(ગર્ભ સંસ્કાર – સંદેશ – ૧૩) કોઈ પણ સિદ્ધી સાધના વગર મળતી નથી.

જેમ બાળકો સાથે સબંધ બાંધતી વખતે કેટલીક બુનિયાદી બાબતો ધ્યાનમાં રાખો એ જરૂરી છે એમ આપણા સરેરાશ સમાજ સાથે પનારો પાડતી વખતે કેટલાંક મનોવૈજ્ઞાનિક સત્યો સતત ખ્યાલમાં હોવા જરૂરી છે “ એમાં ત્રણ અક્ષર ભારે બુનિયાદી, જાદુઈ શબ્દ છે ! “મફત”. મફત માટેનું અદમ્ય આકર્ષણ દેખાવમાં ભલે નિર્દોષ લાગે પણ તેના મૂળ ખૂબ ઊંડા છે. સહન કર્યા વિના, ત્યાગ કર્યા વિના, ભોગ આપ્યા વિના, પીડા પામ્યા વિના જે મળે તે મધુર લાગે ! કશું જ મફત ના મળે એ કુદરતનો નિયમ છે. બીજો એટલો જ અચૂક નિયમ છે “ ધ્યેય છીછરું તો કિંમત ઓછી ચૂકવવી પડે, ને ઊંચી વસ્તુ માટે ઊંચી કિંમત ચૂકવવી જ પડે. આ “આપ-લે” ના સનાતન નિયમમાં કોઈ જ છટકબારી નથી…! સફળતા એ સિદ્ધિ છે અને કોઈ પણ સિદ્ધી સાધના વગર મળતી નથી. સફળતાના વૃક્ષ પર રાતો રાત ફળ બેસતા નથી. સફળતા માટે તપવું પડે… ખપવું પડે…
આશિર્વાદ એક શુભેચ્છા છે. એક વ્યક્તિનો બીજી વ્યક્તિ પરત્વેનો લાગણીભીનો ભાવ છે. ગુરુ પણ તેજસ્વી બનવાના અને ગૃહસ્થ ધર્મને સુપેરે જીવી બતાવવાના આશીર્વાદ આપે છે. ગુરુ રાતોરાત ધનિક બનવાના, પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવવાના મૌખિક આશિર્વાદ આપે એનાથી શિષ્ય અમીર બની જતો નથી કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવી જતો નથી. એ માટે નિરંતર અધ્યયન, વાંચેલાનું મનન અને પુનરાવર્તન તથા પ્રમાદનો ત્યાગ જરૂરી છે. પ્રાચીન સમયમાં જયારે આશ્રમોમાં રહી ગુરૂ-સેવાની સાથે, સમર્પણ નિષ્ઠ અધ્યયન અને શારીરિક પરિશ્રમ કરતાં ત્યારે જ ગુરૂ આશિર્વાદ આપી શિષ્યને વિદાય કરતાં. ગુરૂએ આપેલું જ્ઞાન શિષ્ય આચરણમાં ન મૂકે તો ગુરૂનું નામ પણ લજવાતું…
માતા-પિતાના હૃદય વાત્સલ્યભીનાં હોય છે એટલે તેમનામાં સંતોષ પરત્વેની દોષ દ્રષ્ટિ હોતી નથી. દોષ દેખાય તો પણ સંતાન રિસાશે એવા ખ્યાલ સાથે તેઓ આંખ આડા કાન કરે છે. તેઓ હંમેશાં સંતાનનું ભલું ઇચ્છતાં હોય છે. એટલે તેઓ સરળતાથી આશિર્વાદ આપે છે, પણ આશિર્વાદ માત્રથી કલ્યાણ થઈ જતું નથી. પોતાને પ્રાપ્ત થયેલા આશિર્વાદને લાયક બનવું એ આશિર્વાદ પ્રાપ્ત કરનારનું પાયાનું કર્તવ્ય છે. માં-બાપની સેવા એ તેમના ઉપકારોની અદાયત્રી છે અને એ રીતે તે મનુષ્યની પ્રાથમિક ફરજ બને છે. વૃદ્ધ માં-બાપો પાસે સંતાનના કલ્યાણ માટેનું હાથવગું સાધન હોય તો તે આશિર્વાદ છે. પણ સંતાને એમના હૃદયમાંથી નીકળેલા આશિર્વાદના શબ્દોને સંપૂર્ણપણે કલ્યાણસાધક માની લેવાની ભૂલ ન જ કરવી. માં-બાપે આપેલા આશિર્વાદનો અર્થ એટલો જ કે તમારી શ્રદ્ધા, સાધના અને પરિશ્રમ પર્યાપ્ત હશે તો તેને અમારી લાગણીનો ટેકો મળી રહેશે. સંતાનના ઘડતર માટે માં-બાપે પર્યાપ્ત સમય આપવો જોઈએ. જો દરેક માં-બાપ સંતાનના ઘડતર પાછળ આપે તો સમાજ કે દેશને એક કેદી પાછળ સમય આપવાનો રહેતો નથી. આશિર્વાદ કે આશાવાદથી ઈશ્વરને કરેલ એક વણકથી પ્રાર્થના છે કે મેં જેને આશિર્વાદ આપ્યા છે, એ તારી નજરમાં યોગ્ય હોય ઇન્સાન હોય તો તેને દુઃખમુક્ત રાખજે અને સફળતાની દિશામાં પરિશ્રમ માટે આગળ વધવાની શક્તિ પ્રદાન કરજે. માતા-પિતાના મનમાં રહેલી કામનાઓ જ આશિર્વાદ દ્વારા વ્યકત થાય છે. કેવળ કામનો સબંધ રાખવાથી આશિર્વાદમાં સમાવિષ્ટ શુભ કામના ફળતી નથી.
