(ગર્ભ – સંસ્કાર સંદેશ – ૧૨) “ફકીર છું, ઝોળી લઈ ચાલતો થઈશ…

“રામ ચરિતમાનસ”માં રામના અવતાર માટે પૃથ્વીએ દેવતા સામે જે વાતો રજૂ કરી છે, એમાં પૃથ્વી પીડિત થઈ, બહુ જ દુઃખી થઈ. શરીરના ભિન્ન ભિન્ન અંગોનો ભાર ક્યારેય અંગીને લાગતો નથી. એ શાસ્ત્રીય નિયમ છે. વનસ્પતિ, પહાડ, સરિતા, સરોવર, સમુદ્ર એ બધા પૃથ્વીના અંગો છે. તો, દેવતાઓએ ધરતીને પૂછ્યું કે તમને મહાભાર લાગી રહ્યો છે, તો કઈ વાતનો ભાર લાગે છે ? ત્યારે પૃથ્વીના મુખેથી એક વચન નીકળે છે, “મને પરદ્રોહીઓને ભાર લાગે છે.”
પૃથ્વીને આપણા વિગ્રહનો ભાર લાગતો નથી, આપણી વૃત્તિઓનો ભાર લાગે છે. બાપને દીકરાના હોવાનો ભાર લાગતો નથી, દીકરાની પ્રવૃત્તિઓનો ભાર લાગતો નથી, પરંતુ બાપ જયારે કુબાપ બની જાય ત્યારે એવા બાપનો ભાર લાગે છે. પત્નીનો બોજ કોઈ પતિને નથી લાગતો. સીધી વાત છે, પરંતુ પત્ની જો કુપત્ની બની જાય તો ભાર લાગે છે. પતિનો બોજ કોઈ સ્ત્રીને નથી લાગતો, એ આખા પરિવારને નિભાવે છે, પરંતુ પતિ કુપતિ થઈ જાય તો ? સમાજના બધા સબંધો વૃત્તિઓના રૂપમાં જયારે બગડી જાય છે, ત્યારે બોજ બનવાનું શરૂ થાય છે. અંગના રૂપમાં બધા હોય છે, ત્યારે બોજ નથી લાગતો…!
ભગવાન કૃષ્ણનું મિશન હતું. જેમની સાથે “પર” શબ્દ લાગ્યો છે એવી પાંચ ચીજોને નષ્ટ કરવી હતી અને “રામ ચરિતમાનસ”માં એના કેટલાંક સંકેતો મળે છે. મહા મહીભાર મિટાવવો છે. તો “ભાર” અને “મહાભાર”નો અહીં ભેદ છે. છદ્મરૂપે એમાં જે વિકૃતિ નાંખવામાં આવે છે એ બોજ છે, એ “મહાભાર” છે. કામ પણ મૂળરૂપમાં ક્યારેય બોજ નથી હોતો. પરંતુ વૃત્તિઓની વિકૃતિ અંદર પ્રવેશ કરે છે, ત્યારે વસ્તુ મહાભારમાં પરિણમે છે.
ભગવાન જન્મ લે કે ન લે, ભગવાનને શ્રમ ના આપીએ. આ પાંચ બાબતોને કારણે એને ધરતી પર યુગે યુગે આવવું પડે છે. આપણે એ પાંચેય બાબતોને જાગૃતિપૂર્વક સમજીએ. આ પૃથ્વી માતાના બોજને ઓછો કરીએ, જેથી કરીને ભગવાનને વારંવાર આવવું ન પડે. પૃથ્વીનો બોજ શું છે ? પહાડ, સમુદ્ર, સરોવર, નદી એ પૃથ્વીનો બોજ નથી એ તો એના અંગ છે, પરંતુ એમાં જયારે વિકૃતિઓ આવે છે ત્યારે બોજ બની જાય છે. પહાડ બોજ નથી, પહાડ જેવો અહંકાર પૃથ્વીનો બોજ છે…! સમુદ્ર બોજ નથી, પરંતુ વગર વિચાર્યે ક્યારેક-ક્યારેક સમુદ્ર મૂઢતા દાખવે છે એ મૂઢતા પૃથ્વીનો બોજ છે.
