“મેરા ભારત મહાન” ના નારા લગાવવાથી મહાન બની જવાતું હોત …!

દરેક વ્યક્તિ પાસે કેટલીક કુદરતી શક્તિઓ હોય છે. વ્યક્તિમાં જેમ અમુક મર્યાદાઓ હોય છે, તેમ અમુક વિશિષ્ટ શક્તિઓ પણ હોય છે. આ શક્તિઓ એના સબકોન્સિયસ માઈન્ડમાં રહેલી હોય છે. એ શક્તિઓ જીવનમાં પ્રગટ થવા માટે મોકળાશ શોધતી હોય છે. આવી જન્મજાત શક્તિને રૂંધાવાનો સમાજ અને શિક્ષણ દ્વ્રારા પ્રયત્ન થતો હોય છે…! અમુક જ ચીલાચાલુ માર્ગે જીવન ગાળવું જોઈએ એવો માતા-પિતા કે વડીલોનો આગ્રહ હોય છે. એ પરંપરાગત માર્ગથી તમે સહેજ પણ આડા ફંટાવ તો આવી બંને. આ બધી પરિસ્થિતિને કારણે વ્યક્તિમાં પડેલી કુદરતી શક્તિને ગળે એ વ્યક્તિ પોતેજ ટૂંપો લગાવે છે, જેમ કે કાગળના એક ટુકડાની કિંમત ૧૦ પૈસા પણ ન ઉપજે. તે જ કાગળના ટુકડા પર રિઝર્વ બેન્કની ૫૦૦ રૂપિયાની છાપ પડે તો તે જ કાગળના ટુકડાની કિંમત ૫૦૦ રૂપિયા થઈ જાય છે ને ! વળી છાપ પડ્યા પહેલાં તે માત્ર કાગળનો ટુકડો કહેવાય છે, પણ પછી તે કાપડનો ટુકડો રહેતો નથી, કહેવાતો નથી પણ પાંચસો રૂપિયાની નોટ કહેવાય છે. કાપડના ટુકડાઓ પણ કાપડની દુકાનમાં અથડાતા હોય છે તે જ કાપડના યોગ્ય વર્ણના ટુકડા ભેગા કરી રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સમસ્ત જનતા તે રાષ્ટ્રીય ધ્વજને બહુમાનથી સલામ ભરે છે… રાષ્ટ્રગીત ગાય છે. જેમ ધ્વજ બનતા પહેલાં તે કાપડના ટુકડા તરીકે ઓળખાતા હોય છે, ધ્વજ બન્યા પછી તે કાપડના ટુકડા ન રહેતા રાષ્ટ્રધ્વજ કહેવાય છે.
જીવનમાં શુદ્ધ આચારનું મહત્વ છે. એક વખત મહર્ષિ નારદ જઈ પહોચ્યા રાવણની સોનાની લંકામાં…! ત્યારે રાવણે તેમનો સત્કાર કરીને લંકામાં તેમને ફેરવીને જુદા જુદા સ્થાનો બતાવ્યા. અને ફુલાતા ફુલાતા કહ્યું : મહર્ષિ જુઓ આ અમારી ગૌશાળા, આ મલ્લશાળા, આ અશ્વશાળા, આ ગજશાળા, આ યજ્ઞશાળા અને આ છે સાધુ-અભ્યાગતોની ધર્મશાળા…!
આ બધું જોયા પછી મહર્ષિ નારદે પૂછ્યું : મહારાજ દશાનન, આ બધી શાળાઓમાં “આચારશાળા” ક્યાં છે ?
એના જવાબમાં આશ્વર્ય પામીને રાવણે કહ્યું : “આવી કોઈ, “આચારશાળા” તો લંકામાં નથી.”
