હરિ ૐ સંદેશ

માણસ વાવે તેવું લણે આ તથ્યને કર્મો સાથે જોડવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ કર્મો ત્રણ પ્રકારના છે. (૧) ક્રિયામાણ (૨) સંચિત કર્મ અને (૩) પ્રારબ્ધ કર્મ. રોજ-બરોજનું માણસનું જીવન કર્મમુકત રહી શકતું નથી. સારા કે નરસા કર્મો માણસ દ્વારા થાય છે. એ ક્રિયામણ કર્મો સંચિત એટલે કે એકત્રિત થાય છે. એવા જન્મ-જન્માંતરથી સંચિત થયેલા કર્મોનો જે ભાગ માણસને વર્તમાન જીવનમાં ભોગવવા પડે છે એ પ્રારબ્ધ કર્મ છે. આવા પ્રારબ્ધ કર્મો સુખદાયક હોય અને દુઃખદાયક પણ… કર્મના ચક્રનું રહસ્ય કોઈ જાણતું નથી. એટલે દુઃખ આવે ત્યારે માણસ પ્રારબ્ધ કે નસીબને ભાંડે છે પરંતુ સુખ આવે ત્યારે એ સુખો પ્રારબ્ધને બળે સાપડયા છે એવું યાદ રાખતો નથી. માણસ જે સુખો ભોગવે છે તે પૂર્વે કરેલાં સત્કર્મોનું ફળ છે અને દુઃખો ભોગવે છે એ પણ પૂર્વ જન્મના કૃત્યોનું ફળ છે એટલે દુષ્ટને પણ તાત્કાલિક દુઃખો ન પણ ભોગવવા પડે કારણ કે તેના પૂર્વ જન્મના સત્કૃત્યો તેને વર્તમાન સમયમાં સુખદાયક રહેવાના. એટલે કર્મના સિદ્ધાંત મુજબ માણસ કરશે તેવું તરત જ પામશે, તેવું ન પણ બને, પણ કર્મ એનો પીછો છોડતું નથી. અને એ કર્મોનું સુખદ કે દુઃખદ પરિણામ ગમે તે જન્મમાં ગમે તે તબક્કે ભોગવવાનો વારો આવે જ એવું કર્મસિદ્ધનું અર્થઘટન છે.

Leave a Reply