(ગર્ભ સંસ્કાર – સંદેશ – ૭) બે મીઠા બોલ તો તમારી પાસે હશે ને ?

ધર્મના જગતમાં જે વ્યક્તિ પણ પ્રવેશવા કે આગળ વધવા માગે છે તેણે વિરાટ સાથે સંબંધ વધારવો અને દ્રઢ કરવો પડે છે. પોતાની નાનકડી સીમા, પોતાના આગ્રહો, પોતાની સાંકડી સમજ… આ બધાને છોડી વિરાટ સાથે તાલ મિલાવીને જીવવાનું શરુ કરવું જોઈએ. યાદ રાખજો કે ધર્મનો પિતા – જ્ઞાન, ધર્મની માતા – ક્ષમા, ધર્મનો ભાઈ – સત્ય, ધર્મની બહેન – સુબુદ્ધિ, ધર્મની સ્ત્રી – સુક્રિયા, ધર્મનો પુત્ર – સંતોષ, ધર્મની પુત્રી – સમતા અને ધર્મનું મૂળ – દયા છે…! જયારે આળસથી સુખનો નાશ, ક્રોધથી પ્રીતિનો નાશ, કુસંપથી લક્ષ્મીનો નાશ,
માનથી વિનયનો નાશ, મિતાહારથી રોગનો નાશ, માયાથી મિત્રતાનો નાશ, કુસંગતિથી સજ્જનતાનો નાશ અને લોભથી સર્વનાશ…!
પોતાની પાસે જે કઈ પણ છે તેના પરની પકડ ઢીલી કરી સૌ કોઈના હિતમાં એનું સમર્પણ કરીને જીવવું તે ધર્મના જગતની એક પ્રાથમિક ભૂમિકા અથવા તો સમજ છે. આપવાનો અહંકાર પણ મનમાં ક્યાંય હોવો ન જોઈએ. જે કઈ છે તે પરમાત્માનું છે. જન્મ વખતે કોઇપણ વ્યક્તિ કશું લઈને નથી આવતી, ખાલી હાથે જ આ જગતમાં આવવાનું થાય છે અને ખાલી હાથે જ સૌ કોઈએ જવાનું હોય છે તો વચ્ચે જે કઈ મળ્યું તેના પર માલિકીભાવ રાખીને જીવવું તે એક પ્રકારની મૂઢતા છે.
જેના પર તમારી માલિકી છે એ તમારી સાથે આવવું જોઈએ. જે તમારું પોતાનું છે તેને તમે જ્યાં જાવ ત્યાં સાથે લઈને જઈ શકો છો. પણ મૃત્યુ વખતે આમાંનું કશું જ સાથે જઈ જવાતું નથી. ગમે તેટલી તીવ્ર ઈચ્છા હોય તો પણ અહીનું બધું અહીં જ છોડીને જવું પડે તો પછી એનો અર્થ એ જ થયો કે એ આપણું નથી. વચગાળાના સમયમાં આપણા જીવનમાં જે કઈ પણ આવ્યું તેના તમે માત્ર ટ્રસ્ટી કે સાક્ષી બની શકો છો અને ધારો તો એનો સદુપયોગ પણ કરી શકો છો.
જો આટલી સમજ દ્રઢ થાય તો આપવાની ઈચ્છા એ આપણો સ્વભાવ બનવા લાગે છે. ધન હોય તો ધન આપીએ, આ માટે ઉડાઉ કે બેજવાબદાર બનવાની કોઈ જરૂર નથી પણ જ્યાં યોગ્ય લાગે અને જ્યાં ક્યાંય પણ જરૂરત ઊભી થાય ત્યાં વાપરી શકવાની સમજ અને શક્તિ તો વ્યક્તિમાં હોવી જ જોઈએ.
જિસસનું વચન છે કે આપે છે એને જ મળે છે. વધુ મેળવવાને હકદાર તો એ વ્યક્તિ બંને છે જેનું હૃદય આપવા માટે ઉત્સુક અને તૈયાર હોય છે.