ત્યારે નારદે સ્પષ્ટ શબ્દમાં કહ્યું : “તો પછી લંકેશ મહારાજ, આચારશાળા વિનાની તમામ શાળાઓ એકડા વિનાના મીંડા જેવી છે. જ્ઞાન પછી ગમે તે પ્રકારનું હોય, એ શાસ્ત્રનું હોય, વેદ-વેદાંતનું હોય કે પરમ સત્યનું, એની પૂર્વ શરત આચાર છે – અને આચાર શબ્દમાં વિવેકનો સમાવેશ થઈ જાય છે.”
માણસે આત્મદર્શન કરવું જોઈએ. આપણે બહાર જોવામાં પાવરધા છીએ, અંદર જોવામાં સાવ અધૂરા, રાવણ પણ “અંદર જોવામાં” પરાક્રમી હોત તો રામાયણગ્રંથ કાંઈક જુદા જ પ્રકારે આલેખાયો હોત. માણસની વિચાર શાળા અશુદ્ધ છે, માટે આચારશાળાનો એ શિલ્પ બની શકતો નથી. આ દેશમાં અદાલતના જજ ખુદ લાંચ લેતા પકડાયા છે. શાળાના નેશનલ એવોર્ડ વિનર શિક્ષકોએ તેમની શિષ્યા પર સામૂહિક બળાત્કાર કર્યો હોય એવા બનાવો પણ બન્યા છે. સગો બાપ દીકરીને ગર્ભવતી બનાવે છે. મેડીકલ ઇન્સ્યુરન્સના પૈસા ગેરકાયદેસર રીતે મેળવવા લોકો બનવટી મૃત્યુ સર્ટિફિકેટનો પણ ખેલ કરતા હોય છે.
અમારો પ્રશ્ન છે સારી વાત કોઈને પણ કેમ ન ગમવી જોઈએ ? બલકે સારી વાત પાકિસ્તાનની હોય તો તેની પણ સરાહના કરવી જોઈએ અને શરમજનક વાત આપણા દેશની હોય તો તેનો બચાવ ન કરવો જોઈએ. સત્ય અને તાટસ્થ્ય વિના વિવેક બુદ્ધિવાદ વામણો બની રહે છે. આપણે ત્યાં અવારનવાર એક્સિડેન્ટ થતા હોય છે. ત્યારે ટ્રક કે મોટરકાર ચલાવનાર એક્સિડેન્ટ કર્યા બાદ થોભાવાને બદલે પલાયન થઈ જતા હોય છે, છતાં બોલતા અને લખતા હોય છે કે “મેરા દેશ મહાન”…! ખરેખર તો અકસ્માત થયા બાદ ભાગી છૂટવાને બદલે સામે ચાલીને ગુનો નોંધાવી દેવો જોઈએ. વિશેષમાં ઈમરજન્સીને કારણે ત્યાં ઉભા ન રહી શકાય તેમ હોય તો પોતાનો ફોન નંબર સહિતનો એડ્રેસકાર્ડ ઘટનાસ્થળ પર છોડી દેવો જોઈએ.
