મહાશિવરાત્રિના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી – શંકર ભગવાનની ૧૧૨ ફીટની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા ગયા

ધાર્મિક, વૃત્તિ ધરાવતા ભારતમાં સાધુ, સંતો, સંન્યાસીઓ, બાબાઓ, તાંત્રિકો, અઘોરીઓ અને ગુરુઓની કોઈ કમી નથી. ભૂતકાળમાં સાધુનો વેશ ધારણ કરનારા ધીરેન્દ્ર બ્રહ્મચારી અને ચંદ્રાસ્વામી જેવા તાંત્રિકો ભારતના તત્કાલીન વડાપ્રધાનોને પણ પોતાના ઈશારા પર નચાવી શકતા હતા. ગંગા કિનારે ઝૂંપડી બાંધીને રહેતા અભણ દેવરાહા બાબાના આશીર્વાદ લેવા ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની કક્ષાના નેતાઓ પણ લાઈનમાં ઊભા રહેતા હતા. આ બાબાઓના ઝૂંડ વચ્ચે સદગુરુ જગ્ગી વાસુદેવ તરીકે ઓળખાતા બાબા બધાથી નોખા તારી આવે છે. જગ્ગી વાસુદેવનું મૂળ નામ જગદીશ વાસુદેવ છે અને તેમની ઉમર ૬૦ વર્ષની છે. પરંપરાગત ભારતીય સંન્યાસીઓ પગપાળા પ્રવાસ કરતાં હતા, જયારે જગ્ગી વાસુદેવ પોતે મોટરસાઈકલ, મોટરકાર અને હેલિકોપ્ટર પણ ચલાવે છે. જગ્ગી વાસુદેવ ફ્લુઅન્ટ ઈગ્લીશ બોલે છે અને ટીવીની ચેનલોને ઈન્ટરવ્યૂ પણ આપે છે. જગ્ગી વાસુદેવે તામીલનાડુના કોઇમ્બતુર નજીક કરોડો રૂપિયાના ખર્ચે ફાઈવ સ્ટાર આશ્રમ બનાવ્યો છે. જેમાં મહાશિવરાત્રિના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી – શંકર ભગવાનની ૧૧૨ ફીટની મૂર્તિનું ઉદ્ઘાટન કરવા ગયા તેમાં વિવાદ પેદા થયો હતો. વિવાદનું કારણ એ હતું કે જગ્ગી વાસુદેવે પોતાનો આશ્રમ બનાવવા જંગલની ભૂમિ પર બાંધકામ કર્યું હતું. જેને કારણે હાથીઓની વસાહત પર જોખમ પેદા થયું હતું. આ કારણે તેમના આશ્રમ સામે હાઇકોર્ટમાં કેસ પણ થયો છે. જગદીશ વાસુદેવનો જન્મ ઈ.સ. ૧૯૫૭ માં કર્ણાટકના મૈસૂર શહેરમાં થયો હતો. તેમના પિતા ડૉ. વાસુદેવ ભારતીય રેલ્વેમાં નોકરી કરતાં હોવાથી તેમની વારંવાર બદલી થયા કરતી હતી. જગ્ગી વાસુદેવ જયારે ૧૨ વર્ષના હતા ત્યારે તેમને રાઘવેન્દ્ર સ્વામી નામના યોગગુરૂનો ભેટો થઈ ગયો હતો, જેમણે તેમને યોગના સાદા આસનો શીખવ્યા હતા. તેઓ નિયમિત અભ્યાસ કરતાં હતા, જેને પરિણામે તેમને ગૂઢ આધ્યાત્મિક અનુભવો થવા લાગ્યા હતા. જગ્ગી વાસુદેવે મૈસૂર યુનિવર્સીટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બેચલરની ડિગ્રી મેળવી હોવાથી તેમનું ઈગ્લીશ ફ્લુઅન્ટ થઈ ગયું હતું. કોલેજના દિવસોમાં તેમને પૂરપાટ મોટરસાઈકલ ચલાવવાનો ગાંડો શોખ હતો. તેઓ રાત્રિના સમયે મિત્રો સાથે મોટરબાઈક લઈને ચામુંડા હિલ પહોંચી જતા. મોટરબાઈક પર તેમણે દૂર દૂરના પ્રવાસો પણ કર્યા હતા. જગ્ગી વાસુદેવે પોતાનો પ્રવાસનો શોખ પૂરો કરવા માટે રૂપિયા રળવાનું શરૂ કર્યું હતું. તે માટે તેમણે પોલ્ટ્રી ફાર્મ, ઈટો બનાવવાનો ભઠ્ઠો, બાંધકામ વગેરે ધંધાઓમાં નસીબ અજમાવી જોયું હતું. ધંધામાં તેઓ કુશળ હોવાથી તગડી કમાણી પણ કરવા લાગ્યા હતા.
