(ગર્ભ-સંસ્કાર સંદેશ – ૬) સંતુલન – સાક્ષીભાવ એ સાધનાનું કેન્દ્રબિંદુ છે…!

સૂફી ફકીર બાયજીદ પાસે આવીને એક માણસ ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યો. એમના ચરણમાં ઝૂકીને પેલા માણસે કહ્યું :- “ફકીર તો આ દુનિયામાં ખૂબ જોયા પણ તમે એમાં શિરમોર – ફકીરોના સમ્રાટ છો. તમારી તુલના કોઈનીય સાથે શક્ય નથી…” બે મોઢે આ માણસ વખાણ કરી રહ્યો છે અને બાયાજીદ એની સામે શિર ઝૂકાવી સાંભળી રહ્યો છે. એની આંખમાંથી “ટપ…ટપ… આંસૂ ટપકી રહ્યા છે. શિષ્યો આશ્વર્ય સાથે આ દ્રશ્યને જોઈ રહ્યા છે.
પેલો પ્રશંસક વિદાય થયો અને થોડી વારમાં જ બીજો એક માણસ ધૂઆંપૂઆં થતો બાયાજીદને મળવા આવી ગયો. એની આંખમાંથી અંગારા ઝરતા હતા. સંતની સાથે કેવી રીતે બોલવું, કેવો વ્યવહાર કરવો એની એ માણસ પાસે તમીઝ ન હતી. આવીને સીધું જ એણે કહ્યું – “તમે મુસ્લિમ સમાજ માટે કલંકરૂપ છો. તમે જે ઉપદેશ આપી રહ્યા છો એનો આપની પરંપરા સાથે કોઈ મેળ નથી. તમે ફકીર છો. તમારું શિક્ષણ લોકોને ભડકાવનારું અને ધર્મવિરોધી છે. તમારા જેવા નાપાક માણસોએ જ આ પાકને મઝહબને નુકસાન પહોચાડ્યું છે. તમારા તો રાઈ રાઈ જેવડા ટૂકડા કરીને તેલમાં ટાળવા જોઈએ…! દુનિયામાં જે સૌથી મોટી સજા હોય તે તમને મળવી જોઈએ. કેમ કે તમે ખુદાનો નહીં, શેતાનનો પૈગામ ફેલાવી રહ્યા છો. ખરી મહાનતા પછડાટ ખાધા બાદ ફરી ઉભા થવામાં છે. તમારી શબ્દ ઝાળમાં ફસાવીને સમાજના નવયુવાનોને તમે ભ્રષ્ટ કરી ભટકાવી રહ્યા છો…”
બાયાજીદ આ માણસની સામે પણ મસ્તક નમાવી બેસી રહ્યો. અને વિન્રમભાવે એની વાતો સાંભળતો રહ્યો. એની વાતનો એમણે કશોય વિરોધ ન કર્યો. ન કોઈ દલીલ કરી કે ન કોઈ સફાઈ આપી. શિષ્યોને આ વાત સમજાઈ નહીં. એમનું તો લોહી ઊકળતું હતું. આ દુષ્ટ માણસને પકડી મેથીપાક આપવાની ઈચ્છા થઈ ગઈ. ગુરુની હાજરીમાં આમાંથી કશું જ કરી ન શક્યા. બંને જણ વિદાય થયા પછી ગુરુ સમક્ષ આવીને એ બધા બોલવા લાગ્યા : “અમારું તો મગજ કામ કરતું નથી. પહેલો માણસ આવ્યો અને એણે જે સાચી અને સમજણ ભરી વાત કરી. જે વિનમ્રતા અને ભાવના બતાવી તેની સામે પણ આપ મૂક બેસી રહ્યા. જાણે તમારા મન પર કશી જ અસર ન પડી હોય તેમ સાંભળતા રહ્યા અને એના ગયા પછી જે બીજો માણસ આવ્યો તે મનફાવે તેમ બોલી ગયો. તો એના જૂઠા બકવાસને પણ આપ એ જ રીતે સાંભળતાં રહ્યા, જે રીતે આગળના માણસને સાંભળી રહ્યા હતા. આપના ચહેરા પરની રેખાઓમાં કોઈ ફરક ન જોયો. આપ જરા પણ ઉશ્કેરાયા નહીં તો એનું કારણ શું ? શા માટે તમે એ શેતાનની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા ? આપની આમાન્યના કારણે જ અમે કશું બોલી ન શક્યા. બાકી એ માણસના હાથ-પગ ખોખરા કરીને જ અમે એને જવા દીધો હોત. આપ આ વાતની સ્પષ્ટતા નહીં કરો ત્યાં સુધી આજે અમને ચેન નહીં પડે. અને રાતભર ઊંઘ નહીં આવે.” દિલ ઉપર જયારે દિમાગનો હુકમ ચાલવા માંડે ત્યારે પ્રેમ ઓછો થાય જાય છે…! વાતોમાં હોય તે વર્તનમાં હોય, તે જરૂરી નથી એ વાત જે સ્વીકારી શકતા હોય તે સંબંધોમાં વધુ સ્વસ્થતા જાળવી શકે છે.