આપણા દેશની અરાજકતાઓની અનુક્રમણિકા ઘણી છે… જેમાં બોફર્સ કૌભાંડથી ય ચઢે એવા સેંકડો કૌભાંડો થયા છે, જેમ કે ગુનેગારો આરામથી જેલ બહાર જીવે છે અથવા વિદેશ ભાગી જાય છે. આપણે કઠોર પરિશ્રમ કરીએ છીએ ખરા પણ ભ્રષ્ટાચાર આચરીને કાળુધન પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. આપણો બીજો કઠોર પરિશ્રમ પૂજાપાઠ અને ભક્તિમાં થતો હોય છે. આપણે ત્યાં ન્યાયાલય જેવા મહત્વની બાબતમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે. વર્ષોના વર્ષો સુધી કોર્ટમાં ઈરાદાપૂર્વક કેસો ખેંચ્યે રાખવામાં આવે છે. તે દરમિયાન સાક્ષીઓને ફોડી નાખીને ન્યાયના ત્રાજવા ધારેલી દિશામાં ડોલાવવામાં આવે છે. ઉજળિયાતો દલિતોને જીવતા સળગાવી દે છે. બેકાર શિક્ષકોને ખાનગી શાળાઓમાંથી છૂટા કરવાની ગર્ભિત ધમકી આપવામાં આવે છે. ત્યારબાદ પાંચ હજારના વાઉચર પર સહી કરાવીને ત્રણ હજાર પકડાવવામાં આવે છે. કોર્ટ કચેરીઓમાંથી પુરાવાઓ ગાયબ કરી દેવામાં આવે છે. કોર્ટનો સમન્સ લઈને ધરપકડ કરવા આવેલા પોલીસને થોડા રૂપિયા આપી દો તો પોલીસ જ માણસ સ્થળ પર નથી નો શેરો મારીને પાછો વળી જાય છે. વાળ ચીભડા ગળે તે કહેવત અનુસાર પોલીસો જ ગુનેગારને છટકવામાં મદદ કરે છે. જેલમાંથી કેદીઓ ભાગી જાય છે. પોલીસની આંખમાં ધૂળ નાખીને પણ કેદીઓ ભાગી ગયાના દાખલાઓ બન્યા છે. અરે…! આ દેશમાં અદાલતના જજ ખુદ લાંચ લેતા પકડાયા છે. શાળાના નેશનલ એવોર્ડ વિનર શિક્ષકોએ તેમની શિષ્યા પર સામૂહિક બળાત્કાર કર્યો હોય એવા બનાવો પણ બન્યા છે. સગો બાપ દીકરીને ગર્ભવતી બનાવે છે. મેડિકલ ઇન્સ્યુરન્સના પૈસા ગેરકાયદેસર રીતે મેળવવા માટે લોકો બનાવટી મૃત્યુ સર્ટિફિકેટનો પણ ખેલ કરતા હોય છે. ખાસ આશ્વર્યની વાત તો એ કે વૈભવી જીવન જીવતા લાખોપતિ ડોકટરો ખુદ એ ઇન્સ્યુરન્સકાંડમાં ભૂંડી ભૂમિકા ભજવે છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલો બાપ દેવીના ચરણમાં પોતાના દીકરાનો બલિ ચઢાવે છે. વાંકડો અને દહેજના દુષણો ખાનગી રાહે ધમધોકાર ચાલે છે. હજીય દહેજના પ્રશ્ને સાસરિયાઓ વહુને જીવતી સળગાવી દે છે. મંદિરોની દાનપેટીમાંથી હજારો રૂપિયા ગાયબ થઈ જાય છે. મંદિરોના ટ્રસ્ટોમાં લાખોની ગોલમાલ થાય છે. ટ્રસ્ટીઓ પર કોર્ટમાં કેસ ચાલે છે. આશ્રમના રૂમમાં સાધ્વીઓ સાથે સંસાર ભોગવતા સાધુઓના સેક્સસ્કેન્ડલ પકડાય છે, એટલું જ નહીં તેમના દુશ્કૃત્યોની વિડીઓ સીડી બજારમાં ફરતી જાય છે. દોસ્તો એવું નથી કે અહીં બધું ખરાબ છે અને વિદેશોમાં બધું જ સારું છે. ઉપર વર્ણવેલા દુષણો અમેરિકામાં હોય તો તે એટલા જ વખોડવાપાત્ર ગણાય. ભારતમાં થોડીક સારી બાબતો જરૂર છે. પરંતુ તેનું પ્રમાણ સિંધુમાં બિંદુ જેટલું છે. બલકે સારી વાતોનું સાટું વાળી દે એવી ખરાબ બાબતોનો પાર નથી. આપણને આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ તેની ના નથી પણ પરીક્ષામાં કોઈ વિધાર્થીનો ૧૦૦માંથી માત્ર એક જ માર્ક આવ્યો હોય તો તે એક માર્ક બદલ તેનું સન્માન ન કરી શકાય… એવા ડોબા વિધાર્થી માટે ગૌરવ લેવાની ભૂલ કરવાને બદલે તેની અભ્યાસિક નિષ્ફળતાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. આપણી નબળાઈઓનો અભ્યાસ કરીશું તો જ તે કેવી રીતે સુધારી શકાય તે અંગે કોઈ નક્કર ઉપાય હાથ લાગશે.
