સફળતા કોઈ લોટરી નથી કે અચનાક લાગી જાય

“SUCCESS IS NEVER ACCIDENTAL”
ઘણીવાર લોકોને એવું લાગે છે કે અમુક વ્યક્તિને અચાનક સફળતા મળી ગઈ છે. આવી વ્યક્તિની પ્રસિદ્ધિ નજર આવતી હોય છે, પણ એની પાછળ રહેલી મહેનત કે પહેલાં મળેલી નિષ્ફળતા દેખાતી નથી. કોઈ પણ લક્ષ્યને પામવા માટે કરાતી પૂર્વ તૈયારી અને પ્રયાસ મહત્વના છે. તેની સાથે મળેલી તકનો લાભ લેવાની આવડત પણ જરૂરી છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે તક મળે ત્યારે એને સ્વીકારવાની આપણી તૈયારી ના હોય. અબ્રાહમ લિંકને કહ્યું હતું, હું હંમેશા તૈયાર રહું છું, જેથી તક મળતાં જ તેને ઝડપી શકાય. તકનો લાભ લેવા માટે જોખમ પણ લેવું પડતું હોય છે. ક્યારેક એ નિષ્ફળતાના રૂપમાં પણ આપણી સામે આવતી હોય છે. દરેક નિષ્ફળતામાંથી કઈંક નવું શીખીને આગળ ન વધી શકાય તો એક સ્તર પર અટકી જવાય છે. સફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે… પ્રયાસ છોડી દેવો. ઘણીવાર આપણે પોતે હાર માની લેતા હોઈએ છીએ. ક્યારેક તો લક્ષ્ય સુધી પહોંચ્યા બાદ પ્રયાસ છોડી દેવાતો હોય છે. ભલે વિલંબ થાય, પણ પોતાના ધ્યેય પર સફળ થનાર દરેક વ્યક્તિ એ જાણે છે કે પ્રતિભા કરતાં પણ પ્રયત્નનું યોગદાન વધારે હોય છે.
રમતના ક્ષેત્રમાં પણ એક નિયમ સ્વીકારાયો છે કે જે ખેલાડી વધારે પ્રેકટિસ કરે છે તેને વધારે સફળતા મળે છે. નાની ઉંમરે પ્રસિદ્ધિ મેળવવા મહત્તમ ખેલાડીઓએ રમવાનો આરંભ પણ નાની ઉંમરે જ કર્યો હોય છે. વહેલા આરંભ કરનાર અન્યની સરખામણીમાં પોતાના ધ્યેયને પામવા માટે વધારે સમય ફાળવી શકે છે. ટોચના ખેલાડીઓને પણ નિયમિત પ્રેક્ટિસ કરતાં રહેવું પડે છે. એક વાર સફળ થયા પછી જે ખેલાડી રમત પર ઓછું ધ્યાન આપે છે તે પોતાની સફળતાને ટકાવી શકતા નથી. ઘણા એવા હોય છે જે થોડા દિવસોની પ્રસિદ્ધિ પછી ખોવાઈ જતા હોય છે. સફળ થવા માટે અને એને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતાં રહેવું પડે છે.
સફળતા કોઈ લોટરી નથી કે અચનાક લાગી જાય. એની પાછળ વર્ષોની મહેનત હોય છે. તેમ છતાં અન્યની સફળતા જોઈને ઘણાને એવો ભ્રમ થતો હોય છે કે આવી સિદ્ધિ માત્ર સારા નસીબના લીધે મળતી હોય છે. નસીબ એના સ્થાને છે, પણ પુરુષાર્થ વિના કઈ જ પામી નથી શકાતું. આ પુરુષાર્થ કે મહેનત હંમેશાં પાર્શ્વભૂમિમાં રહેતી હોય છે જે દેખાતી નથી.
હવે વિચારો… આધ્યાત્મિકતામાં…! આધ્યાત્મિક, ફિલસૂફી સંબંધિત પારિભાષિક શબ્દો, જેવા કે આત્મા, પરમાત્મા, મોક્ષ, મુક્તિ, ભક્તિ, વૈરાગ્ય, સમાધિ, ત્યાગ, સમકિત વગેરેનો ઉપયોગ (કે અનધિકૃત – વપરાશ, બેજવાબદાર, બેશરમ ફેંકાફેક) આપણે ત્યાં આલિયા, માલિયા, ધાર્મિક મનોરંજનખોરો, “રેડીમેડ”, “શોર્ટકટ”, “ફાસ્ટફૂડ” જેવી સુખની ચાવીઓ વેચનારાઓ (અહીં વેચવાના બદલામાં માત્ર રકમની આપ-લે ન હોય, અહીં તો સ્વતંત્ર વિવેકશક્તિ કિંમતરૂપે ચૂકવાય, ને બદલામાં મળે અમુક તમુક “ટોળકી”નું લેબલ) બધાં જ કરી રહ્યા છે !