આજે બાયાજીદ બનવા… ! એક દાયકા પહેલા મધ્યમ વર્ગી સમાજમાં ડોક્ટર બનાવવાનો જેવો ક્રેઝ જાગ્યો હતો તેવો જ ક્રેઝ હવે વક્તા અને વિચારક બનવાનો જાગ્યો છે. પણ આ બધા પછી પણ સત્ય એ છે કે દુનિયા જેવી હતી તેવીને તેવીજ છે. પર્સનાલીટી ડેવલપમેન્ટના સેમિનારો સાંભળીને કોઈની પર્સનાલીટી ખીલી ગઈ હોય અને તે ભાઈ કોઈ મોટો ડેસિંગ અમિતાભ બચ્ચન બની ગયો હોય તેવું આપણે જોયું નથી અને જોવાના પણ નથી. વિવેકાનંદે અમેરિકાના તેના એક પ્રવચનમાં કહ્યું હતું “જ્યાં સુધી તમારામાં સત્યનું આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી તમે એક એવા પથ્થરની મૂર્તિ છો જેની પ્રાણ-પ્રતિષ્ઠા નથી થઈ.” એ ખોખલા અને ભાવવિહીન અંગ્રેજી શબ્દો બોલવાથી. એ ખોખલી અને બનાવટી બોડી લેન્ગ્વેઝ ઊભી કરવાથી જો કોઈ એમ સમજતું હોય કે તેનું પર્સનાલીટી ડેવલપમેન્ટ થઈ જશે તો એ એનું અમૂલ્ય જીવન વેડફી રહ્યો છે. “જીવનનું સત્ય શું છે અને એક માનવ તરીકે હું આ દુનિયા પર કેમ છું.” – જયારે માણસ આ સવાલના જવાબની શોધમાં નીકળે છે ત્યારે એ શોધની યાત્રામાં જ તેના વ્યક્તિત્વનું ઘડતર થાય છે અને તેના અંદરનું ઈશ્વરીય તત્વ ઉપસે છે. સત્યની શોધની એ વ્યક્તિગત યાત્રા જ મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરનો એક માત્ર માર્ગ છે. પણ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં માણસને પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી વધુમાં વધુ પૈસા કમાઈ શકાય તેવી ડીગ્રી કઈ રીતે લેવી ફક્ત તેનો જ કક્કો શીખવાડાય છે અને પછી વધુને વધુ પેટ ભરવાના અને ઇન્દ્રિય સુખ મેળવવાના એકમાત્ર ધ્યેય પાછળ ભાગતા એ પશુને જો કોઈ ભાષણ આપીને મનુષ્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે તો તે તથા કથિત વક્તાઓ અને વિચારકો જરા છેલ્લા દોઢસો વર્ષના ઈતિહાસ પર નજર ફેરવી લે.