આપણા ધરમ કરમ વાળા દેશમાં નિરંતર કથા-કિર્તનો, હોમહવન, કે યજ્ઞો થતા રહે છે. આપણે એનો વિરોધ ભલે ના કરીએ પણ તેને કારણે આ દેશની પ્રગતિ થઈ શકી તેનો કોઈએ સર્વે કરવા જેવો છે. યકિન માનજો કે આપણી મિથ્યા આત્મરતિ અને ઓવર ધાર્મિકતાને કારણે દેશને જે નુકસાન થયું છે તેટલું આપણને ચીન કે પાકિસ્તાને પણ નથી પહોચાડ્યું. તેઓ આપણા દુશ્મનોની ભૂમિકા ભજવે છે પણ આપણે આપણા દેશ વિષેની મિથ્યા આત્મવંચનાને કારણે આપની પા મિલિગ્રામ જેટલી સારી બાબતને પાંચ મણ જેટલી ગ્લોરીફાઈ કરીને પોરસાતા રહીએ છીએ. આપણા વિચારોને સાચી દિશા નહીં મળે ત્યાં સુધી આપણા કદમ યોગ્ય દિશામાં આગળ વધશે નહીં. “મેરા ભારત મહાન” ના નારા લગાવવાથી મહાન બની જવાતું હોત તો આપણા કરતાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ એ શોર્ટકટ વહેલો અપનાવ્યો હોત… પરંતુ સત્ય એ છે કે વિશ્વનો કોઈ દેશ કદી ટ્રકો પાછળ મહાનતાના પાટિયા ઝૂલાવવાથી મહાન બની શકતો નથી. જરા વિચારો આપણે ત્યાં સેંકડો દરોડા પડ્યા અને તેમાં કરોડો રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું… ટીવી પર આપણે જોયું કે ૨૦૦૦ની નવી નોટો હજી તો આપણા હાથમાં આવી પણ નહોતી તે પહેલા કરોડો રૂપિયાની એ નોટો બિલ્ડરો અને બીજા અનેક ભ્રષ્ટાચારીઓને ત્યાંથી પકડાઈ. એ શું બતાવે છે ? બેંકોની મદદ વિના એ નવી નોટો તેમના હાથમાં લોકો કરતાં પહેલાં કેવી રીતે પહોંચી ગઈ ? ૪૧ બેંકોના મેનેજર તથા કેશિયર વગેરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ઘટનાની ગંભીરતા જરાય ઓછી નથી.
બે માતાઓ નવ વર્ષના બાળકને જન્મદિને આશીર્વાદ આપી રહી હતી. એક માતાએ પોતાના પુત્રને આશીર્વાદ આપતા કહ્યું : “દીકરા, દરેક સ્પર્ધામાં તું પહેલો નંબર લાવજે, પરીક્ષામાં પણ પહેલો નંબર અને વર્ગમાં પણ મોનીટરથી ઓછો દરજ્જો સ્વીકારીશ નહીં. આગળ જતા હેડબોય બનજે અને નોકરીમાં સહુથી મોટો અધિકારી ! જયારે બીજી માતાએ પોતાના બાળકને કહ્યું બેટા, તારી જાતને ધીક્કારીશ નહીં, અને સાચા અર્થમાં ઇન્સાન બનજે. ઈન્સાનિયત આગળ બધા પારિતોષકો અને પદો નકામાં અને નગણ્ય છે…! શું આપણને કઈ માતાના આશીર્વાદ ગમે છે ? આજકાલના શાળા સંચાલકોને તેઓની માતા-પિતાએ કેવા આશીર્વાદ આપ્યા હશે તે માટે ભારતનું શિક્ષણ જગત જોવું પડે…!