આપવા માટે આપણી પાસે ધન જ હોવું જોઈએ એવું જરૂરી નથી. ધન ન હોય તો પણ જો આપવાનો સ્વભાવ હોય તો જરૂર કશુંક આપી શકાય. આશ્વાસન અને પ્રેમ અપાય. કોઈનો હાથ હાથમાં લઈને ચૂમી શકાય. આપવા જ હોય તો આશીર્વાદ આપી શકાય. એ માટે પૈસા ખર્ચવાની ક્યાં જરૂર છે ? પણ કેટલાક લોકો કોઈની સામે હસીને વાત કરવી હોય તો પણ એવું કરી શકતા નથી.
નદી જો અટકી જાય, બંધિયાર બંને જાય, વહેવાનું બંધ કરી દે તો સમય જતાં જેટલું અંદર પાણી છે તે પણ દુર્ગંધિત બનવા લાગે છે. આપણું જીવન પણ નદી જેવું જ બની જવું જોઈએ. કૂવામાંથી જેટલું પાણી કાઢો એટલું સરવાણી દ્વારા નવું ઉમેરાય છે અને કૂવાનું જળ તાજું જ રહે છે. એમ જીવનમાંથી જો પ્રેમ અને સદ્દભાવ વહેતો રહે તો જીવન વધુ તાજગીપૂર્ણ અને ભર્યું ભર્યું બની જાય છે.
કશુંક આપવાની વાત નીકળે કે દાનનો મહિમા સંભાળવામાં આવે તો તરત જ આપણા મનમાં ધનનો વિચાર આવે છે. કેમ કે દાન સાથે આપણે ધનને જોડી દીધું છે. પણ જો ધન ન હોય એવી વ્યક્તિ પણ જો આપવા ઈચ્છે તો બીજું ઘણું આપી શકે છે. તમારી પાસે ભલે ધન ન હોય પણ જો થોડી સમજ હોય તો સમજ આપો. શુભેચ્છાનો ભાવ લઈને લોકો સુધી પહોંચો. તમારી સમજનો ઉત્સવ મનવો. થોડાક મીઠા શબ્દોમાં ગૂંથીને તમારી સમજ દૂરસુદૂર પહોંચાડો. પરમાત્માએ તમને જે કઈ આપ્યું છે તેને વહેંચો. સમજ પણ એમણે આપી છે તો એના ચરણમાં ધરીને એને વહેતી મૂકી દો. જેને પણ એ ગમી જાય તે તેનો ઉપયોગ કરી લેશે. સુંદર મજાનો કંઠ મળ્યો હોય તો જગતમાં થોડાક ગીતો ઉમેરીને જાવ. એ પણ એક પ્રકારનું દાન છે. અસ્તિત્વ તરફથી તમને ઘણું મળ્યું છે. બે આંખ, બે કાન, લાગણીભર્યું હૃદય, અંધકારમાં પણ પ્રકાશ પાથરી શકે એવી પ્રજ્ઞા. આ બધું જ જેમણે તમને આપ્યું છે તેનો આભાર નહીં માનો ? અનુગ્રહથી અસ્તિત્વના ચરણમાં નમી પડવાની શું કદીય તમને ઈચ્છા નથી થતી ? જો એવી ઈચ્છા થતી હોય અને તમને વાંસળી વગાડતાં આવડતી હોય તો એના મધુર સ્વર છોડીને વાતાવરણને ભરી દો. થોડી વાર નાચો, નૃત્યની કળા પરમાત્માએ તમને આપી હોય તો એને વહેંચો. કાવ્યની કળા તમારા હૃદયમાં ભરી હોય તો બે-ચાર સુંદર ગીત રચો, પણ કૃપણ ન બનો. કૃપણતા પાપ છે. આપવાની ઈચ્છા એ ધર્મ અને અધ્યાત્મ છે.