જે શબ્દો ડિક્ષનરી, માસ્તર, કથા, અઠવાડિક ટોળકીબાજીથી ના સમજાય, જેને સમજવા માત્ર બુદ્ધિ, નકરી બુદ્ધિ ઘણી અધુરી પડે, જે શબ્દો તમારું વરણ કરવા, તમારી રગરગમાં પ્રવેશવા, તમારા વ્યક્તિત્વમાંથી પ્રકાશરૂપે ઝળકવા માટે કિંમતરૂપે તમારી આખી જિંદગીની તપશ્વર્યા માગે એ શબ્દો “આધ્યાત્મિક” હોય. પરંતુ ના, જેમ કોઈ ગામના કૂવામાં ઝેર પડવાથી આખું ગામ આંધળું – બહેરૂં બની જાય, એમ આજે મોટાભાગના ધર્મ-ઘેલાઓ, ફિલસૂફી-ઘેલાઓ આધ્યાત્મિક પરિભાષાને રીંગણા-બટાટા જેવી ચીજો સમજવા લાગ્યા છે.
આત્માના ગુણધર્મો પાઠશાળામાં ગોખી મારો એટલે જ્ઞાની બની ગયા ! તપના પ્રકાર, કર્મના પ્રકારો ગોખી મારો એટલે અન્ય કરતાં સવાઈ ધાર્મિક બની ગયા ! ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો સડસડાટ મુખપાઠરૂપે બોલતાં આવડે એટલે અન્ય કરતાં મુઠી ઊંચેરા બની ગયા. અમુકતમુક મહારાજ કે ધર્મપુરુષનાં અઠવાડિક પ્રવચનોમાં નિયમિત જાવ એટલે તમારા મિત્રો કરતાં તમે વધારે ડાહ્યા હોવાનો ભયંકર નશો ચઢે…!
આપણી આજની છેલ્લામાં છેલ્લી, કહેવાતી “ધાર્મિક હાલત”નું આ ચિત્ર હાસ્યપદ છે ! અને એક હાસ્યાસ્પદ વિડમ્બના તો જુઓ ! દૂધનાં મોટાં તપેલામાં અંદરની સપાટી ગંદી હોય તો એકાદ લિટર દૂધ તો ફાટી જાય, પણ પછી જેટલું દૂધ પડે તે બધું જ સંગદોષથી ફાટી જાય !
અંગ્રેજીમાં “મલ્ટીપ્લાય” શબ્દ વાપરીએ તેમ આત્મવંચના, પલાયનવાદમાં ગુણાકાર થતો જાય, “મલ્ટિપ્લીકેશન” થતું જાય !
એક સામુહિક પરસ્પરની મૂક-સંમતિથી વિરાટ વંચના, છેતરપિંડીની સાંકળ ઊભી થઈ રહી છે જાણે ! પત્તાના મહેલ જેવા, પલાયનવાદી આશ્રયસ્થાનો જેવા “આશ્રમો” બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા છે પણ જે વિરાટ ટોળાઓનો સાથ આ સામુહિક આત્મવંચનાને મળી રહ્યો છે એ જોઈને ભ્રમમાં પડી જવાય કે સતજુગ આવી રહ્યો છે ! રખે ભૂલતા કે આપણે જે દાંભિક, “આધ્યાત્મિક” પ્રદૂષણમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનું શાસ્ત્રીય વર્ણન કળિયુગનાં લક્ષણોમાં સચોટરૂપે વાંચી શકાય છે.
તમે દલીલ કરી શકો કે ભૌતિકવાદની આગ સામે આ સામુહિક ટોળા દ્વારા પુરુસ્કૃત ધાર્મિક પ્રવચનો, આશ્રમો તો રણમાં મીઠી વીરડી જેવા ગણવા જોઈએ. રક્તકણો ખૂટી ગયા હોય એવા ફીકા દર્દી માટે “હિમોગ્લોબીન” જેવા ગણવા જોઈએ, તેણે બદલે નકારાત્મક ટિપ્પણ કાં કરો ભઈલા ! અમારું નિરીક્ષણ બહુ સીધું સરળ છે.