ભારતમાં શિક્ષણ જગતમાં ચાલતા કૌભાંડો સપાટી પર આવે છે. છતાં અબ કી બાર મોંધી સરકાર…! તાજેતરમાં ધૂળેટી પહેલાના દિવસોમાં ગુજરાત સરકારે શાળા સંચાલકોને બોલાવીને તેઓના દ્વારા લેવામાં આવતી ફીના વાજબીપણા અંગે સરકારે ચર્ચા કરી હતી. રાજ્યની બ્રાન્ડેડ સ્કૂલો ખૂબ જ વધારે ફી લેતી હોવાના કારણે અવારનવાર ઉહાપોહ અને આંદોલન થાય છે. તે સ્થિતિને થાળે પાડવા માટે અને ફિ સ્ટ્રકચરમાં એક યુનિફોર્મિટી જાળવવા માટે રાજ્ય સરકારે બૌદ્ધિક વ્યાયામ શરૂ કર્યો છે. જે માત્ર દેખાવ પુરતો નહિ હોય તો જુન-૨૦૧૭થી શરૂ થતા નવા સત્રમાં મોટા ભાગની શાળાઓની ફી પચ્ચાસ થી એસી ટકા જેટલી ઘટી જશે. સરકારે સંચાલકોને કહ્યું છે કે રાજ્યની ટેકનિકલ કોલેજોની ફી નક્કી કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિના અધ્યક્ષ સ્થાને વિશેષ ફી નિર્ધારણ સમિતિ હોય છે જે દર ત્રણ વર્ષે કોલેજોના સંચાલકોની રજૂઆતને સાંભળે છે અને પછી ફી નક્કી કરી આપે છે. કોઈ પણ કોલેજ જાતે ફી નક્કી કરી શકતી નથી. એજ રીતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ પણ પોતાની તગડી ફીનું જસ્ટિફીકેશન આપવું પડે અને તો જ એ ફી સ્ટ્રક્ચર માન્ય થઈ શકે. સરકારે પૂછેલા પ્રશ્નોનો શાળા સંચાલકો પાસે હાલ તુરંત તો કોઈ જવાબ નથી. આ ઘટનાક્રમનો અર્થ એવો છે કે આવનારા દિવસોમાં રાજ્યની તમામ ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટેની એક સમિતિ બનશે અને એ સમિતિના નિર્ણય પ્રમાણે જ શાળાઓ ફી લઈ શકશે.
બધીજ ખાનગી શાળાઓ વાલિયા લૂંટારા જેવી પ્રવૃત્તિ કરે છે એવું નથી, તેમાંથી કેટલીક વિદ્યાર્થીઓ પાસેથી જરૂર પૂરતી જ ફી લઈને વાલ્મિકી જેવી વૃત્તિ દાખવે છે. તો પણ રાજ્યની સંખ્યાબંધ બ્રાન્ડેડ સ્કૂલો કોઈ મોટા ઉદ્યોગગૃહની જેટલો ચિક્કાર નફો કરે છે અને તેમ છતાંય તેમના શિક્ષકોના પગાર ધોરણો સામાન્ય કરતાં પણ ઓછા છે. રાજ્યમાં વ્યાપી ગયેલી બેરોજગારીનો સૌથી વધુ ગેરલાભ આ સંસ્થાઓ જ લે છે. એક વખત જો વડાપ્રધાન મોદી તેમાં નોકરી કરે તો ખબર પડે કે વિકાસ કેવો હોય…! રાજ્યમાં સરકારી શાળાઓમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક અંદાજ પ્રમાણે પચાસ ટકા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓ અને મ્યુનિસિપલ શાળાઓ પણ આવી જાય છે. બાકીના પચાસ ટકામાંથી દસ ટકા વિદ્યાર્થીઓ બ્રાન્ડેડ સ્કૂલોમાં ભણે છે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને મિડીયમમાં તથા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ એમ બંને રીતે અભ્યાસક્રમો ચલાવે છે. પરંતુ બાકીના જે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ છે તે નાની ખાનગી શાળાઓમાં ભણે છે. જલદી નજરે ન ચડે એવો આ વિદ્યાર્થીઓનો મોટો વર્ગ છે. આ નાની શાળાના સંચાલકો કોઈને કોઈ રીતે રાજકારણ સાથે જોડાયેલા હોય છે. કેટલાક ધારાસભ્યો છે તો કેટલાક કોર્પોરેટરો છે. જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોએ પણ પોતાની શાળાઓ ખોલી છે. આ તમામ નાની ખાનગી શાળાઓમાં એવરેજ ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે. અહીં એવા વિદ્યાર્થીઓ ભણે છે જેમના માતા-પિતાની આવક મધ્યમ કક્ષાની છે. તેઓને મોટી સ્કૂલના મોટા ફી સ્ટ્રક્ચર પોસાય તેમ નથી અને સરકારી શાળાઓમાં તેમને વિશ્વાસ નથી. આ ચાલીસ ટકા વિદ્યાર્થીઓમાં નાના-મોટા તમામ શહેરના મધ્યમ વર્ગીય બાળકોનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં જીલ્લા શિક્ષણાધિકારીઓ કે તાલુકાના કેળવણી નિરિક્ષકો કદી પણ પદ્ધતિસરનું ઇન્સ્પેકશન કરતાં નથી, માત્ર દૂધપાક ખાતા હોય છે…! ખરેખર તો તેઓએ વિદ્યાર્થીનું કૌશલ્ય ઊંચા લેવલ પર વિકસાવવું જોઈએ. સાથોસાથ એની મર્યાદાઓ જાણીને તે પસંદગીના ક્ષેત્રમાં આગળ વધે તેવી શક્તિ પ્રગટ કરવામાં ભાગીદાર બનવું જોઈએ. ભાગીદાર ક્યાંથી બંને…! કારણ કે આ શાળાઓ કૌભાંડોથી ભરેલી છે, (તેવું તેઓ જાણતા હોય છે…!) તેમાં અનેક શાળાઓમાં ધોરણ ૧૦ માં નાપાસ થયા હોય અને પછી આગળ ભણ્યા ના હોય તેવા પચ્ચીસથી ત્રીસ વર્ષની વયના યુવક-યુવતીઓ શિક્ષક તરીકે ભણાવે છે. તેમના રજિસ્ટરોમાં કોઈ બીજા જ નામ બોલતા હોય છે. જે દિવસે ઇન્સ્પેકશન હોય તે દિવસે બી.એડ. અને પી.ટી.સી. થયેલા અને કદી શાળાએ ન આવતા ઉમેદવારોનો કાફલો તેઓ એક દિવસ માટે હાજર રાખે છે. એ સિવાય કાયમ પેલા ઓછું ભણેલા અને શિક્ષણ વિષે કઈ જ ગતાગમ ન ધરાવતા કહેવાતા શિક્ષકો જ વિધાર્થીઓને ભણાવે છે.
મધ્યમ વર્ગના વિધાર્થી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવી એ સાંપ્રત યુગનો સૌથી મોટો અપરાધ છે, કારણ કે એ આખા પરિવારનું ભવિષ્ય એમના સંતાનો હોય છે. માત્ર સંતાનોની આશાએ તેમના પરિવારો અપાર કષ્ટ વેઠીને જિંદગીની સફર પસાર કરતા હોય છે. તેઓ મોસમમાં બે ત્રણ વાર જ કેરી ખાઈ શકતા હોય છે. તેમના ચહેરા પર જિંદગીનું સાદગીભર્યું હૂંફાળું હાસ્ય હોય છે, જેના પરદા પાછળ એક આખો વિશાદ્લોક છુપાયેલો હોય છે. આ પરિવારોના દંપતી સારસ બેલડી જેવા હોય છે. જિંદગીના દુઃખને સમજતા અને પરસ્પરને હિંમત આપતા-આપતા તેમનો પ્રેમ ઘેરા ગુલાબી રંગ જેવો ઘાટો થઈ ગયો હોય છે. આ પરિવારના સંતાનો એમનું સંપૂર્ણ ભવિષ્ય હોય છે. દરરોજ જે શાળામાં આ વિદ્યાર્થીઓ છ-સાત કલાક પસાર કરે છે તે જો વ્યર્થ નીવડે તો આખા પરિવારનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. આવા પરિવારને છેતરીને ઢગલો રૂપિયા બનાવનારા લોકોનો ગુજરાતમાં તોટો નથી. જરાક જ આજુબાજુમાં નજર કરશો તો નાની ખાનગી સ્કૂલોના આવા અમાનવીય અને દુષ્કૃત્ય કક્ષાના પારાવાર કૌભાંડો જોવા મળશે. જ્યાં સુધી વાહ-વાહમાં તરતી સરકાર પાયાની સુધારણામાં ધ્યાન નહિ આપે ત્યાં સુધી અનેક ઢોલ વગાડવા છતાં દેશના ભવિષ્ય પર અને આવનારી પેઢીઓના સત્વતત્વ પર ધુમ્મસ ઘેર્યા પ્રશ્નાર્થો તરતા રહેવાના છે. છતાં શાળા સંચાલકોએ દિલ્હીના નસીરઉદીનની વાત ઉપર વિચારમંથન કરવું જોઈએ, વિશેષમાં જો ફીઝીકસ અભ્યાસક્રમમાં છે તો જીવનમાં “વેદાંત” કેમ નથી ???
ચિત્ર દુખદ છે. બેંકો, ગ્રાહકો, બિલ્ડરો અને અનેક માલેતુજારોએ ખભેખભા મિલાવી મહેનત કરી છે…! ત્યારે મેરા દેશ મ…હા…ન… (??!!) બની શક્યો છે. નાનપણમાં પારધી અને પક્ષીઓની વાર્તા વાંચવામાં આવી હતી. પારધીએ પક્ષીઓને પકડવા માટે એક જાળ ફેલાવી હતી. દાણા ચણવા આવેલા બધા પક્ષીઓ એ જાળમાં ફસાઈ ગયા. એક ઘરડા પક્ષીએ સૌને સલાહ આપી : બધા એક સાથે જોર લગાવીને ઉપરની દિશામાં ઊડો…! અને બધાં પક્ષીઓ આખી જાળ લઈને ઊડી ગયા. આપણા દેશમાં રાજનેતાઓ સહિત ૧૨૫ કરોડ પક્ષીઓ ભ્રષ્ટાચારની આખેઆખી જાળ લઈને ઊડી રહ્યા છે. તેથી દેશની તિજોરીની દશા પારધીના ખાલી હાથ જેવી થઈને રહી ગઈ…છે.
રાજનેતા કેવા હોવા જોઈએ… ભલા…! દિલ્હી પર નસીરઉદીન કરીને એક ભલો બાદશાહ રાજ્ય કરી ગયો. તેની ભલાઈની ઘણી વાતો જાણીતી છે. બાદશાહ હોવા છતાં તે શાહી ખજાનામાંથી કદી પોતાને માટે એક પાઈ પણ લેતો નહીં. તે જાતે નકલ કરવાનો નિષ્ણાંત હતો. એક તો બાદશાહ, ઉપરથી સુંદર અક્ષર, એટલે લોકો સામા ચાલીને નકલનું કામ આપતા. નકલ કરવામાંથી જે કઈ પૈસા મળતાં, તેમાંથી જ બાદશાહ પોતાનું ગુજરાન ચલાવતા.
