પુરુષાર્થ એ જ સૌથી મોટું ધન છે…!

લક્ષ્ય તમને બદલવા માટે નહીં પરંતુ તમારા અંદરનું સર્વશ્રેષ્ઠ બહાર લાવવા માટે હોય છે. આજે જિંદગીની દોડમાં એવું બંને છે કે માણસને એની લક્ષ્યસિદ્ધિ માટે અથાગ પુરુષાર્થ કરવો પડે છે અને એનો એને થાક લાગે છે, પરંતુ થાક લાગવો અને જાણે બધી શક્તિઓ હણાઈ ગઈ છે તેવું માંદલાપણું અનુભવવું એ જુદી વાત છે. આનો અર્થ એ કે આપણે કામથી થાકીએ છીએ, આપણા સ્વપ્નોથી નહીં. વ્યક્તિ પાસે સ્વપ્ન હોય, તો એ સતત એની પાછળ દોડે છે અને એને સ્વપ્નોનો કદી થાક લાગતો નથી.
જેમણે પોતાના પુરુષાર્થથી જગતમાં પરિવર્તન આણ્યું છે એવી વ્ય્કતિઓએ એમના જીવનમાં સ્વપ્નો સેવ્યાં છે અને એ સ્વપ્નોએ એમનામાં કાર્યશક્તિનું સિંચન કર્યું છે. આને પરિણામે એમને સફળતા મળે કે નિષ્ફળતા મળે, લાભ થાય કે હાનિ થાય, પરંતુ એમની દ્રષ્ટિ તો પોતાના સ્વપ્નો પર હોય છે. જો તમે તમારા સ્વપ્નો જીવતા રાખશો, તો તમે જીવનમાં આવતા અવરોધોને આસાનીથી પાર કરી શકશો. અવરોધો તો આવવાના જ, પરંતુ સ્વપ્નો એને સહ્ય બનાવી દેશે, એ અવરોધોને પરિણામે આપણે હારી જઈશું નહીં, થાકી જઈશું નહીં, આપણે તો આપણા સ્વપ્નોની જ વાતો કરતા રહીશું.
વ્યક્તિ જયારે એના આદર્શની વાત કરતી હોય છે, ત્યારે એના ચહેરા પર કેવો ઉમંગ ઊછળતો હોય છે ! પોતાના સ્વપ્ન સિદ્ધ કરવા માટેના પ્રયત્નોની વાત કરતી હોય છે, ત્યારે એની વાણીમાં કેવું જોશ હોય છે ! સત્યાગ્રહ માટે ઝડપભેર જઈ રહેલા મહાત્મા ગાંધીજીની છબી જોતા તમને સ્વપ્નોની સિદ્ધિ માટેના થનગનાટનો ખ્યાલ આવશે, કેવા ઉત્સાહભેર બાપુ લાકડી માંડીને આગળ વધતા હતા !
અને, હા, એક બીજી વાત એ પણ ખરી કે આ સ્વપ્નો તમારી પાસે હશે તો આવનારા અવરોધોને તમે જુદી રીતે જોશો. એ અવરોધો તરફ અણગમો દાખવવાને બદલે તમે એને તમારી સાથે લઈને આગળ ચાલશો. એ સમયે અવરોધો હતાશા, નિરાશા, નિષ્ફળતા કે કામ છોડી દેવાનું કારણ બનવાને બદલે તમારી સ્વપ્નસિદ્ધિ માટેનો એક ભાગ બની રહેશે.
આ અવરોધો પ્રત્યેનો આપણો પ્રત્યાઘાત અતિ તીવ્ર હોય છે. સહેજ અવરોધ આવતા વ્યક્તિ ગુસ્સો કરે છે. અવરોધ કરનારી વ્યક્તિની ટીકા કે નિંદા કરવા લાગે છે અને એના મનમાં ચોવીસે કલાક એ વાત ઘૂમ્યા કરે છે. એનું આખું જીવન એ અવરોધની આસપાસ ફર્યા કરે છે. એ ઘરમાં હોય કે બહાર જાય, એ મિત્રો સાથે હોય કે પત્ની સાથે હોય, એ ફિલ્મમાં હોય કે ફરવા નીકળ્યો હોય, બધે જ એની નજર સામે એ અવરોધ ઘૂમતો હોય છે અને એનું પરિણામ એ આવે છે કે આ અવરોધ વધુ ને વધુ તીવ્ર, ગાઢ અને ચિત્ત પર પ્રભુત્વ લેનારો બંને છે.