બે મીઠા બોલ તો તમારી પાસે હશે ને ? જગત આંખુ પ્રેમનું ભૂખ્યું છે. પ્રેમ તો બધાને ગમે છે. રસ્ માં કોઈ જરૂરિયાતમંદ મળી જાય અને હાથ લંબાવે તો ભલે પૈસા ન આપી શકો પણ એના ખંભા પર અથવા પીઠ પર હાથ મૂકીને હૂંફ તો આપી શકો ને ?… એને “ભાઈ” યા “બહેન” અથવા “મિત્ર” કહીને બોલાવી તો શકો ને ?
ઈસાઈ ફકીર સંત ફ્રાન્સિસ વ્રુક્ષો પર હાથ મૂકીને કહેતા હતા – “કેમ ભાઈ ! મજામાં છો ને ??” ફૂલોથી લચેલી કોઈ વેલી પાસે જઈને કહેતા હતા – “બહેન ! સાચે જ તારી સુવાસથી ધન્ય છું. તારું આ ઋણ હું શી રીતે ચૂકવી શકીશ ?” એના ફૂલને હાથથી પસવારીને કહેતા હતા કે નિરપેક્ષભાવે આમ અકારણ ખીલીને સુવાસ આપવાનો તારો સ્વભાવ મારા હૃદયનેય નવો માર્ગ બતાવે છે. એ નદી-સરોવર સામે એ રીતે જોતાં જાણે કે એ એમનાં આત્મીય પાત્રો અને સગા-સબંધી હોય. ચંદ-તારા સાથે એ વાતો કરતાં. પશુ-પક્ષીઓ સાથે પણ એવો જ વ્યવહાર કરતાં જાણે કે એ એના સ્વજનો હોય.
સંત ફ્રાન્સિસ પાસે પૈસા ન હતા. પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો એમણે જગતમાં કશું જ દાન નહીં કર્યું હોય, પણ જેટલો પ્રેમ, જેટલો સદ્દભાવ, આત્મીત્યાતાનો જે ઘસમસતો પ્રવાહ સંત ફ્રાન્સિસ તરફથી જગતને બીજા કોની પાસેથી મળ્યો હશે ? એમના દાન સામે કોઈ અબજોપતિના દાનને શી વિસાત ? પૂરી પ્રકૃતિ આવા સંતોના દાનથી આજે પણ આહ્લાદિત છે. પ્રાર્થના કરવા માટે શું શબ્દો જરૂરી છે ? જગત પ્રત્યે ચૂપચાપ, પ્રેમભર્યા હૃદયથી જીવવું એ પણ શું એક પ્રકારની પ્રાર્થના નથી ?
ધન્યવાદના ભાવ સાથે કશુંક આપવાની ઈચ્છા થવી એ ધર્મ છે. આ માટે આપણા હાથમાં ધન હોવું જરૂરી નથી અને ધન પણ આપો ને જો એની પાછળ પ્રેમ કે ધન્યવાદનો ભાવ નહીં હોય તો એવા દાનનો કોઈ અર્થ, કોઈ મહિમા નથી. આપીને ભૂલી જવું, ધન્યવાદના ભાવ સાથે આપવું, અસ્તિત્વ પ્રત્યેના ઋણની ચુકવણી રૂપે આપવું એ દાન જ છે. આપનાર કરતાં લેનાર ઉંચો બની જાય ત્યારે દાન એ ધર્મ બની જાય. અનુગ્રહના ભાવ સાથે આપવું એ અધ્યાત્મ છે. એમાં તમારી પાસે કશુંક આપવા જેવું કે અતિરિક્ત માત્રામાં છે અને તમે આપો છો પણ એનાથી પણ તમારો અહંકાર વધવો ન જોઈએ. જે દાન અહંકારની વૃદ્ધિ કરે તે અધાર્મિક છે. એવું દાન બીજા માટે તો જે બનવું હોય તે બંને પણ તે સ્વયં માટે અભિશાપ અથવા હળાહળ ઝેર જેવું બની જાય છે. જો ગર્ભમાંથી સંતાનને આ વાત સમજાય તો…?

Leave a Reply