કાન જ એ રસ્તો છે…!

ટેકનોલોજી જીવનને સરળ બનાવવા માટે રોજ કાંઈ ને કાંઈ નવું ઘડી રહી છે. મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ એપ્સ અને ટેલીવીઝન સેટ્સ વગેરેમાં દિન પ્રતિદિન એવો બદલાવ થઈ રહ્યો છે જેણે આપણી જીવન જીવવાની રીત જ બદલી નાંખી છે. આ બધાને કારણે આપણી કામ કરવાની ઝડપ વધી છે, હવે કલાકોમાં પૂરા થનારાં કામ મિનિટોમાં થવા લાગ્યા છે. માહિતી ક્રાંતિના આ કાળમાં જાણકારીઓ બહુ સરળતાથી ઉપલબ્ધ છે. નાનકડો મોબાઈલ ફોન પણ આજે સંચારનું એક એવું સાધન છે જેમાં ગીત-સંગીત, ફોટો, વીડિઓ અને માહિતીઓનો મોટો ભંડાર બની શકે છે. આજકાલ પેમેન્ટથી લઈને ઓનલાઈન શોપિંગ અને બુકિંગ બધું મોબાઇલ પર થવા લાગ્યું છે. મોબાઇલ ફોન ધીરે ધીરે વધુને વધુ સગવડતાઓ સાથે જોડાવા લાગ્યા છે. આ તો ટેકનોલોજી સાથે જોડાયેલ સારી હકીકત છે, પણ તેનો એક એવો પણ આયામ છે જે આપણા માટે નુકસાનકારક છે અને તેની જાણકારી આપણને હોવી જોઈએ.
આજની પેઢીને “મલ્ટીમીડિયા જનરેશન” કહેવાય છે કારણ કે અહીં દરેક જણ કોઈને કોઈ ગેઝેટ મેળવવા ઉત્સુક છે. આઈપોડ, હેન્ડસેટ, ટી.વી., વિડીયો ગેઈમ અને બીજા કેટલાંય ગેઝેટ સાથે લોકો કલાકો સુધી પોતાનો સમય વિતાવે છે. આના વધતા જતા ઉપયોગને કારણે શરીર પર કેટલાય નકારાત્મક પ્રભાવ પણ પડી રહ્યા છે, જેવા કે ડ્રાયઆઈ, કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, કમર અને ગરદનમાં દુઃખાવો થવો વગેરે.
ગેઝેટ્સ આજકાલ આપણા જીવનનો ભાગ બની ચૂક્યા છે, પરંતુ ધીરે – ધીરે આપણી તંદુરસ્તીને જ અસર કરી રહ્યા છે. યુવા પેઢી આજે આ સાધનો પ્રત્યે અત્યંત આકર્ષિત છે અને તેનાથી થોડીક ક્ષણો માટે પણ તે દૂર થવા નથી માંગતી. નવરાશના સમયે મોબાઈલ પર વાતો કરવી, ગેમ રમવી, માહિતી મેળવવી, ફોટો કે વીડિયો શૂટ કરવા કે પછી સંગીતનો આનંદ લેવો, જેવાં કે અનેક એવાં કામ છે જેમાં તલ્લીન માણસો જ્યાં અને ત્યાં ઊભેલા જોવા મળે છે.