આપના વ્યક્તિગત ત્યાગથી માંડીને આખો સમાજ કોને માટે શું અને કેટલા પ્રમાણમાં જતું કરવા તૈયાર છે એ પરથી જ વ્યક્તિ અને સમાજને બદલો મળશે. હા, તમે વ્યક્તિને છેતરી શકશો, કુદરતને નહીં. તમે વ્યક્તિને છેતરીને શોષણ કરશો, તો કુદરત પોતાની રીતે તમને પાઠ ભણાવશે, જે પાઠ ભારે નિર્દય અને કઠોર હશે… અને આપના આ “હોશીયારીભર્યા” વ્યવહારના બદલામાં કુદરત વ્યાજ સાથે બદલો આપે છે. એક એવો માહોલ રચાય છે જ્યાં આખી પરિભાષા પરસ્પર બનાવટની હોય છે, આપણી નવી પેઢીને ગળથૂથીમાં જ દોગાઈ, છેતરપિંડી, વિદ્યાનો અભાવ, લાગણીનો દુકાળ વારસામાં મળે છે. જ્ઞાન વારસામાં મળે તેની એક સુંદર મજાની ધર્મ જિજ્ઞાસુ રાજાની કથા છે…
ધર્મ જિજ્ઞાસુ રાજાના દરબારમાં અનેકવિધ ચર્ચાઓ થતી હતી. કોઈ વાર શાસ્ત્રના કોઈ સૂત્રના મર્મ કે રહસ્ય અંગે રાજા પ્રશ્ન પ્રસ્તુત કરતાં, તો કોઈ વાર બુધ્ધીમાનોની કસોટી કરે એવી સમસ્યાઓ પૂછતા હતા.
એક વાર રાજાએ ત્રણ પ્રશ્નો પૂછ્યા. (૧) ઈશ્વર ક્યાં વસે છે (૨) શું ખાય છે ? (૩) અને શું કરે છે ?
રાજસભા મૂંઝવણમાં પડી ગઈ. પંડિતોએ ઈશ્વર અંગે જીવનભર ઘણી ચર્ચા-વિચારણા કરી હતી. ભક્તોએ એનું અહર્નિશ મહિમાગાન કર્યું હતું. સામાન્ય માનવીઓએ એના પરચા અને ચમત્કારોની કેટલીય વાતો કરી હતી. પરંતુ કોઈની પાસે આનો પ્રત્યુત્તર નહોતો.
રાજસભામાં સન્નાટો છવાઈ ગયો, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે એક સીધોસાદો કોઠાસૂઝ ધરાવતો અનુભવી માનવી ઊભો થયો.
રાજાને થયું કે જ્યાં આવા કૂટપ્રશ્નનોનો ઉકેલ આપવામાં ભલભલા પંડિતો નિષ્ફળ ગયા, ત્યાં આ વળી શો ઉત્તર આપશે ? રાજાએ તેને પૂછ્યું, “બતાવ, ઈશ્વર ક્યાં વસે છે ?”
અનુભવીએ કહ્યું, “મહારાજ, હું આપનો અતિથિ છું. અતિથિનું યોગ્ય સ્વાગત-સન્માન કરવું તે આપણી પ્રાચીન પરંપરા છે. પ્રથમ મારો આતિથ્ય-સત્કાર કરો, પછી આપના પ્રશ્નનો ઉત્તર આપીશ.”
