવાથી એ કામમાં પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત થાય છે અને એ કામના સંદર્ભે જે કઈ વિચાર કરવાનો હોય, તે બધા વિચારો કરી શકે છે તેમજ એ સંદર્ભે કોઈ નવો મુદ્દો કે મૌલિક વિચાર એના મનમાં આવી શકે છે.
કેટલીક વ્યક્તિઓ એક સમયે એક સાથે ઘણા કામ કરીને પોતાની વ્યસ્તતા બતાવતી હોય છે, પણ એમનાં કામમાં એ ઊંડે સુધી ખૂપી શકતી નથી. એને વિશે એ ઊંડો કે સર્વગ્રાહી વિચાર કરવાને બદલે તત્કાળ પ્રત્યુત્તર આપી દે છે. પરિણામે પરિસ્થતિનિ પૂરેપૂરી સમજ વિના ઉત્તરો આપવાથી ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. એક જ કામ હાથ પર લેવું અને એ કામ પૂરું ના થાય ત્યાં સુધી એના પર જ એકાગ્રતા સાધીને એને સિદ્ધ કરવા પ્રયત્ન કરવાથી અઘરું કામ પણ આસાન બની જશે. બરાબર ધ્યાન કેન્દ્રિત કરવાથી એ કામની સમગ્ર પરિસ્થિતિ, જરૂરિયાત, કારણો અને પરિણામો – એ બધા વિશે વિચાર કરવાની મોકળાશ મળશે. વળી આવી આદત કેળવવાથી અન્ય કોઈ બાબતથી વ્યક્તિનું ધ્યાન બીજે ફંટાતું નથી અને તેથી એણે જે કામ લીધું હોય, તેના પર પોતાના મનને કેન્દ્રિત રાખી શકે છે.
ઘણી વ્યક્તિઓ પોતાના કામમાંથી “બ્રેક” લે છે. ટેનિસની રમતમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ આવી રીતે “બ્રેક” લીધો અને એમની કારકિર્દીમાં “બ્રેક” આવી ગયો. પહેલાં જેવી એમની રમતની ઉત્કૃષ્ટતા હતી, એ ઉત્કૃષ્ટતા પાછી આવી નહીં. આથી થોમસ આલ્વા એડિસને એક સ્થળે લખ્યું છે કે “બીજી વ્યક્તિઓ કરતા મારી સફળતા મારા બીજા કોઈ ગુણ કરતા એક જ કામ હાથ પર લઈને સતત કર્યા કરવાની મારી શક્તિને આભારી છે.”
કયું કામ લેવું જોઈએ એની પણ પસંદગી કરવી જોઈએ. મૂલ્ય ધરાવતાં કામો હાથ પર લેવાથી તમે બીજી વ્યક્તિઓ કરતાં વિશિષ્ટ સાબિત થશો. જયારે નિષ્ફળ માણસો ઓછું મૂલ્ય કે ઓછું મહત્વ ધરાવતા કામોની પાછળ એમનો સમય બરબાદ કરી દેતા હોય છે. આથી મૂલ્યાવાળું કામ પસંદ કરીને એ સિદ્ધ કરવા માટે માંડી પડવું જોઈએ.
૨૭-૩-૧૭

Leave a Reply