પૃથ્વીએ કહ્યું, “મને પરદ્રોહીઓની પીડા છે, જે ભાર હું સહી નથી શકતી.”
આપણે પરદ્રોહ કરીએ છીએ, વાતવાતમાં બીજાનો દ્રોહ કરીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ… નિંદા કરવાથી ખોટનો સોદો થાય છે. ખોટનો સોદો એટલે પુણ્ય કમાવાને બદલે પાપ…! પરદ્રોહી વ્યક્તિ પૃથ્વીનો બોજ છે. પરસ્ત્રીને હિંસક અને શિકારી વૃત્તિથી તાકવી એ પૃથ્વીનો બોજ છે અને બીજાના પૈસા હોશિયારીથી ગમે તેમ કરીને પણ લઈ લેવા એ પૃથ્વીનો બોજ છે… ઓછું ભલે મળે, પરંતુ ઈમાનદારીથી પ્રાપ્ત કરો. ભારત આજે માનવ સૂચક આંકમાં દુનિયામાં ૧૨૫ મા નંબરે છે ત્યારે એક વાર ધારાસભ્ય – સાંસદ બનનાર આજીવન પ્રજાના પૈસે પેન્શન મેળવે છે. બીજી બાજુ કામદારોને પોતાની પ્રો. ફંડની કપાતમાંથી નજીવું પેન્શન મળે છે. આ પ્રતિનિધિઓ જાતે તેમનાં પગાર-સગવડોને પેન્શન નક્કી કરી લે છે. માત્ર પેન્શન જ નહિ પણ આજીવન રેલવે મુસાફરીની પણ સગવડ મળે છે. પ્રશ્ન પૂછે ? કે ન પૂછે ? ચર્ચામાં ભાગ લે કે ન લે, ધમાલ કરે કે સસ્પેન્ડ થાય, સંસદની કાર્યવાહી ચાલે કે ના ચાલે પણ તેણે તો પેન્શન મળે છે. અનેક લોકો ગેસની સબસીડી છોડે તો જે ધારાસભ્યો – સાંસદના ઉમેદવારી ફોર્મમાં કરોડોની મિલકતો દર્શાવે છે યા કરોડપતિ છે તે પેન્શન કેમ ન છોડી શકે ? વિશેષમાં રાજનેતા એવું પણ કહે છે “ફકીર છું, ઝોળી લઈ ચાલતો થઈશ… એમ કહેનાર સામે “વજન” અને “દબદબો” દર્શાવવા પ્રજાના રૂપિયાની રેલમછેલ થાય છે… એટલે કે આ બધા ભાર છે…! બધા પોતાની કમાણીમાં મોજ કરી શકે છે અને તમારી કમાણીથી પ્રભુએ આપ્યું હોય, તો છેવાડાની વ્યક્તિ સુધી ઈમાનદારીથી પહોંચાડવાની ચેષ્ટા કરો. બધું ન આપો, પણ કઈક તો આપો જ…
પરદ્રોહી, પરદાર અને પરધન પૃથ્વીનો બોજ છે – “મહા મહીભાર” છે અને પરઅપવાદ, પરનિંદા, બીજાની નિંદા – કોઈને વિશે કોઈ નિંદા કરે તો એવી સ્થિતિમાં કોઈને કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી જાઓ, જેવી રીતે “મહાભારત”ની સભામાંથી વિકર્ણ નીકળી ગયો હતો. જયારે દ્રૌપદીના ચીર ખેંચવાની વાત આવી તો વિકર્ણ નીકળી ગયો કે હું એનો સાક્ષી નહીં બનું…!
તો પરનિંદા સાંભળવી અને પરનિંદા કરતાં રહેવું એ પૃથ્વીનો બોજ છે. આપણી વૃત્તિઓને કારણે પ્રકૃતિનું સંતુલન બગડે છે, પરંતુ “પર” સાથે જોડાયેલી એક વાત જળવાઈ રહે તો પછી પૃથ્વી ઓછી બોઝિલ થઈ જશે અને આપણે પણ હલકા-ફૂલકા રહી શકીશું, અને એ છે “પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ…!” એટલે કે પરોપકાર. શું સંતાન ગર્ભમાં હોય ત્યારે જ પરોપકારના પાઠ શીખવવામાં આવે તો ?…

Leave a Reply