ઓહ શું, ધર્મ ! વાહ રે ગૌપ્રેમી સમાજ…!

એક આત્માને એક સમયે ફરતા ફરતા ધર્મ મંદિરની બહાર પાંચ પગવાળી ગાય જોવામાં આવી. ચાર પગવાળી ગાય તો સર્વત્ર જોવા મળતી, પણ પાંચ પગવાળી ગાય એણે પહેલી વાર નીરખી.
એ ગાયના શિંગડા પર સોનાની ખોળીઓ જડેલી હતી. પીઠ પર રેશમની ઝૂલ હતી. લીલા ઘાસનો મોટો ઢગલો એની પાસે પડ્યો હતો. ગાય ધરાયેલી હતી, છતાં ઘાસના એક પૂળાનો ભાવ એક ભારા જેટલો આપી, ભક્તો ગાયમાતાને જમાડતા હતા.
ભાવિકોની ભીડ જામી હતી.
“મા, કામધેનું, મા નંદિની !” એમ એ ગાયનો (પાંચ પગવાળી) જયજયકાર થતો હતો. ગેરુઆ કપડાં પહેરેલા ચાર તગડા સંન્યાસીઓ ત્યાં બેઠા હતા ને પાઈ-પૈસા લેતા હતા. ગુરુ લોભી અને ચેલા લાલચુ આ ઘાટ સર્વત્ર રચાયેલો હતો.
પેલા ભારતીય આત્માને કુતૂહલ થયું. એ ધર્મનિષ્ઠ આત્મા હતો, પણ એણે ધર્મ પરથી શ્રદ્ધાએ એની વિચાર શક્તિને હણી નહોતી. એણે તપાસ કરી. તપાસમાં એવું જાણવા મળ્યું કે,
“કોઈ ગાય પાંચ પગવાળી હોતી નથી આ લોકો ગાયની કાંધ છોલી નાખી, એમાં જીવતા વાછરડાના પગને જોડી દે છે. વાછરડું અપંગ બનીને કસાઈખાને જાય છે, ગાય પાંચ પગવાળી પૂજાય છે.”
ઓહ શું, ધર્મ ! વાહ રે ગૌપ્રેમી સમાજ…! પ્રવાસી આત્માની વેદનાનો પાર ન રહ્યો. ગાય તરફ અને ગાયના વંશજ તરફ બેવડી ઘાતકી ક્રિયા આચરવામાં આવે અને ગૌપ્રેમી હિંદુઓ તેની પૂજા કરે…?

Leave a Reply