જિંદગી સદૈવ એકસરખી જતી નથી. એમાં ભરતી અને ઓટ પેઠે સુખ અને દુઃખ આવે છે. સમય અને સંજોગ બદલાય છે. એક સમયે અપાર સમૃદ્ધિમાં આળોટતા ધનિકની સંપત્તિ એકાએક ચાલી ગઈ અને એ સાવ નિર્ધન થઈ ગયો. એકવાર એની પાસે ધનનો ઢગલો હતો. એને હવે એક-એક પૈસા માટે તલસવું પડતું હતું. હતાશ થઈને લમણે હાથ મૂકીને વિષાદગ્રસ્ત ચહેરા સાથે એ જીવતો હતો. ક્યારેક એનું મન આઘાત અનુભવતું, તો ક્યારેક એને આત્મહત્યાનો વિચાર પણ આવતો.
એવામાં એ ગામમાં એક સંત આવ્યાં અને ધનિક એમની પાસે દોડી ગયો. પોતાની બદલાયેલી આર્થિક સ્થિતિની વાત કરી અને સંતને ચરણે પડીને વિનંતી કરી, “મહારાજ, જીવનમાં સઘળું ગુમાવીને બેઠો છું. કોઈ એવો રસ્તો બતાવો કે એનાથી મને શાંતિ મળે…!”
સંતે વળતો પ્રશ્ન કર્યો, “તમારું બધું જ ચાલ્યું ગયું છે ને…!”
ધનિકે સ્વીકારમાં માથું હલાવ્યું, ત્યારે સંતે કહ્યું, “તમારી પાસે હતું એ તો તમારી પાસે જ રહેવું જોઈએ. એ ક્યાંથી ચાલ્યું જાય ? જરા કહેશો, તમે તમારા જન્મ સમયે શું લઈને આવ્યાં હતા?”
ધનવાન વિચારમાં પડી ગયો. આવા પ્રશ્નનો ઉત્તર શો આપવો ? એણે કહ્યું, “મહારાજ, જન્મના સમયે તો સહુ કોઈ ખાલી હાથે આવે છે.”
સંતે વળી પ્રશ્ન કર્યો, “તો હવે એ કહો કે મૃત્યુ સમયે તમે શું સાથે લઈ જવા માંગો છે ?”
ધનવાનને વળી આશ્વર્ય થયું અને કહ્યું, “મહારાજ, મૃત્યુ સમયે ક્યાં કોઈ પોતાની સાથે કશું લઈ જાય છે. પણ વાત મૃત્યુની નથી. મારી હાલની આજીવિકાની છે.”
આ સાંભળી સંતે હસતાં હસતાં કહ્યું, “જે ધન પર ભરોસો રાખે છે એમની આ જ દશા થાય છે. તમારી પાસે હાથપગ તો છે ને ! એનો ઉપયોગ કરો. પુરુષાર્થ એ જ સૌથી મોટું ધન છે.”
ધનવાનને સંતની વાર સ્પર્શી ગઈ અને એણે લમણે હત દઈ બેસી રહેવાને બદલે પ્રબળ પુરુષાર્થનો પ્રારંભ કર્યો. આપણે પણ શું કરવું જોઈએ ? આપણે એ વિચારતા નથી કે આપણા સમગ્ર જીવનમાં આવો એકાદ અવરોધ આવવાથી આપણું જીવન કંઈ નષ્ટ થઈ જવાનું નથી, પરંતુ એ સમયે ચિત્તની અતિ વિહ્વાળતાને કારણે વ્યક્તિ એને અતિ તીવ્ર રીતે અનુભવે છે. આ અવરોધની તીવ્રતાને ગાળી નાખીએ, તો પરિસ્થિતિ પલટાઈ જશે. આમ, જિંદગી પર પલાંઠી મારીને બેઠેલો થાક, મનમાં સતત પડઘાતી નિષ્ફળતા કે હૃદયમાં આઘાતોથી જાગેલી હતાશાને ઓળંગીને નવા સ્વપ્નો સર્જીએ.

Leave a Reply