૧૮૫૦ પહેલાં ભારતમાં જયારે ગુરુકુળો ચાલતા હતા ત્યારે દરેક બાળક જીવનનું અને અસ્તિત્વનું સત્ય તત્વજ્ઞાન વિષયમાં ભણતો. આ અસ્તિત્વ શું છે ? અને આપણે મનુષ્યોને આ અસ્તિત્વમાં શું ભાગ ભજ્જવાનો છે ? તેનું જ્ઞાન દરેક બાળક એવી રીતે જ જાણતું જેમ આજનું બાળક “ઘડિયા અને ટ્વિંકલ લીટલ સ્ટાર” જાણે છે. અને આ ભારત જોઇને મોકેલો નામનો એક અંગ્રેજ અમલદાર ઇગ્લેન્ડ ગયો અને ૨ જી ફેબ્રુઆરી ૧૮૩૫ના રોજ ઇગ્લેન્ડની સંસદમાં તેણે એક માત્ર ભાષણ આપ્યું. “હું આખા ભારતમાં ફર્યો પણ મેં એક પણ ભિખારી કે ચોર જોયો નથી. ઊંચા આદર્શો ધરાવતા અને તેમને પાળવાની ક્ષમતા ધરાવતા મહાન માણસોનો એ દેશ છે. આપણે ક્યારેય એ દેશને જીતી નહિ શકીએ જ્યાં સુધી આપણે તે દેશની કરોડરજ્જુ સમાન ગુરુકુળની શિક્ષણ પદ્ધતિ ઉથલાવીને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ નહીં લાદીએ…!

શિષ્યોને શાંત કરી બાયાજીદે કહ્યું : જયારે આપણને બદલો લેવાની ઈચ્છા થાય. મારી નાખું, તોડી નાખું, ભાંગીને ભુક્કો કરી નાખું, પણ એમ કરવું ઇચ્છનીય નથી. જે તમને છેડે, તે તમને છંછેડે તેણે છોડી દેવાની પણ એક મઝા છે… કોઈના દુઃખે સુખી અને કોઈના સુખે દુઃખી હોય તે વ્યક્તિ જ ઠેકાણાં વગરની નિમ્ન કોટિની વાત કરતી ફરે છે. આપણે સમજી જવું, સાવચેત રહેવું. ગુરુનો ઉપદેશ સાંભળવો એ એક વાત છે અને ગુરુના જીવનને જોઈને જાગવું કે એમાંથી કશુંક શિખવું એ અલગ વાત છે. શિષ્યે ગુરુ પાસેથી શિખવા જેવી જો કોઈ મહત્વની વાત હોય તો સાક્ષીભાવ છે. હરકોઈ પરિસ્થિતિમાં નિર્લેપ રહીને જીવવું. પોતાના દ્રષ્ટાભાવને લેશ માત્ર ઘટવા કે નષ્ટ થવા ન દેવો તે સાધનાનું કેન્દ્રબિંદુ છે. જગત આખું દ્વંદ્વથી ભરેલું છે. જો તમે સિક્કાની એક બાજુને સ્વીકારો છો તો અનિવાર્ય રીતે બીજી બાજુ એની સાથે જોડાઈને આવી જતી હોય છે. એક બાજુ ઉપર હોય છે તો બીજી બાજુ એની નીચે અવશ્ય હાજર રહેવાની. કાં તો તમે એ બંને બાજુને આત્મસાત કરીને જીવો અથવા તો બંન્નેને એકી સાથે છોડી દઈ માત્ર સાક્ષીની જેમ જીવો. અસ્તિત્વનો આ મહા નિયમ છે તમે સુખની ચાહના રાખતા હો તો વહેલું કે મોડું દુઃખ ક્યાંકથી આવી જ જવાનું. વિજય ઈચ્છતા હો તો ક્યારેક પરાજય પણ તમારી સામે આવી જવાનો. માન મેળવવાની ઈચ્છા હોય તો અપમાન માટે મનમાં તૈયારી રાખવી જોઈએ, કેમ કે આ બંને અલગ નથી. એક જ સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાની એક બાજુને સ્વીકારો છો તો અનિવાર્ય રીતે બીજી બાજુ પણ એની સાથે છૂપાઈને આવી જ જવાની. કોઈ તમારી પ્રશંસા કરે અને મનમાં જો સુખ ઉપજતું હોય તો કોઈ જયારે નિંદા કરશે ત્યારે દુઃખ ઉપજવાનું જ. જો દુઃખ જોઈતું ન હોય તો સુખની ઈચ્છાને પણ છોડવી જ રહી. અસ્તિત્વ તરફથી જે કાંઈ મળી રહ્યું છે તે યોગ્ય છે. તમારા માટે જરૂરી છે, એવી સમજ વિકસે તો સુખ કે દુઃખ તમને વિચલિત નહીં કરે. તમે બંનેની સામે સાક્ષી ભાવે જોઈ શકશો. દ્વન્દ્વાતીત સ્થિતિ એ વ્યક્તિને પ્રાપ્ત થતી પરમ અવસ્થા છે. જીવનને જે ઈચ્છે છે તેને મરણ તો મળવાનું જ. જીવન અને મરણ બંન્નેની ઈચ્છા જેના અંતરમાંથી શૂન્ય થઈ ગઈ છે તેને જ મોક્ષ મળે છે. “ચોઈસલેસ અવેરનેસ” એ સાધનાનું એક માત્ર લક્ષ અને કેન્દ્રબિંદુ છે. નિરતી, સંતુલન, અકંપ – સ્થિતિ એ માનવ જીવનનું એક માત્ર લક્ષ છે. બુદ્ધ જેને મજ્જિમ નિકાય, માધ્યમ માર્ગ કહે છે તે સંતુલનનું જ બીજું નામ છે. કોઈ સ્થિતિ તમને કંપાવી ન શકે. તમારી ચેતના અકંપ રહીને આ સંસારની વચ્ચોવચ ઊભી રહે. બધું જ કરે છતાં અંદરથી નિર્લેપ રહે તો એ જીવનની સિદ્ધિ અને ચરમ અવસ્થા છે. માણસ એકલો જ જન્મે છે, એકલો જ મૃત્યુ પામે છે, એટલે પોતાના કર્મોનું ફળ પણ એકલો જ ભોગવે છે.
કોઈ આપણી ખરાબ બાજુ તરફ પ્રકાશ ફેંકીને ધ્યાન દોરે તો એમાં નારાજ થવા જેવું કશું જ નથી. કબીર તો આપણી નિંદા કરનારને પૂજ્યભાવથી જોવાનું કહે છે કેમકે એવા લોકો જ તમારા અંતરતરને શુદ્ધ અને સ્વચ્છ કરવામાં મદદ કરશે. સતત પ્રશંસા કરનારથી સાવધાન રહેવું જોઈએ અને નિંદાનો સૂર ક્યાંકથી સાંભળવા મળે તો એના ધ્યાન આપી સજાગ થવું જોઈએ. રાજનૈતિક ચિત્તના લોકોને ચમચાગીરી કરનારા અને હાજી હા કરી પ્રસંશા કરનારા ગમે છે જયારે ધાર્મિક લોકો પોતાની નબળાઈઓ તરફ ધ્યાન દોરનારાનો પણ આભાર માને છે. જો કોઈ ખરેખર શક્તિશાળી હોય તો એણે નકામી ગૌણ વાતો ન કરવી જોઈએ.સતત સજાગ રહો… દોરડા પર ચાલતા બજાણિયાની જેમ જીવો. સંતુલન – સાક્ષીભાવ એ સાધનાનું કેન્દ્રબિંદુ છે…! ઉત્તમ સંતાન ઈચ્છતા સ્ત્રી-પુરુષે સાક્ષીભાવનો અભ્યાસ અચૂક કરવો જોઈએ. પરિશ્રમ એ સારા નસીબની જનની છે… ખંત અને સમર્પણ વિના સફળતા મળતી નથી…!

Leave a Reply