(ગર્ભ – સંસ્કાર – ૧૦) દુઃખને ધીરજપૂર્વક સહન કરવું જોઈએ…

માણસના જીવનમાં સુખની પળો આવે ત્યારે તે છકી જાય છે, કારણ કે સુખી છે, એવો ખ્યાલ તેના અહંકારમાં વધારો કરે છે. તે વખતે એ વાતનું ભાન પણ નથી રહેતું કે સમયની એક આંધી એના જીવનને તબાહ કરી શકે છે. સુખ પચાવવા માટે પ્રાથમિક આવશ્ક્યતા છે સંયમ, આત્મનિગ્રહ અને નમ્રતા. છીછરા લોકો સુખ નહીં પચાવી શકવાને કારણે ઉદ્ધત, અભિમાની અને સ્વચ્છદી બની જાય છે. જેમ જેમ તેના જીવનમાં સુખની વૃદ્ધિ થાય તેમ તેમ તેનો અહમ વધવાને કારણે તે બીજાને તુચ્છ માને છે, બીજાની ઉપેક્ષા કરે છે અને નાના-નાના કારણોસર બીજાને અપમાનિત કરે છે.
માણસના જીવનમાં આવેલી દુઃખની ક્ષણો તેની પાસેથી શાંતિ, આરામ, આનંદ અને સહિષ્ણુતા છીનવી લે છે. અન્યને સુખી જોઈ દુઃખી માણસ પોતાને અભિશપ્ત કે કમનસીબ ગણે છે. પરિણામે દુઃખો દૂર કરવા ભગવાન પાસે કાકલૂદી કરે છે. અંધવિશ્વાસનો ભોગ બની મંત્ર-તંત્ર, મેલી વિદ્યા વગેરેનો આશરો લે છે. દુઃખથી દાઝેલા માણસની વિવેક દ્રષ્ટિ મરી પરવારે છે અને ગમે તેવું અનુસુચિત કાર્ય કરતાં અચકાતો નથી ! ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ “અનાસક્ત જે નહીં ક્યાંય, મળે કાઈ શુભાશુભ”નું તત્વ જ્ઞાન એ ધ્યાનમાં લેતો નથી.
સુખ મળતાં માણસમાં મોટા દેખાવાના કોડ જાગે છે. તેથી પાર્ટીઓ, ભોજન સમારંભો, જન્મદિન ઉજવણી વગેરે દ્વારા પોતાની સંપત્તિનું પ્રદર્શન કરે છે. પૈસે-ટકે સુખી હોય તો દાન આપી પોતાના નામની તકતીઓ, ફોટાઓ વગેરે મુકાવી પોતાના અહંકારને થાબડે છે. પાંચમાં પુજાવું, ચુંટણીઓમાં ચુંટાઇને અગ્ર સ્થાન મેળવવું, સમારંભોમાં મુખ્ય મહેમાન બનવું, દાન આપી સન્માનિત થવું – વગેરે સુખ કે અમીરી નહીં પચાવી શકવાના પ્રદર્શનો છે.
શાસ્ત્રોમાં છ પ્રકારના સુખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે – નિરોગી હોવું, કરજદાર ના હોવું, વિદેશમાં રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાવી, સગા-સબંધીઓ સાથે સુમેળ, આર્થિક સ્વાવલંબન અને ભયમુક્ત જીવન. તેની સાથે માનસિક શાંતિ આવશ્યક છે. પૈસો કમાવાની સાથે સાથ ટેક્સ ભરવાની જવાબદારીઓ, ધીરેલા પૈસા ડૂબવાની ચિંતા વગેરે માનસિક શાંતિ હણનારી શક્યતાઓ પણ રહેલી છે. સુખને કારણે માણસ કે તેના પરિવારજનો પૈસાની બાબતે ઉડાઉ બની જાય એવું પણ બની શકે. ઘરના લોકો સુખી દેખાવા મોંઘીદાટ ગાડીઓ, અને સ્ત્રીઓ આભૂષણો તથા વસ્ત્રો થકી પોતાનો વાટ પાડવાની વૃત્તિથી પણ અલિપ્ત રહી શકતી નથી. માણસના જીવનમાં દુઃખો દ્વારા આકરી કસોટીની પળો સર્જાઈ હોય અને ત્યાર બાદ આકસ્મિક રીતે સુખોનું આગમન થાય ત્યારે માણસ એ સુખો પચાવી શકતો નથી અને ધનિક કે સુખી દેખાવાના આડંબરનો ગુલામ બને છે.
હકીકતમાં માણસે સુખને પચાવવું હોય તો સંતોષી બનવું પડે, લોભનો ત્યાગ કરવો પડે, મોહનો શિકાર બનવાની વૃત્તિ પર નિયંત્રણ રાખવું પડે. સુખ વિલાસવૃત્તિ પર નિયંત્રણ રાખવું પડે. સુખ વિલાસવૃત્તિને ઉત્તેજિત કરે છે, પરિણામે માણસ સંયમહીન બંને છે અને અંતે તેનો સ્વેછાચાર જ દુઃખનું નિમિત્ત બંને છે.
સંત તિરૂવલ્લુવરે કહ્યું છે કે સુખની ઈચ્છા હોય તો બધી જ વસ્તુઓ હોવા છતાં તેનાથી અલિપ્ત રહો. એવી માનસિકતા જ તમારે માટે બીજા અનેક સુખોનું કારણ બનશે માણસ કેવળ પાર્થિવ – ભૌતિક સુખોને જ સર્વસ્વ માને છે પરંતુ સુખનું ખરું અને સાચું કેન્દ્ર આત્મિક સુખ છે. કોઇકે પાંચ પ્રકારના સુખો ગણાવતા ગાયું છે :-
“પ્રથમ સુખ નિરોગી કાયા,
દૂસરા સુખ હો ઘર મેં માતા,
તીસરા સુખ કુલવન્તી નારી,
ચૌથા સુખ સુત (પુત્ર) આજ્ઞાકારી,
પંચમ સુખ હો વાસ સુવાસી,
છઠવા સુખ હો પંડિત પાસા”
એટલે માણસ કેવળ પૈસા થકી પ્રાપ્ત થયેલા કે થનાર સુખોને જ સુખ માને છે. સુખ બહાર નથી પણ સુખનો સાગર અંદર રહેલો છે. જેમ સુવાસ કસ્તૂરી મૃગની નાભિમાં હોવા છતાં તે બહાર સુવાસને શોધવાનો પ્રયત્ન કરે છે, તેમ મૂર્ખ માણસ પણ સુખને અંદર શોધવાને બદલે બહાર તેને પામવાનાં ફાંફાં મારે છે.
દુઃખને પચાવી જાણનાર માણસે ધૈર્યહીન અને સહનશીલતાશૂન્ય બની બહાર રોદણા રડવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે તમે જેની જેની સમક્ષ રોદણા રડશો તે લાગણીશીલ, ભાવનાશીલ અને સંવેદનશીલ હશે, તેની શી ખાત્રી ? ભર્તુહરિએ એક શ્લોકમાં આ વાત સરસ રીતે સમજાવી છે. આકાશમાં અનેક વાદળો હોય છે પણ તે વરસતા નથી. કેટલાંક ખાલી ગર્જના કરતા હોય છે. એટલે જેને – જેને તું જુએ તેની આગળ દુઃખોના રોદણા રડવાનું બંધ કર. હકીકતમાં આજના માણસમાં સહિષ્ણુતા ઘટી છે.
દુઃખ પચાવવા માટે સકારાત્મક અને શ્રદ્ધાયુક્ત દ્રષ્ટિકોણ જરૂરી છે. દુઃખ એ કાયમ રહેનારી વસ્તુ નથી, દુઃખના અંધકાર પાછળ સુખનું કિરણ પ્રગટ થવા પ્રતીક્ષા કરતું જ હોય છે એટલે ભકત નરસિંહ મહેતા “સુખ-દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે રે ઘડીઆં” કહી કોઈના ટાળ્યા ટાળી શકાતાં નથી – એ વાત ભારપૂર્વક અને અનેક ઉદાહરણો સહિત સમજાવે છે. ગગનમાં ઘેરાએલાં વાદળો વિખરાઈ જવાનાં જ છે એમ માની દુઃખને જીરવવું જોઈએ. આપણાં દુઃખોનું કારણ રાગાત્મકતા છે. જેટલા અંશે તમે ત્યાગપ્રિય બનો તેટલા અંશે જીવનમાં હળવાશ અનુભવી શકો.
“બુદ્ધ ચરિત્ર”માં અશ્વઘોશે એ વાત સમજાવી છે કે આ જગતમાં સર્વલોકો હાનિ-લાભનાં દ્વંદ્વમાં સપડાએલા છે એટલે આ પૃથ્વી પરનો કોઈ પણ માણસ એકલો સુખી કે એકલો દુઃખી જોવા મળશે નહીં મતલબ કે સુખી માણસને પણ વિવિધ પ્રકારના દુઃખોનો સામનો કરવો પડતો હોય છે અને દુઃખી માણસના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક સુખની એકાદ ક્ષણ પણ પડેલી હોય છે.
આમ સુખી માણસ પોતાના ધન-વૈભવ-હોદ્દો-સત્તા વગેરેના પ્રદર્શનના લોભથી મુક્ત થઈ શકતો નથી અને દુઃખી માણસ ધૈર્ય અને સહિષ્ણુતાના અભાવે દુઃખ પરત્વે નિરાશાજનક દ્રષ્ટિકોણ રાખી દુઃખનું પ્રદર્શન કરવા લલચાય છે.
તમે ઈચ્છો કે ન ઈચ્છો, દુઃખ તમારો પીછો છોડવાનું નથી, તો પછી હસતાં હસતાં દુઃખનો સામનો શું કામ ન કરવો ? દુઃખને ધીરજપૂર્વક સહન કરવું જોઈએ… દુઃખોની શરણાગતિ ન સ્વીકારવાની અને દુઃખની જેમ જ સુખમાં પણ સાવધાનીપૂર્વક જીવવું જોઈએ એ વાત સંતાન ગર્ભમાં હોય ત્યારે જ સમજદાર સ્ત્રી-પુરુષ સમજાવે તો…!

Leave a Reply