આજકાલ બધી જગ્યાએ સંગીતપ્રેમી લોકો કાનમાં હેડફોન કે ઈયરફોન લગાડેલા જોવા મળે છે, પછી તે મેટ્રો, બસ, ટ્રેન, કાર ને ત્યાં સુધી કે સાઈકલ ચલાવનાર પણ કેમ ન હોય તેના કાનમાં ઈયરફોન લગાડેલા જોવા મળી જ જાય છે. તેઓ એ વાતથી બેપરવાહ રહે છે કે આ ગેઝેટ્સ તેમની હેલ્થને, તેમની સાંભળવાની શક્તિને કેટલું નુકસાન પહોચાડે છે તથા તેની સાથેસાથે રસ્તા પર બનતી દુર્ધટનાઓની શક્યતાઓ પણ કેટલી વધારી દે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ.એચ.ઓ. ના એક રિપોર્ટ યુવા પેઢીને એ ચેતવણી આપી છે કે તે બ્લ્યુ ટુથ, ઈયરફોન કે હેડફોનનાં વધુ પડતા વપરાશથી બચે. તેમના રિપોર્ટ અનુસાર દુનિયામાં ૧.૧ અબજ યુવાનો મોટા અવાજની ટેવને કારણે બહેરાશનો શિકાર થઈ રહ્યા છે તેથી એ સાવધાની રાખવી જરૂરી છે કે લોકો ઈયરફોનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાની ટેવ પાડે. જે લોકો કોલસેન્ટર કે એવી જગ્યાએ કામ કરે છે, જ્યાં હેડફોન જરૂરી છે, તો ત્યાં દરેક કલાકે ઓછામાં ઓછો પાંચ મિનિટ બ્રેક જરૂર લેવો જોઈએ. સાથે સાથે સારી ગુણવત્તાના હેડફોન કે ઈયરફોનનો જ ઉપયોગ કરે. ઈયરબડને બદલે ઈયરફોનનો ઉપયોગ કરે કારણ કે તે બહારના કાન પર લગાડવામાં આવે છે.
શોધ અનુસાર ઈયરફોનના સતત ઉપયોગથી વ્યક્તિની સાંભળવાની શક્તિ ૪૦ થી ૫૦ ડેસિબલ જેટલી ઓછી થઈ જાય છે. તેનાથી કાનના પડદા હલવા લાગે છે અને જેનાથી દૂરનો અવાજ સાંભળવામાં મુશ્કેલી થાય છે. ત્યાં સુધી કે એનાથી બહેરાશ પણ આવી શકે છે. આપણા દેશમાં ૫૦ ટકા યુવાનોમાં કાન સબંધી સમસ્યાઓનું કારણ ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ છે. ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી કાનમાં દુઃખાવો, માથાનો દુઃખાવો કે અનિદ્રા જેવી સામાન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
હેડફોન કે ઈયરફોન બનાવનાર કંપનીઓ આજકાલ સારા પરિણામના ચક્કરમાં એવી રીતે ઉપકરણ તૈયાર કરે છે, જેનાથી શ્રોતા બહારની દુનિયા સાથે કપાઈ જાય અને તેને સંગીતનો આનંદ અવરોધ વિના મળે. પરંતુ આ ઉપકરણો દ્વારા જયારે કાન આખેઆખા બંધ થઈ જાય છે, તો તેની અંદર હવા જઈ શકતી નથી અને તેનાથી કાનમાં ચેપ લાગવાનો ભય વધી જાય છે. જે લોકો આ રીતે ઉપકરણોનો બહુ ઉપયોગ કરે છે, તેમના કાનમાં ઈયરવેક્સ બને છે, જેનાથી કાનમાં ટીનિટસ (કંઇક વાગવાનો અવાજ) નો ભય વધી જાય છે. ઈયરફોનના વધુ પડતા ઉપયોગથી કાન ખોટા પડી જવાનો પણ ભય રહે છે.
ઈયરફોન અને હેડફોનના વપરાશથી જે તરંગો પેદા થાય છે તેની સીધી અસર આપણા મગજ પર પડે છે. આપણા કાનનો અંદરનો ભાગ સીધો મગજ સાથે જોડાયેલો હોય છે, તેથી કાન કે પડદા અસરગ્રસ્ત થવાની સ્થિતિમાં મગજ પર તેની ઘાતક અસર પડે છે. જે વ્યક્તિ મોટા અવાજે ગાયન કે સંગીત સાંભળવાનું પસંદ કરે છે, તેમને મગજ સબંધી ફરિયાદો જેવી કે – માથાનો દુઃખાવો, ચક્કર વગેરે થઈ શકે છે, સાથેસાથે એવા લોકોમાં હૃદયરોગ અને કેન્સરનો ભય પણ વધી જાય છે. મોટો અવાજ આપણા કાનના બહારના ભાગના પડદાને નુકસાન પહોંચાડવા સાથે અંદરના કોષોને પણ હાનિ પહોંચાડે છે.