જો તમે લીધેલાં ઔષધની સચોટ અસર હોય, તો ચહેરા પર લાલિમા દેખાવી જોઈએ ! આધ્યાત્મિક પ્રવચનોના ફુગાવા પછી પત્ની સારી બંને, પતિ સારો બંને, કુટુંબજીવન મંગળમય બનવું જોઈએ. આધ્યાત્મિક પ્રવચનમાં વિચારશક્તિ તો એટલી ખીલવી જોઈએ કે એને આધ્યાત્મિકતાની “રેડીમેડ ફોર્મ્યુલાઓ” “રદ્દીમેડ” લાગે. એનામાં પોતાની ટોળકીનું ઝનૂન છૂપી રીતે પણ ના હોવું જોઈએ. મોક્ષની, વૈરાગ્યની, તપના પ્રકારોની વાતો મુખવાસ જેમ, પોપટ બોલનાર, અઠવાડિક સત્સંગોમાં નિયમિત જનાર વ્યક્તિની ચાલાકીભરી ગણતરીબાજી જોઈએ ત્યારે અરેરાટી થાય !
ટોળું ત્યારે જ ઊભું થાય, સંખ્યા ત્યારે જ વધે જયારે સ્વતંત્ર વિચારશક્તિનું માથું કાપી નાખવામાં આવે ! અત્યારે જ્યાં જ્યાં, ખૂણે-ખાંચરે “આધ્યાત્મિક વફાદારો”ના ટોળા જુઓ (ટી.વી. પરના સવારના મોટા ખર્ચે ટેલિકાસ્ટ થતાં, પેઈડ) પ્રવચનોથી માંડી, તમે તમારી આજુબાજુ એક યા બીજા નામે ટોળી રચતા મહાનુભાવો સુધ્ધાં) ત્યારે ચતુરાઈપૂર્વક આ વ્યાખ્યા યાદ કરીને નિરીક્ષણ કરજો. આ રોગથી પીડાતા લોકો તમને ઉપદેશ આપી, તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરશે. બહારથી ગમે તેટલી ચીલાચાલુ મોક્ષ, ભક્તિ, સમર્પણની વાતો ઓક્યા કરે, જયારે એમનું ટોળાછાપ સ્થાપિત હિત, એમનો સામુહિક ઈગો (“આધ્યાત્મિક” જ્ઞાતિવાદ!) પડકારનો ભોગ બને ત્યારે અચૂકપણે એમનો પ્રતિભાવ નિહાળજો.
તંદુરસ્ત દૂધ અને બગડેલા દૂધનાં પરિણામો જુદા હોય છે. આધ્યાત્મિકતાની પરીક્ષા પરિણામને આધારે જ થાય. બાકી શેતાન પણ બાઈબલ ટાંકી શકે. સાંપ્રદાયિક ટોળાના સભ્ય બન્યા પછી -આધ્યાત્મિકતા તો કરોડો માઈલ દૂર ફેંકાઈ ગઈ હોય છે. જો આશ્રમો, તત્વચર્ચાઓ, રીંગણા – બટાટા જેમ ફેંકાતા, વપરાતા ફિલસૂફીના શબ્દોનું પરિણામ જ્ઞાતિવાદ, મિથ્યાભિમાન, અન્યની સ્વતંત્ર વિચારશક્તિ ઝૂંટવીને એને લેબલધરી બનાવવામાં થાય તો ટ્રેડ યુનિયનો શું ખોટા છે ?
આ જગતમાં મનુષ્યથી શ્રેષ્ઠ કશું જ નથી. અને માણસને મન આપીને કુદરતે માનવજાત પર મોટી મહેરબાની કરી છે. માણસનું દિલ એટલે કે ભાવના – લાગણીશીલતા – સંવેદનશીલતા વગેરે મન પર જ આધારિત હોય છે. મન સાફ તો બધા ગુણ માફ. એટલે મૂળ પ્રશ્ન શુદ્ધ દાનતનો છે.