રાજાએ નમ્રતાથી આ અનુભવીને પૂછ્યું કે તેઓ ભોજનરૂપે શું ગ્રહણ કરશે ? ત્યારે એણે કહ્યું “મને એક કટોરીમાં દૂધ આપો.”
કટોરીમાં દૂધ આપતા પેલો માણસ એમાં આંગળી ફેરવવા લાગ્યો. રાજાને આશ્વર્ય થયું અને એણે આવું કરવાનું કારણ પૂછ્યું, તો પેલી વ્યક્તિએ કહ્યું, “મહારાજ, હું આમાંથી માખણ કાઢી રહ્યો છું.”
રાજાથી હસવું ખાળી શકાયું નહીં. એમણે કહ્યું, “અરે ભલા ભાઈ, દૂધમાં આંગળી હલાવવાથી માખણ નહીં મળે. એને માટે તો દૂધને ગરમ કરીને મેળવણ નાખીને દહીં બનાવવું પડે, પછી એને ખૂબ ઝેરવવામાં આવે ત્યારે થોડું માખણ મળે.”
તત્ક્ષણ પેલી વ્યક્તિએ કહ્યું, “મહારાજ, આ માખણની જેમ જ ઈશ્વર આ જગતમાં છે. તપ, ધ્યાન અને ચિંતન કરીએ તો જ એનો સાક્ષાત્કાર થાય. એ વિના એની કશી ભાળ મળે નહીં.” સત્યમય જીવન અને ધર્મમય જીવનને જુદા પડવાની જરૂર નથી. જ્યાં સત્ય છે ત્યાં ધર્મ છે અને જ્યાં શુદ્ધ ધર્મ ભાવના છે ત્યાં સત્ય છે. ઋષિઓએ માનવજાતને મોટામાં મોટા આશિર્વાદ આપ્યા હોય તો તે “મનુર્બવ” એટલે કે માનવ બન. મનુષ્ય પશુતાના જેટલા અંશ પોતાનામાં ઘટાડી શકે, તેટલા અંશે તેનામાં મનુષ્યતા કે માનવતા પ્રગટે. મનુષ્ય જેટલા અંશે સત્યમય જીવન જીવે, તેટલા અંશે પરમાત્મા તેણે જોઈ હરખાય.
ધર્મ આખરે શું છે ? ધર્મ એટલે સદ્દવર્તનનો નિયમ. સદ્દવર્તન એટલે સાચું વર્તન, ઉદાત્ત વર્તન, માનવતાવાદી વર્તન, કર્તવ્યશીલ વર્તન, સંયમપૂર્ણ વર્તન, સેવાભાવી અને સમદ્રષ્ટિવાળું વર્તન, સત્યનિષ્ઠ જીવન એ આકરી કસોટી છે. તમે સત્યની રાહે ધર્મમાય જીવન જીવવાની કોશિશ કરો એટલે આકરી કસોટીમાંથી પસાર થવાનો વારો આવવાનો જ. જીવનમાં સત્યને, ધર્મને સર્વોપરિ સ્થાન આપાવું જોઈએ અને સત્યને ખાતર ગમે તેવું મોટું બલિદાન આપવું પડે તો બલિદાન આપવું જોઈએ. સત્યવાદી હરિશ્ચંદ્રે સત્યની રક્ષા ખાતર કેટલંવ બધું સહન કર્યું હતું !… એટલે આશીર્વાદ દ્વારા સફળતા મળી જશે એવા ભ્રમમાં રહેવાને બદલે સફળતા માટે આવશ્યક પરિશ્રમ, કોઠાસૂઝ, નિર્ણયનું મૂલ્યાંકન, દ્રઢ સંકલ્પ, બહાનાબાજીનો અભાવ, સાધનોનો સમુચિત ઉપયોગ અને નિષ્ફળતા સાંપડે તો નિરાશા હટાવી પુન:કાર્યરત બનાવો નિશ્વય એ જ આવશ્યક છે. એમાં આશીર્વાદની પ્રેરણા ભળે તો વાહ… વાહ…
સત્યમેવ જયતે સરસ મુદ્રાલેખ છે…
ઓફિસ કેરા પેડ પર,
ખુરશી કેરી પીઠ પર
વળી ઉંચી ભીંત પર
શોભી રહે છે બરાબર
ગોઠવી તો દીધો છે પણ
કદી વિચાર કીધો છે કે
સત્ય જો જીતશે
તો આપનું શું થશે ?”
જીવાત્મા પરમાત્માની જેમ સ્વતંત્ર નથી એટલે એણે જાતજાતની વાસ્તવિકતાઓનો સામનો કરવો પડે છે. દુન્યવી લોકો કષ્ટોને પૂર્વ જીવનમાં દુષ્કૃત્યનું પરિણામ માની એનું કુફળ આપવા બદલ ઈશ્વરને નિંદે છે. સંત કબીર સાહેબ કહે છે કે આનું કારણ માણસનો ભ્રમ છે. તે સત્ય સમજી શક્યો નથી. માનવદેહ આપતી વખતે ઈશ્વરે કાઈ ખાતરી નહોતી આપી કે માણસનું પાર્થિવ જીવન દુઃખમુક્ત રહેશે.
“દેહ ધરે કા રોગ હૈ,
સબ કાહુકો હોય…
જ્ઞાની ભુગતે જ્ઞાન સે,
મૂરખ ભુગતે રોય…”
દેહ ધારણ કર્યો એટલે સહુ કોઈને દુઃખો તો આવવાના જ. દુઃખ પડે ત્યારે મૂર્ખ માણસ રોદણા રડે છે અને દુખોને રડતાં-રડતાં સહન કરે છે, જયારે જ્ઞાની માણસ સમજણપૂર્વક જીવનમાં આવનાર દુઃખોને સહન કરે છે અને દુઃખ પ્રસન્નતાપૂર્વક સહન કરે છે. એટલે સત્યમય કે ધર્મમય જીવવાથી ઈશ્વરની કૃપા કે આશીર્વાદ મળશે એવી અપેક્ષા જ અસ્થાને છે. કારણ કે તમે ઇન્સાન છો અને ઈન્સાનિયત દેખાડો કે સત્ય અને ધર્મમય જીવન જીવો એ માનવજાત પર કે પરમાત્મા પર ઉપકાર નથી. જીવનને કેવળ જીવી નાખવાની દ્રષ્ટિથી જોનારને જીવનનું સત્ય નથી લાધતું એટલે કે “જે બોલે તે વેદવાક્ય અથવા મંત્રોચ્ચાર, જે કરો તે સત્ય ધર્મ, જ્યાં ચાલો તે તીર્થધામ, જે કાઈ જુઓ તેમાં ભગવાનનું દર્શન…”
“તો હવે તમને એ સમજાવવાનો નમ્ર અનુરોધ કરું છું કે આ ઈશ્વર શું ખાય છે ?”
અનુભવીએ કહ્યું : “મહારાજ, આપના અગાઉના અને અત્યારના વર્તનમાં કેટલો ફેર પડી ગયો. અગાઉ આપને અહંકાર હતો. અત્યારે એ નષ્ટ થઈ ગયો. ઈશ્વર અહંકારને ખાય છે.”
રાજાએ પૂછ્યું કે “ઈશ્વર શું કરે છે ?”
પેલી વ્યક્તિએ રાજાને સરળતાથી પૂછ્યું, “મહારાજ, આપ આ પ્રશ્ન મને ગુરુ તરીકે પૂછી રહ્યા છો કે શિષ્યની પેઠે ?”
“જે જ્ઞાન આપે તે ગુરુ. માટે તમે ગુરુ.”
અનુભવીએ કહ્યું, “પણ તમે તો શિષ્ય થઈને સિંહાસન પર બેઠા છો અને હું ગુરુ હોવા છતાં જમીન પર તમારી સમક્ષ ખડો છું. ખરું ને !”
રાજા તત્કાળ સિંહાસન પરથી ઊઠી ગયા અને એ અનુભવીને બેસાડ્યો અને પ્રશ્નના ઉત્તરની આશાએ એની સમક્ષ ઉભા રહ્યા.
અનુભવીએ કહ્યું, “ઈશ્વર આ જ કરે છે…! એ કોઈને સિંહાસન પર બેસાડે છે અને કોઈને સિંહાસન પરથી ઊઠાડી મૂકે છે… સારા કર્મ કરનારને સુખ આપે છે અને અનિષ્ટ કાર્યો કરનારને સજા આપે છે.”
રાજા સામાન્ય લાગતા અનુભવીના આ અસામાન્ય ઉત્તરોથી પ્રસન્ન થઈ ગયા… જો ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતા સ્ત્રી અને પુરુષ ગર્ભમાં જ સંતાનને અહંકાર મુકત કેમ બનવું તેના પાઠ શીખવે તો ?…

Leave a Reply