હરિ ૐ સંદેશ

આ જગતમાં અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખાય છે. દરેકના શરીર, અંગોપાંગ, રંગ, બુદ્ધિ જુદાં જુદાં છે. એક જીવ સુંદર પલંગમાં પુષ્પ શય્યામાં શયન કરે છે. એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક જાત જાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે, એક લાખોપતિ છે, એક ઘેર ઘેર ભીખ માંગે છે, એક મધુરાં વચનો બોલે છે, એક મૂંગો છે, એકને સુંદર વસ્ત્રાલંકાર પ્રાપ્ત થાય છે. એકને ઠંડીમાં ઓઢવા ગોદડી પણ મળતી નથી. એક અનેક પ્રકારના રોગોથી ઘેરાયેલો છે, એક નીરોગી છે, એક બુદ્ધિશાળી છે, એક મંદબુદ્ધિવાળો છે, કોઈ અંધ છે, કોઈ લૂલો છે, એકની કીર્તિ ચોમેર ફેલાયેલી છે, તો એક અપયશ ભોગવે છે, એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે, એક સુખી છે, એક દુઃખી છે, કોઈ જન્મીને તરત મૃત્યુ પામે છે, તો કોઈ સો વર્ષનું આયુષ્ય ભોગવે છે. મૂર્ખ રાજગાદી પર બેસે છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે…
ઉપરોક્ત વિભિન્નતાઓ જીવે પૂર્વભાવોમાં બાંધેલાં જુદાં જુદાં કર્મોની વિચિત્રતાઓનાં ફળરૂપે બને છે. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે જોતા હકીકત એ છે કે પોતાના બાંધેલાં શુભ – અશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે.
પોતે કરેલાં શુભ – અશુભ કર્મોનું ફળ જીવને અવશ્ય મળે છે. આ કર્મ સિદ્ધાંત સર્વે આસ્તિક દર્શનકારોએ સ્વીકાર્યો છે. આ કર્મ સિદ્ધાંત આધ્યાત્મ-માર્ગની કરોડરજ્જૂ સમાન છે. કરોડો સદીઓ વીતી જાય તો પણ કરેલું કર્મ સ્વયં છૂટતું નથી, શુભ કે અશુભ જે કર્મ જીવે કર્યું હોય તેનું ફળ જીવે ભોગવવું પડે છે.
“રામ ઝરુખે બૈઠકે, સબકા મુજરા લેત,
જૈસી જિનકી ચાકરી, વૈસા ઉનકો દેત.”
જીવને કર્મ બંધન થવાનું મુખ્ય કારણ તેની પોતાની વિચારધારા (ઉપયોગદશા) છે. જે મનુષ્ય જેવા અભિપ્રાયથી જેવા ભાવ કરે તે જીવને તેને અનુરૂપ કર્મબંધ થાય છે. જો કે કર્મબંધનું નિયામક કારણ અંતરના ભાવ છે. તો પણ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ તેમાં સહકારી કારણરૂપ હોય છે. કર્મબંધના મુખ્ય પાંચ કારણો શાસ્ત્રોમાં બતાવ્યા છે. મિથ્યાત્વ (અજ્ઞાન), અવિરતિ (અસંયમ), પ્રમાદ, ક્ષય (ક્રોધ-માન-માયા-લોભ), યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ).
કર્મને યોગ્ય સૂક્ષ્મ રજકણો (કાર્મણ વર્ગણાઓ) આ જગતમાં સર્વત્ર ભરેલાં છે. જયારે જીવ કર્મબંધના કારણોને સેવે છે, ત્યારે તે જીવે તે કાર્મણવર્ગણાઓ કર્મરૂપે પરિણમોને આત્મા સાથે એકક્ષેત્રાવગાહે ચોટી જાય છે. આ કર્મોનો ઉદય થતા જીવને સુખ કે દુઃખરૂપ પરિણામ આપે છે. કર્મના રજકણો જીવના ભાવને અનુરૂપ અમુક જાતનું સ્વરૂપ લઈને જીવ સાથે ચોંટી જાય છે. જેમ કે જ્ઞાનને રોકનારા, શક્તિને રોકનારા, દર્શનને રોકનારા (પ્રકૃતિબંધ) કર્મના રજકણોની અમુક કાલ સુધી રહેવાની સમયમર્યાદાને સ્થિતિબંધ કહે છે. તે રજકણોમાં અમુક પ્રમાણમાં આત્માની શક્તિને રોકવાની તાકાત હોય છે (અનુભાગબંધ) તે કર્મરજ અમુક સંખ્યામાં આત્મા સાથે બંધનને પામે છે તેને પ્રદેશ બંધ કહે છે.
કર્મની વિચિત્રતાઓ જુઓ ! અર્ધી દુનિયાને યુવાવયમાં જીતી લેનાર નેપોલિયનને એકાકી, નિર્જન ટાપુ પર કેન્સરની બીમારીથી મૃત્યુને વશ થવું પડ્યું. પાંડવોને ૧૩ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. જેની વિશાળ રાજ્ય પર સત્તા વર્તતી હતી તે મહમદ ગઝનીના જીવનના છેલ્લા દિવસો પાગલપણામાં નજરકેદની અવસ્થામાં વીત્યા. સંત જ્ઞાનેશ્વર, શ્રીમદ્દ રામચંદ્રજી, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ જેવા મહાત્માઓનું યુવાવસ્થામાં જ મૃત્યું થયું.
એક સંત અને શિષ્ય વિહાર કરી રહ્યા હતા. રસ્તાની બાજુમાં એક ઘાયલ સાપ તરફડતો હતો અને હજારો કીડીઓ તેને ચટકા ભરી રહી હતી. સાપની દયનીય દશા જોઈ શિષ્યએ કહ્યું – “બિચારો, કેટલો દુઃખી છે !”
ગુરુજી “ ભાઈ ! શું થાય, દરેકને પોતાના કરેલાં કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
શિષ્ય : આ સાપે એવું તે શું પાપકર્મ કર્યું હશે ?
ગુરુજી : જો તને યાદ હોય તો થોડા મહિના પહેલા આપણે આ તળાવ પાસેથી પસાર થયા હતા ત્યારે એક માછીમારને મેં માછલીઓ મારતાં રોક્યો હતો.
શિષ્ય : હા, ગુરુજી, તેણે તો તમારી વાતની હાંસી ઉડાવી હતી.
ગુરુજી : તે માછીમાર મરીને આ જન્મમાં સાપ થયો છે અને પેલી માછલીઓને કીડીઓનો અવતાર મળ્યો છે, જેથી તે બધી સાપને ચટકા ભરીને દુઃખી કરે છે.

Leave a Reply