હરિ ૐ સંદેશ

ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક “લાઓત્સે” વિશેષણનો અર્થ પ્રાચીન ગુરુ થાય છે. લાઓત્સેનું ખરું નામ “લી” હતું અને તેઓ કોન્ફ્યુશિયસ પહેલા લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા.
આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સોક્રેટિસની માફક જે ઉપદેશ આપ્યો અને તેનું આચરણ કરી બતાવ્યું અને જેનું આચરણ કર્યું, તેનો જ ઉપદેશ આપ્યો.
લાઓત્સે વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્વ વિષે વિચાર કરતા હતા, એવામાં એક પહેલવાન એમની પાસે આવી પહોંચ્યો. પહેલવાને જોયું તો લાઓત્સેનું શરીર ઘણું મજબૂત હતું એટલે એને મન થયું કે આને કુસ્તી કરીને પછાડી દઉં તો જ હું ખરો પહેલવાન… એને બિચારાને લાઓત્સેના જ્ઞાનની કશી ખબર નહોતી. એટલે એણે તો આવીને લાઓત્સેને પડકાર ફેંક્યો કે “મારે તમારી સાથે કુશ્તી ખેલવી છે અને તમને ચિત કરી દેવા છે.”
લાઓત્સેએ વિચાર્યું કે આ માણસને બીજાને ચિત્ત કરવામાં બહુ આનંદ આવે છે. બાકી આવી રીતે કોઈને પછાડીએ તો મળે શું ? એમણે વિચાર્યું કે ભલે આ બિચારો મને પરાજિત કરીને વિજયનો આનંદ માણે.
લાઓત્સે એની સાથે કુસ્તી ખેલવા માટે ઊભા થયા અને પછી અખાડામાં જઈને જમીન પર સૂઈ ગયા અને કહ્યું, “ચાલ, હવે મારી છાતી પર બેસી જા. વિજેતા બન. તું જીત્યો.. અને હું હાર્યો..”
પહેલવાન તો આ સાંભળીને પરેશાન થઈ ગયો. આવી તે કઈ કુશ્તી હોય ? એણે કહ્યું કે “મારે તમને હરાવવા છે.”
ત્યારે લાઓત્સેએ ઉત્તર આપ્યો, “અરે ભાઈ ! વિજયની ઈચ્છા થવી એ જ દુઃખનું મૂળ છે. જે ઈચ્છાને જીતે છે એના જેવો બીજો કોઈ સુખી નથી અને જેનામાં બીજાને પરાજય આપીને વિજય મેળવવાની ઈચ્છા પ્રબળ છે, એના જેવો બીજો કોઈ દુઃખી નથી.”

Leave a Reply