મન બગડે તો સર્વત્ર લૂંટાય. માણસની ચડતી અને પડતીમાં મનનું કાર્ય મહત્વનું છે. સંસ્કૃત એટલે સુધરેલું કે સંસ્કાર સંપન્ન મન માણસને સજ્જન બનાવે અને વિકૃત મન એને શેતાન બનાવે. એટલે જ મનને મનુષ્ય સંદર્ભે મિત્ર અને શત્રુ કહેવામાં આવ્યું છે અને તે જ બંધન અને મુક્તિનું કારણ છે. એટલે મન વિજય એ સર્વત્ર વિજયનું નિમિત્ત બની શકે છે. મનુષ્યના શત્રુ રૂપ ષડ: વિકારો એટલે કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર એ મનની જ પેદાશ છે. મન માણસને ભયગ્રસ્ત પણ રાખી શકે અને નીડર પણ. પ્રસન્ન પણ રાખી શકે અને અપ્રસન્ન. મન દુઃખી તો દિલ દુઃખી, મનને સુખ તો દિલ સુખ. મનનો હાર્યો ક્યાંય સુખી થઈ શકતો નથી.
એટલે વિશાળ સંદર્ભમાં દિલને મનથી જુદું ગણી શકાય નહીં. પવિત્ર મન પોતે જ મંદિર છે. સુબુદ્ધિ, ભગવદ્ભક્તિ, માનવતા, પરોપકાર વગેરે ભાવનાઓ મનમાં જ જન્મ લે છે, જેને દિલ સમર્પિત કરી કાર્યાન્વિત થવાની શક્તિ આપે છે. દિલ એટલે કે અંત:કરણ એ મનનો વોર્નિંગ બેલ છે, જે માણસને ખોટું કરવા પૂર્વે ચેતવે છે. મન નિયંત્રણમાં તો માણસનું વ્યક્તિત્વ મહેક પાથરે, મન કાબૂહીન તો માણસ બહેકી શકે. મન રાજી પણ રહી શકે અને પાજી પણ ! મન વાયુ કરતાં પણ તીવ્ર ગતિશીલ ગણાય છે. માણસની વિવિધ ઇન્દ્રિયો વિષય સુખ પાછળ બેબાકળી બંને છે, તેમાં મનનું જ પ્રદાન મુખ્ય હોય છે.
માણસ પ્રસન્ન બંને તો એના સર્વદુખો પણ લય પામે. ગૃહ કે ઘટ પણ મંદિર ત્યારે જ બની શકે, જયારે ઘરનાં માનવીઓનાં મન અને હૃદય વિશાળ હોય. મનથી તેઓ ત્યાગી સહિષ્ણુ અને માફ કરવાની વૃતિવાળા હોય, અહંકાર મુક્ત હોય, પ્રેમાળ હોય અને એક-બીજાને સુખી કરવાની ભાવનાને વરેલાં હોય. પણ આ બધું ત્યારે જ શક્ય બને જયારે ઘરનાં લોકોનાં મન પણ ઠરેલ હોય. જો કે મનને ઠરેલું રાખવાનું કામ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ અત્યંત મુશ્કેલ છે પણ અશક્ય નથી. તે માટેનો અભ્યાસ અને વૈરાગ્ય એટલે કે અનાસક્તિભાવ કેળવીને મનને નિયંત્રિત કરતા હોય છે.
ઘર એ જુદા જુદા સ્વભાવ, ગતિ, મતિ, રૂચિ, અને રસ ધરાવતાં માનવીઓના સહજીવનનો મેળો છે. દરેકની ખોરાકની રૂચિ, ગમા-અણગમા, વર્તન અને વ્યવહારશૈલી, મનોજગત અને આકાંક્ષાઓ તથા અપેક્ષાઓ જુદી જુદી હોય છે. ભિન્નતા એ ઘરનું એક નોંધપાત્ર લક્ષણ છે પણ આવી ભિન્નતા સહિષ્ણુતા, નિરાભિમાનિતા, અહંકારમુક્ત અને લાગણીશીલતાને લીધે અભિન્ન બની આત્મકેન્દ્રિતાને બદલે “સહુનું કલ્યાણ”ની ભાવનાને જીવનનો ઉદેશ બનાવી શકે તો “ઘર પણ મંદિર” બની શકે, ત્યાં ભાવનાની મૂર્તિ સ્થાપિત હોય, દિલમાં દીવા પ્રગટે, ત્યાગનો ઘંટ રણકતો હોય, એકતાના નગારાં વાગતાં હોય અને પ્રેમની આરતી ઉતરતી હોય તો પ્રભુ પણ પ્રસન્ન થાય કારણ કે જ્યાં પ્રેમ અને સેવા છે, ત્યાં ભગવાનનો વાસ છે. જ્યાં દ્વેષ, કલહ, કંકાસ, વેરઝેર અને કાવત્રા હોય છે એવા ઘરમાં પ્રવેશવાનું ભગવાનને પણ ગમતું નથી…! એટલે કે પછી ઉતમ સંતાન મેળવવા ઈચ્છતા સ્ત્રી-પુરુષે કેવા બનવું અને જીવવું જોઈએ…? વિચારજો… “હરિ તને પ્રસન્ન કેમે થાયે, તારા દિલનું કપટ નવ જાએ.” જ્યાં મનની મધુરતા ત્યાં ઘટમાં ને ઘરમાં પ્રભુનો પડાવ.