જગ્ગી વાસુદેવ જયારે ૨૫ વર્ષના થયા ત્યારે તેમને ચામુંડા હિલ પર કોઈ ચમત્કારિક આધ્યાત્મિક અનુભવ થયો હતો. જેણે તેમના જીવનની દિશા બદલી નાખી હતી. તેઓ એક પથ્થર પર બેસીને ધ્યાન કરી રહ્યા હતા ત્યાં તેમને અંદરથી લાગણી થઈ કે તેમનું અસ્તિત્વ આજુબાજુની હવામાં, વાતાવરણમાં અને તેઓ જે પથ્થર પર બેઠા હતા તેમાં વિલીન થઈ ગયું છે. તેમની આ અવસ્થા પંદર મિનિટ રહી હતી, પણ તેનો અનુભવ એટલો હચમચાવી દેનારો હતો કે તેઓ ચાર થી પાંચ કલાક સુધી ત્યાં સૂનમૂન થઈને બેસી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાનો ધંધો છોડી દીધો અને સત્યની શોધમાં નીકળી પડ્યા હતા. એક વર્ષ સુધી ભારતભરમાં ફર્યા પછી અને મિત્રો સાથે ચર્ચા કર્યા પછી તેમણે લોકોને યોગ તેમજ ધ્યાન શીખવવા માટે વર્ગો શરૂ કર્યા હતા. તેમના વર્ગો મૈસૂરની જેમ હૈદરાબાદમાં પણ ચાલતા હતા. મૈસૂરથી હૈદરાબાદ જવા માટે તેઓ મોટરસાયકલનો ઉપયોગ કરતાં હતા. તેમણે હેલિકોપ્ટર ઉડાડવાનું લાઈસન્સ પણ મેળવી લીધું હતું.
ઈ.સ. ૧૯૯૪ માં જગ્ગી વાસુદેવે કોઇમ્બતુર નજીક પોતાનો આશ્રમ ઊભો કર્યો હતો, જેમાં મેડિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૯૯માં તેમણે આશ્રમમાં ૭૬ ફીટ ૯ ઇંચ ઊંચાઈનું ગ્રેનાઈટનું બનેલું શિવલિંગ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું. આ લિંગને ધ્યાનલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જગ્ગી વાસુદેવનો દાવો છે કે તેમની ધ્યાનપદ્ધતિ તદ્દન બિનસાંપ્રદાયિક હોવાથી કોઈ પણ ધર્મના અનુયાયીઓ તે કરી શકે છે. યોગિક મંદિરની બહાર પણ વૈદિક ઉપરાંત ઇસ્લામ, ખ્રિસ્તી, બુદ્ધ, જૈન, શીખ, યહૂદી, પારસી, તાઓ, શિન્ટો વગેરે ધર્મોના પ્રતીકો મૂકવામાં આવ્યાં છે. તાજેતરમાં તેમણે જે ૧૧૨ ફીટ ઊંચાઈની શંકર ભગવાનની મૂર્તિ બનાવી છે તે આદિયોગી કહેવાય છે અને તેમાં ૫૦૦ ટન પોલાદ વાપરવામાં આવ્યું છે. આ મૂર્તિ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે.