એક દિવસ બાદશાહે પૂરેપૂરા પરિશ્રમ સહિત એક સુંદર હસ્ત લેખ તૈયાર કર્યો.
એ હસ્ત લેખ એક ઉમરાવે જોયો. એ ઉમરાવે એ હસ્ત લેખમાંથી ઘણી ભૂલો કાઢી અને જ્યાં જ્યાં ભૂલો કાઢી ત્યાં ત્યાં નિશાનીઓ કરી દીધી.
ભૂલો બતાવી એ ઉમરાવ તો જતા રહ્યા.
ત્યારે બાદશાહની બેગમે કહ્યું : “તમે એ માણસને કઈ કહ્યું શા માટે નહિ ?”
બાદશાહના લેખમાં ભૂલ હતી જ નહિ. બાદશાહ પેલાની નિશાનીઓ ભૂંસતા હતા. એ ડાઘા ભૂંસી નાખતા તેમણે બેગમને કહ્યું : “વાહ બેગમ ! તમે પણ ખરા છો. એક તો એ બિચારો મહેરબાની કરીને મારી ભૂલો બતાવતો હતો અને ઉપરથી હું એની ઉપર ગુસ્સો થાઉં, કોઈ ગુરુનું તે વળી દિલ તોડતું હશે ?”
બેગમ તો આ સાંભળીને દંગ રહી ગઈ.
નસીરઉદીન જાતે મહેનત કરતો, બેગમ પાસે કરાવતો. બેગમ આથી ગુસ્સે રહેતી, તેને એમ થતું કે હું આવડામોટા બાદશાહની બેગમ હોવા છતાં મારે વળી આ શી ઉપાધી ?
બાદશાહ બેગમના હાથના જ રોટલા ખાતો, એટલે બેગમને ના છૂટકે રોટલા કરવા પડતા.
આનો સંતોષ પ્રગટ કરી બેગમ કહેતી : “મારાથી તમારા જેટલી મહેનત મજૂરી થતી નથી. હું પણ દિલ્હીની મલ્લિકા છું. એકાદ દાસી રાખી દેશો તો કઈ ભૂડું નહિ લાગે.”
નસીરઉદીને કહ્યું : “બેગમ, તું મલ્લિકા હશે પણ હું તો એક ગરીબ સુલતાન છું, મારી મહેનત મજૂરીમાંથી જે કઈ મળે છે, તેમાંથી જ આપણે પૂરું કરવાનું છે, શાહી ખજાનામાં જે પૈસો છે તે આપણો નથી, પ્રજાનો છે…! એને તો આપણે હાથ પણ લગાડી શકીએ નહિ.”
પણ એક દિવસ હાથ દાઝી ગયો. અને તે પણ બેગમનો, રોટલો કરવા જતા બેગમનો હાથ ગરમ તવા પર ચંપાયો, તે દાઝી ઊઠી , તેણે બાદશાહને કહી દીધું, “હું દાઝી ગઈ, કઈ ખબર પડી ?”
બાદશાહ નાસીરઉદીન બોલી ઉઠ્યા : “તને ખબર પડી, દેશભરની ગરીબ સ્ત્રીઓ કેટલી દાઝી જતી હશે, તેની મને આજે ખબર પડી ગઈ. બેગમ તારી જાતને દુનિયાની સ્ત્રીઓથી જુદી ન ગણ અને દાઝ્યા વગર રોટલા શીખી જાય તો જરૂર તું બચી રહેશે, અને મને પણ ખાવામાં મજા પડશે.”
પોતે દાઝી હોવા છતાં બાદશાહ પતિની આ વાત સાંભળી બેગમ ટાઢી ટપ થઈ ગઈ. આ વાર્તા આપણે આજના નેતાઓને અર્પણ કરીએ…!

૨૨-૩-૧૭(૨૪)

Leave a Reply