આનંદ સ્વરૂપ ઈશ્વરના દર્શન કરવાને ઈચ્છા હોય તો માત્ર બે આંખો બંધ કરવાથી કામ નહીં સરે, “મનની આંખ” પણ ખોલવી પડે છે. મનની આંખો ત્યારે જ ખૂલે છે, જયારે મન શુદ્ધ હોય.”
જે ઘરમાં માણસોના મનની આંખો ખૂલ્લી હોય એટલે કે માણસો આત્મદર્શન કરી પોતાના દુર્ગુણોને ત્યજવાનો સદાય સંકલ્પ કરતાં હોય, અને તે મુજબ આચરણ કરતાં હોય, ત્યાં ઘર સ્વયં એક “મંદિર” બની જાય. પ્રેમ અને સેવા એ પ્રભુ પ્રાપ્તિના પગથિયા છે.
પણ માણસનું મન ચંચળ હોવાને કારણે પરિવર્તનશીલ છે. માણસ ક્યારે દુષ્ટતાની સીમા ઓળંગી પશુ સમાન બની જાય અને ક્યારે માનવના સર્વોચ્ચ શિખર સર કરે, એની કલ્પના પણ ન થઈ શકે. એટલે દિલને, ઘરને, પરિવારને મંદિર તુલ્ય પવિત્ર બનાવવા માટે માણસે મન અને દિલને કેળવવું પડે. માણસના મન અને દિલની સંકીર્ણતા તેને વિવેકભ્રષ્ટ કરે છે અને વિવેકભ્રષ્ટ મન હારે છે અને એના ઈશારે ચાલતા માણસને હરાવે છે. દેવોનું અસ્તિત્વ પણ આખરે તો મનુષ્યની શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ અને માન્યતા પર જ અવલંબિત છે. કોઇકે ઉચિત જ કહ્યું છે કે મૂર્ખ મનુષ્યોનો દેવતા જળમાં, સ્વર્ગમાં, કાષ્ઠની મૂર્તિમાં અને માટીમાં હોય છે, પરંતુ જ્ઞાનીઓનો દેવતા પોતાની અંદર હોય છે. આત્મ જ્ઞાન સિવાય બધું નિરર્થક છે. “આતમ જ્ઞાન બિના સબ સૂના, ક્યા મથુરા ક્યાં કાશી, ભીતર વસ્તુ ધરી નહીં સૂઝે બહાર ખોજન જાસી” (કબીર). દેવતા નથી હોતો નાનો કે મોટો, ના તો તે અતિ શક્તિશાળી છે કે નથી અશક્ત. દેવતા તેટલો જ મોટો હોય છે, જેટલો તેનો ઉપાસક તેને બનાવવા ઈચ્છે છે.
નરમાં જ નારાયણ રહેલો છે. માણસ મંદિરમાં પણ નારાયણ કે આરાધ્યના દર્શન કરવા જાય છે. મનને શાંતિ અર્પવા માટે એટલે સૌથી મોટું મંદિર માણસનું શુદ્ધ મન છે. શુદ્ધ મનથી પરિવાર, સમાજ, દેશ અને વિશ્વને ચાહો તો એવી ભાવના આપોઆપ દિલ અને મનને મંદિર બનાવી દે છે. દિલમાં દીવો પ્રગટાવો એટલે ઘર જ દેવાલય બની જશે – સૌથી મોટું તીર્થ-સ્થાન.
૨૪-૩-૧૭

Leave a Reply