વૈજ્ઞાનિકોના મતે મનુષ્યના કાન સામાન્ય રીતે ૬૫ ડેસિબલ સુધીનો અવાજ જ સહન કરી શકે છે, પરંતુ ઈયરફોન પર જો ૯૦ ડેસિબલનો અવાજ ૪૦ કલાકથી વધારે સાંભળવામાં આવે તો તેનાથી કાનની નસો પૂરેપૂરી મૃત થઈ જાય છે. વૈજ્ઞાનિકના મતે ઈયરફોનના વધારે ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જેમાં કાનમાં છમછમ અવાજ આવવો, ચક્કર આવવા, ઝણઝણાટી, અનિદ્રા, માથામાં અને કાનમાં દુઃખાવો વગેરે મુખ્ય છે. સમય જતાં એવી વ્યક્તિઓ મોટા અવાજ જ સાંભળી શકે છે, તેમની અવાજમાં ભેદ પાડવાની ક્ષમતા પર પણ અસર થાય છે, જેને કારણે ચાલતાં ચાલતાં કે ગાડી ચલાવતા દુર્ઘટનાનો શિકાર થવાની શક્યતા રહે છે.
દુર્ઘટના સાથે સબંધિત કેટલીક એવી ઘટનાઓ જોવામાં આવી છે કે જેમાં બનાવનું કારણ ઈયરફોનનો ઉપયોગ હોય, જેના કારણે વ્યક્તિ પાછળથી આવતા અવાજો ન સાંભળી શકે અને દુર્ઘટનાનો શિકાર થઈ જાય…! ભારતીય રેલવેના અધિકારીઓનું પણ એમ કહેવું છે કે ટ્રેક પર અકસ્માતનો શિકાર થનારામાં મોટી સંખ્યામાં એ લોકો હોય છે જે કાનમાં ઈયરફોન લગાડીને પાટા પર કે તેની નજીક ચાલતા હોય છે. મનોવૈજ્ઞાનિકો બ્લ્યુટુથ, હેડફોન કે ઈયરફોન લગાડીને ચાલનારાને માનસિક અસ્થિરતાનો શિકાર જણાવે છે, તેમણે તેને ઈનઅટેન્શનલ બ્લાઈન્ડનેસનું નામ પણ આપ્યું છે. આ રીતે વહેંચાયેલા ધ્યાનને કારણે રસ્તા પર પણ લોકો અકસ્માતનો શિકાર થઈ જાય છે જેમાં યુવાનોની સંખ્યા વધુ છે.
ઘણા લોકો ઈયરફોન કે હેડફોન લગાડીને સંગીત સાંભળતાં સાંભળતા સૂઈ જાય છે, એ કાન માટે એથીય વધુ નુકસાનકારક છે. તેનાથી વ્યક્તિને ગાઢ ઊંધમાં જવામાં અવરોધ આવે છે, સાથેસાથે વ્યક્તિ તેના કારણે લાંબા સમય સુધી રેડિયેશનના સંપર્કમાં રહે છે, જેનાથી કેન્સરનો ભય વધી જાય છે. વિશેષજ્ઞોનું એવું માનવું છે કે આ રીતના ગેઝેટ્સનો ઉપયોગ ૩૦ મિનિટથી વધારે ન કરવો જોઈએ, અને મોટા અવાજમાં ન સાંભળવો જોઈએ. ૨૪ કલાકમાં ૧ કલાકથી વધારે ઈયરફોનનો ઉપયોગ ન કરવો જોઈએ અને કાન સબંધી કોઈ પણ જાતની તકલીફ થાય કે તરત જ ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહ માનવી જોઈએ. સાથેસાથે લાંબા સમય સુધી ફોન પર વાતચીત પણ ન કરવી જોઈએ.
કાન જ એ રસ્તો છે જેના દ્વારા આપણે અવાજ સાંભળી શકીએ છીએ, બીજાઓ સાથે સંપર્ક કરી શકીએ છીએ, જુદા જુદા પ્રકારના અવાજોનો ભેદ ઓળખી શકીએ છીએ. જો કોઈ કારણસર આપણી શ્રવણશક્તિને અસર થાય, તો જીવનભર આપણે સહન કરવું પડશે, તેથી કાનની સુરક્ષા માટે આપણે આ ઉપકરણોના ઉપયોગની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ અને સાવધાનીપૂર્વક જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply