હરિ ૐ સંદેશ

પોતાનું જે નથી, એની આપણે કેટલી બધી સંભાળ રાખીએ છીએ ? પળે પળે પંપાળીએ છીએ. ક્ષણે ક્ષણે એને જોઈએ છીએ. આપણું મોટા ભાગનંબ જીવન એની આસપાસ ફેરફૂદરડી ફરતું હોય છે. આ છે આપણું શરીર, જે હકીકતમાં આપણું પોતાનું નથી. અને છતાં આપણે એને પોતાનું જ માનીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ કે શ્રીમદ્દ રામચંદ્રજીનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે એમણે પોતાનું નથી એવા શરીરની દરકાર રાખવામાં સમય વેડફ્યો નથી.
આ શરીર સતત પરિવર્તન પામતું હોય છે. આપણે જ આપણા બાળપણના શરીરનો વિચાર કરીએ. કેવી ખેલકૂદ કરતા હતા. તસતસતી યુવાની આવી ત્યારે શરીર કેવું ઉછાળા મારતું હતું અને બુઢાપો આવતા એ શરીર કેવું શિથિલ બની જશે અને એની કેટલીય સમસ્યાઓથી આપણે ઘેરાઈ જઈશું.
ક્યારેય ગંભીર બિમારી તો ક્યારેક અણધાર્યો અકસ્માત એ શરીરને વળી નવી કફોડી પરિસ્થિતિમાં મૂકે છે. પણ જરા વિચાર કરો કે જન્મ્યા ત્યારે શરીર કેવું નાનું અને પાતળું હતું. પછી કેવું મોટું થતું ગયું અને બુઢાપામાં કેવું ગળતું ગયું ! એ જ પગ બાળપણમાં કુદકા મારતા હતા… યુવાનીમાં છલાંગ ભરતા હતા અને બુઢાપામાં દુઃખાવાથી કણસે છે !
જે પોતાનું નથી એને એવું તો પોતાનું માન્યું છે કે કલ્પના ન કરીએ. એ શરીરના આરંભનું કારણ માતા-પિતા છે અને શરીરને જાળવ્યા પછી એનો અંત અગ્નિમાં ખાખ થવા કે માટીમાં દટાઈ જવાનો છે. એ પછી ધરતી પર ધૂમતું હતું, એ શરીર સાવ અદ્રશ્ય થઈ જાય છે. બહુ બહુ તો તમને એ થોડા છૂટા છવાયા અસ્થિ અને રાખ રૂપે મળે છે, પણ છતાં એ શરીરનો રાગ કેટલો બધો. આથી જ સંતોએ (સાચા સંતોએ એમ વાંચવું) દેહનું આસના-વાસનાને બદલે આત્માની સંભાળ લીધી છે.

Leave a Reply