ભારતમાં બીજા બાબાઓની જેમ જગ્ગી વાસુદેવની આસપાસ પણ વિવાદો વીંટળાયેલા છે. ઈ.સ. ૧૯૯૭ ની ૨૩ મી જાન્યુઆરીએ જગ્ગી વાસુદેવ તેમની પત્ની વિજીને કોઈ યોગિક ક્રિયા કરાવતા હતા ત્યાં અચાનક તેનું મરણ થઈ ગયું હતું. વિજીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના આશ્રમમાં જ તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યાં હતા. વિજીના મરણના આઠ મહિના પછી તેમના પિતાએ કોઇમ્બતુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રીનું ખૂન કરવામાં આવ્યું છે. જગ્ગી વાસુદેવના ભક્તો કહે છે કે તામિલનાડુની ખ્રિસ્તી મિશનરીએ વિજીના પિતાને ફરિયાદ કરવા ચડાવ્યા હતા. પોલીસે જગ્ગી વાસુદેવ સામે એફઆઈઆર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
થોડા સમય પહેલાં કોઇમ્બતુરમાં રહેતા કામરાજ નામના ઇસમે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમની ૩૦ અને ૩૨ વર્ષની બે પુત્રીને ભોળવીને જગ્ગી વાસુદેવના આશ્રમમાં સન્યાસિની બનાવી દેવામાં આવી છે. હાઇકોર્ટના પ્રતિનિધિ જયારે આ યુવતીઓને મળવા ગયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે રાજીખુશીથી સંન્યાસ લીધો છે. મદ્રાસ હાઇકોર્ટે પિતાની અરજી કાઢી નાખી હતી. જો કે જગ્ગી વાસુદેવના વિરોધીઓ કહે છે કે તેમણે પોતાની બે પુત્રીઓના લગ્ન કર્યા, પણ બહારની કોઈ યુવતી તેમની પાસે આવે તો તેને બ્રહ્મચર્ય પાળવાનું કહેવામાં આવે છે. જગ્ગી વાસુદેવના ભક્તો ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ચીન, નેપાળ, લેબેનોન, સિંગાપોર, યુગાન્ડા, અને કેનેડા જેવા દેશોમાં છે. આ બધા દેશોમાં ફરીને તેઓ પોતાની યોગપદ્ધતિનો પ્રચાર કરે છે. ઘણી વિદેશી કંપનીઓ પણ તેમને પોતાના કર્મચારીઓને સ્ટ્રેસથી મુક્ત થવાની તાલીમ આપવા બોલાવે છે. જગ્ગી વાસુદેવના ભક્તોની સંખ્યા ત્રણ કરોડનો આંકડો વટાવી ગઈ છે. કોઈમ્બતુરના આશ્રમમાં તેઓ શિબિર કરે છે. તેમાં દસથી પંદર હાજર સાધકો ભાગ લેતા હોય છે. કેટલાક લોકો ટીકા કરે છે કે જગ્ગી વાસુદેવના આશ્રમમાં કોઈ ચીજ મફત નથી મળતી પણ દરેક સેવાના રૂપિયા લેવામાં આવે છે. દાખલાતરીકે ધ્યાનખંડમાં દાખલ થવા માટે હાથ-પગ ધોવાની સગવડ આપવામાં આવી છે તેના પણ ૧૦ રૂપિયા લેવામાં આવે છે. તેમની ધ્યાનશિબિરમાં ભાગ લેવા માટે પણ ફી ચૂકવવી પડે છે. જગ્ગી વાસુદેવના અમેરિકામાં એટલા બધા ભક્તો છે કે હવે તેઓ તેમનું કલ્યાણ કરવા માટે અમેરિકામાં આશ્રમ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. (૨૭૦૨૧૭ગુજરાત મિત્ર)

Leave a Reply