એમાં વિકાસનો અવાજ રૂંધાય ગયો…!

હમણાં થોડા દિવસથી “વિકાસ”ને સરકારે વિરામ આપ્યો હોય અને એના સ્થાને જીએસટીને પ્રસ્થાપિત કર્યો હોય તેમ લાગે છે. હવે જ્યાં ને ત્યાં વિકાસના બદલે જીએસટીના ગાણા ગવાવા માંડ્યા છે. મદારી ગમે તેવા જાતજાતના ખેલ દેખાડે અને છેવટે કરંડિયામાંથી સાપને ના કાઢે ત્યાં સુધી એનો ખેલ પૂરો થયા નહિ ! બસ એજ રીતે પ્રસંગ ગમે તે હોય, વિષય અને મુદ્દો ગમે તે હોય છેવટે જીએસટીનો ઉલ્લેખ થાય થાય ને થાય જ ! એટલે જ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ જીએસટીનાં વખાણ વગર વકતવ્ય પૂરું ના થઈ શક્યું…!
છેક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ય જેના વખાણ કરવા પડે છે, એ જીએસટી મૂળભૂત વિચાર કોંગ્રેસનો અને કોંગ્રેસના શાસન દરમિયાન જીએસટીનો ખરડો રજૂ થયો ત્યારે તમે લોકોએ (ભાજપ એમ વાંચવું) બૂમરાણ મચાવી દઈને એ ખરડાને લોકસભામાંથી પસાર થતો તમે લોકોએ (ભાજપ એમ વાંચવું) અટકાવ્યો હતો ! યાદ છે ને ? હવે આજે એજ જીએસટીને લાડકવાયાની જેમ છાતીએ વળગાડીને દેશ-વિદેશમાં ફરવું પડે, એનું જ નામ થૂકીને ચાટવું કહેવાય ! પણ એવી લાગણીઓને વશ થવાનું એ તમે લોકોએ (ભાજપ એમ વાંચવું) શીખ્યા જ નથી…! એમણે (ભાજપ એમ વાંચવું) તો જીએસટીના નગારા એવા જોરશોરથી અને જુસ્સાથી વગાડવા માંડ્યા કે એમાં વિકાસનો અવાજ રૂંધાય ગયો…!

Leave a Reply