(ગર્ભ સંસ્કાર સંદેશ – ૯) બંનેને નગ્નતા ખટકી…!

પ્રશ્ન છે અહંકારનો. સહુ પોતપોતાની જગાએ મોટા છે. કારણ કે એક યા બીજી રીતે દરેક સમાજની સેવા કરે છે. રસ્તાનો સફાઈ કામદાર કચરો ન ઉઠાવે તો ? ટ્રેન કે બસનો ડ્રાઈવર વાહન નહીં ચલાવવાની જીદે ચઢે તો ? આપણે જે સુખ-સગવડો ભોગવીએ છીએ, એ અનેક શ્રમજીવીઓના પસીનાને પ્રતાપે બનેલી છે. એમણે કદી પોતાની જાતને અહંકારી બનવા દીધી નથી… અહંકારથી ક્રોધ જન્મે છે અને ક્રોધમાંથી અવિવેક જન્મે છે. પરિણામે ઝઘડાની મારામારીની ઘટનાઓ વધી જાય છે. આકાશ તરફ નજર કરો. સૂરજે પોતાની જાતને મોટો માનીને ચંદ્ર કે ગ્રહો સાથે ઝઘડો કર્યો છે ખરો ? એક ગ્રહ બીજા ગ્રહ સાથે કે એક તારો બીજા તારા સાથે ઝઘડયો છે ખરો ? પૃથ્વીના, બ્રહ્માંડના અનેક તત્વોને નિયમાનુસાર વર્તવામાં અહંકાર નડતો નથી, સિવાય કે માનવ. વાદળ નહીં વરસવાની હઠ કરતું નથી. પાણીના અનેક ટીપા ભેગા થાય છે અને એમાંથી ઝરણું બને છે. ઝરણામાંથી નદી અને ગમે તેવી તોફાની નદી પણ અહંકાર છોડીને અંતે સાગરમાં ભળી જાય છે. અહંકાર એટલે માણસે પોતાના મનમાં છુપાવેલો રાવણ. મોકો મળતાં એ રાવણ દુષ્ટતા દેખાડવા કૂદી પડે છે. રાવણ કે દુર્યોધનને એમનો પોતાનો જ અહંકાર ભરખી ગયો હતો ને…!
“અહમ”માંથી “અ”ની બાદબાકી કરો એટલે બાકી રહેશે “હમ”, “હું” નહીં, અમે. “અમે”ની ભાવના સહુને એકઠા કરે છે. “અહં”ની વૃત્તિ માણસને એકબીજાથી અળગાં બનાવી છે. ભાવનાની ઉપેક્ષા કરવાને કારણે જ ભયંકર યુદ્ધો ખેલાયા છે અને એક બીજા તરફ મોહબ્બતને બદલે નફરતનો ફેલાવો થયો છે. દુનિયામાં જાત જાતના દુકાળો પડે છે, પણ “અહંકાર”નો દુકાળ પડતો નથી…! અહંકારનો દુકાળ થાય તો માનવતા સોળે કળાએ ખીલી ઊઠે. અહંકાર ત્યાગ એ આત્મજાગૃત્તિ, આત્મજ્ઞાન અને ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે.
બાઈબલમાં એક કથા આવે છે. કથા ખૂબ પ્રચલિત છે. પણ એટલી જ એ સમજવા જેવી પણ છે. એટલે ફરીફરીને યાદ કરવી ગમે એવી છે. કથા છે કે ઈશ્વરે સર્વપ્રથમ “આદમ” અને “ઈવ”નું સર્જન કર્યું. “આદમ” પુરુષનું પ્રતિક છે અને “ઈવ” સ્ત્રીનું. આ બંને પાત્રોના કારણે જ આ સમગ્ર વિશ્વ વિસ્તરતું જાય છે. ઈશ્વરે આદમ અને ઈવને પહેલાં તો સ્વર્ગના બગીચામાં રાખેલા. આખો બગીચો અદ્દભૂત અને સુંદર હતો અને એમાં અનેક પ્રકારના વૃક્ષો તથા ફળફૂલ પણ થતા હતા. આ આખો બગીચો બતાવતી વખતે ઈશ્વરે આદમ અને ઈવને કહેલું કે આ બધું તમારા માટે છે. ઈચ્છો તેનો ઉપભોગ કરી શકો છો. ચાહો તે ફળ તમે ખાઈ શકો છો પણ આ અસંખ્ય વૃક્ષોમાંથી એક વૃક્ષ તરફ ઈશારો કરીને ઈશ્વરે કહ્યું કે માત્ર આ એક વૃક્ષના ફળ ચાખવાની મનાઈ છે માટે એનાથી દૂર રહેજો. એ વૃક્ષ હતું જ્ઞાનનું…! The tree of knowledge…! જો આ ફળ ખાવામાં આવે તો અનેક ઉપદ્રવ શરુ થઈ શકે તેમ હતા. માટે ઈશ્વરે એનો નિષેધ કરેલો પણ માણસના મનની એ ખાસિયત છે કે જે વસ્તુની એને મનાઈ કરવામાં આવે તેના તરફનું આકર્ષણ વધી જાય છે. નિષેધ મોટે ભાગે નિમંત્રણનું કામ કરે છે.
કદાચ આ નિષેધના કારણે જ આદમ અને ઈવ જ્ઞાનના ફળ માટે અધીરા બની ગયા. એ બગીચામાં શેતાન પણ આવતો હતો. એણે આ તકનો લાભ ઉઠાવી ઈવને સમજાવવાની કોશિશ કરી કે તમે આ જ્ઞાનના વૃક્ષનું ફળ ખાઈ લો તો બંને જણ દેવતા બની જાવ અને ઈશ્વર એવું ઈચ્છતો જ નથી કે તમે લોકો આ ફળ ખાઇને સ્વયં દેવતા બની જાવ.
ઈવને ગળે આ વાત ઊતરી ગઈ. સ્ત્રી સહજ ઈર્ષા અને હઠ બંને એની પાસે હતા. આદમે ખૂબ સમજાવી કે સ્વયં ઈશ્વરે આ ફળ ખાવાની ના પાડી છે તો જરૂર કોઈ પ્રયોજન હશે. પણ ઈવ તો હઠ પકડીને બેસી ગઈ. શેતાનની વાત એના મગજમાં સતત સળવળતી હતી અને શેતાનને પણ આ વાતનો ખ્યાલ હતો કે આદમને આ વાત સમજાવવી જરા અઘરી છે એટલે એણે પહેલાં જ ઈવને પકડી અને પત્નીના મનમાં કોઈ વાત પેસી જાય તો ભલભલા પતિએ મને કે કમને એ વાત સ્વીકારવી જ પડે છે અને પતિ કોઈ વાતનો ઇનકાર કરે તો પત્નીના મનમાં એ લગભગ જીદનું સ્વરૂપ ધારણ કરે છે. ઈવની ઈચ્છા છેવટે જીતી ગઈ. બંનેએ આ જ્ઞાનવૃક્ષનુ ફળ તોડીને ખાધું અને નિયમનું ઉલ્લંઘન થતાં જ ઈશ્વરે એ બંનેને સ્વર્ગના બગીચાની બહાર કાઢી મૂક્યા. સામાન્ય રીતે આ વાત ઊંધીને અને આશ્વર્યજનક લાગે છતાં સાચી છે. પરમાત્માના રાજયમાં સૌથી મોટી બાધા (તથાકથિત) “જ્ઞાન” છે. પોતાને જ્ઞાની (પંડિત) સમજતા લોકો માટે ત્યાં જગ્યા જ નથી. અને… એ દિવસથી આદમ અને ઈવના વંશજ એવા “આદમી” અહીંથી ત્યાં ભટકી રહ્યા છે. સ્વર્ગમાં એને પ્રવેશ મળતો નથી. અને ત્યાં સુધી પરમાત્માના દ્વાર તેના માટે નહીં ખૂલે જ્યાં સુધી કહેવાતા જ્ઞાનને તિલાંજલિ આપી એ ભોળા શિશુની જેમ નિર્દોષ બની નહીં જીવે. જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં અજ્ઞાન પણ એની પાછળ જ છુપાયેલું જ હોય છે. એ બંને એક જ સિક્કાની બે બાજુ જેવાં છે. જ્ઞાન છૂટે તો જ અજ્ઞાન પણ છૂટે અને દ્વંદ્વ ની પાર જતા જ નિદ્વન્દ્વ સ્થિતિમાં પરમાત્મા સાથેનું મિલન શક્ય બને છે. પરમ જ્ઞાન એવી વ્યક્તિને જ ઉપલબ્ધ થાય છે જે જ્ઞાનના અંચળાને પણ ઈશ્વર આડેનું આવરણ સમજીને દૂર ફેકી શકે છે.
જ્ઞાનનું ફળ ચાખતાની સાથે જ આદમ અને ઈવને પૃથક્તાનું ભાન થાય છે. સારું અને નરસું, હેય અને ઉપદેય, શ્રેષ્ઠ અને નિકૃષ્ટ આવા બધા ભેદ જ્ઞાનની નીપજ છે. કથા કહે છે કે ઇવે જેવું આ જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું, બાજુમાંથી કેટલાંક પાંદડા ઊંચકીને એણે શરીરના અમુક ભાગને ઢાંકી દીધો. અત્યાર સુધી એ નગ્ન હતી. એને ખ્યાલ જ ન હતો કે શરીરમાં કેટલોક ભાગ શ્રેષ્ઠ અને કેટલોક નિકૃષ્ટ છે. આમાંથી અમુક ભાગ છુપાવવા જેવો (અસ્વીકૃત) અને અમુક પ્રગટ કરવા જેવો એટલે કે સ્વીકૃત છે. આદમ અને ઈવ આજ સુધી નિર્વસ્ત્ર ફરતા હતા નાના બાળકની જેવા જ એ નિર્દોષ હતા પણ આંખ પર જ્ઞાનના ચશ્માં ચડતા જ વિકાર પેદા થયો. એકનું બેમાં વિભાજન થયું. બંનેને નગ્નતા ખટકી અને એમાંથી જ આ આખો સંસાર રચાયો…!
આપણે પૃથ્વી પર ઈશ્વરે સોપેલું કામ કરીએ છીએ. આપણને તેનું કોઈ ફળ મળતું હોય તો તેનો અહંકાર ન કરવો જોઈએ. કારણ કે આપણે કેવળ નિમિત્ત છીએ, કર્તા તો કોઈ બીજો જ છે. દાન આપતી વખતે નજર તો નીચે જ રાખવી જોઈએ, કારણ કે દાન આપનાર બીજો કોઈ જ છે. નિસ્વાર્થભાવે કર્તવ્ય અદા કરવું એ પ્રત્યેક માણસનું કર્તવ્ય છે…! કે તે આ દુનિયાને ઓછામાં ઓછું એટલું તો પાછું આપે, જેટલું તે આ દુનિયા પાસેથી લે છે. દાતા તરીકેનો અહંકાર છોડી દઈએ કારણ કે આપણે જે કાઈ મેળવ્યું છે એ આ ધરતી અને દુનિયામાંથી મેળવ્યું છે.
મહાત્મા બુદ્ધે પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહ્યું _ “દેશમાં દુકાળ પડી રહ્યો છે. લોકો અન્ન અને વસ્ત્ર માટે તલસી રહ્યા છે. તેમને મદદ કરવી એ પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. આપ લોકોના શરીર પર જે વસ્ત્ર છે, તેને દાનમાં આપી દો.” આ સાંભળીને અનેક લોકો ઊઠી દયા પણ એ શિષ્યોમાંનો એક નિરંજન ત્યાં જ બેસી રહ્યો, તેણે વિચાર્યું કે મારા શરીર પર તો એક જ વસ્ત્ર છે. તે આપી દઈશ તો નગ્ન થવું પડશે. પછી તેણે વિચાર્યું કે મનુષ્ય વસ્ત્ર વિના જ જન્મે છે અને વસ્ત્ર વિના ચાલ્યો જાય છે. આમ વિચારીને તેણે પોતાનું ઉત્તરીય – ધોતી ભગવાન બુદ્ધના ચરણોમાં નાંખી દીધી. ભગવાન બુદ્ધે નિરંજનને પૂછ્યું – “પુત્ર ! તને તારું વસ્ત્ર આપવામાં કષ્ટ તો નથી થયું ને ?” નિરંજને ઉત્તર આપ્યો – “ભગવાન ! થોડું કષ્ટ તો થયું પણ આપવાના ભાવથી જે સંતુષ્ટિ મળી તેણે પહેલાં જન્મેલા લોભનું સંવરણ કરી લીધું.” ભગવાન બુદ્ધ બોલ્યા – “એક વસ્ત્રના ત્યાગે તારા મનમાં સંતુષ્ટિને જન્મ આપ્યો તો વિચાર જે કે જો સર્વસ્વ પ્રભુને અર્પિત કરી દઈશ તો કેટલી ગહન સંતુષ્ટિ જન્મ લેશે.” નિરંજનને જીવન જીવવાનો મૂળ મંત્ર મળી ગયો હતો. એટલે કે આખો સંસાર રચાયો…! હોય તો છોડી પણ શકાય. ઉત્તમ સંતાનને જન્મ આપવા ઈચ્છતા સ્ત્રી-પુરુષે સંસાર છોડવાની કલા શીખવી જોઈએ…!

Leave a Reply