સમાધિની મજા માટે ૐ…!

માતા-પિતા દ્વારા સંપત્તિની જેમ સંસ્કારોનો અને વૈર-વિરોધનો વારસો પણ સંતાનોને મળે છે. આ વાક્યના આધારે માતા-પિતાની કક્ષા ત્રણ પ્રકારની છે. સંસ્કારોનો વારસો આપે તે માતા-પિતા ઉત્તમ ગણાય, સંપત્તિનો વારસો આપે તે માતા-પિતા મધ્યમ ગણાય અને વૈર-વિરોધનો વારસો આપે તે માતા-પિતા અધમ ગણાય. આ ત્રીજી કક્ષાની વ્યક્તિઓ ઘણી વાર સંતાનોને વૈર-વિરોધનો ગલત વારસો આપી જવા ઉપરાંત પોતાના મરણને ય કેવું સંકિલષ્ટ – અસમાધિભર્યું બનાવી દે એની એક વાત છે.
મૃત્યુશથ્યામાં પોઢેલ પિતાનો જીવ મુંઝાતો હોય એમ લાગતા પુત્રે પૂછ્યું : “બાપુજી ? કોઈ ઈચ્છા – કોઈ કાર્ય બાકી હોય તો મને કહી દો, મનમાં મૂંઝાશો નહિ.” પિતાએ ખુલાસો કર્યો : “આપણી બાજુના બંગલાવાળા હરામીએ વર્ષો પહેલાં ખોટી રીતે કેસ કરીને આપણી જગ્યા પડાવી લીધી હતી. લાગવગના જોરે એ જીતી ગયો ત્યારથી મેં ગાંઠ વાળી હતી કે એને રીબાવીને ખતમ કરું તો જ મેં બદલો લીધો ગણાય. આજ સુધી મને એવી તક ના મળી. હવે તું પ્રતિજ્ઞા લે કે કોઈ ખૂન જેવા કેસમાં એને બરાબર સંડોવીને ફાંસીની કે આજીવન કેદની સજા કરાવીશ જ.” દીકરો સ્તબ્ધ થઈ ગયો. પિતાના આ મૃત્યુ સમયના ય ઝનૂની વલણથી…! આવો તીવ્ર આવેશ – સંક્લેશ જ્યાં ખદબદતો હોય ત્યાં મરણમાં સમાધિ ક્યાંથી હોઈ શકે ?
સમાધિની મજા માટે ૐ…! પ્રાચીન કાળના ઋષિમુનિઓને અને તત્વચિંતકોને સ્વર વિજ્ઞાનનું ગહન જ્ઞાન હતું. એમને એકે એકે સ્વર વિશે ઊંડું સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં નાદબ્રહ્મનો અપૂર્વ મહિમા પ્રકટ થયો છે. આ નાદબ્રહ્મમાં મુખ્ય “ઓમ” શબ્દ આવે છે. ઓમકાર શક્તિ, સામર્થ્ય અને ઈશ્વરીય ગુણસંપદા પ્રદાન કરનાર છે. માંડૂક્ય ઉપનિષદમાં કહેવાયું છે – “ઓમિત્યેતદ્ક્ષરમં ઈદમ સર્વં તસ્યોપાખ્યાનમ ભૂતમ ભવદ ભવિષ્યદિતિ સર્વમોંકાર એવ” ઓમ એ અક્ષર છે. જેમાં સંપૂર્ણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય સમાયેલું છે. ત્રણેય કાળ ઓંકારના નાના સરખા શબ્દસ્થાનમાં સમાહિત છે. બધી શક્તિઓ, ઋદ્વાઓ અને સિધ્ધિઓ આ ઓંકાર ધ્વનિમાં સમાયેલી છે.”

Leave a Reply