ચતુર કરો વિચાર…!

પોતાનો જ એક્કો ખરો કરાવવા માટે પૂર્વજોની નિંદા કરવાનું, પૂર્વજોને બદનામ કરવાનું અને પૂર્વજોની લોકપ્રિયતા અને ઈમેજને ભૂલાવી દેવા અને ભૂંસી નાખવાનું કામ આજે પણ થઈ રહ્યું છે ! ગાંધી અને નહેરૂને ભુલાવી દેવા અને ભૂંસી નાખવાનું દુષ્કૃત્ય અત્યંત સભાનતાપૂર્વક થઈ રહ્યું છે અને અવિરત થઈ રહ્યું છે ! અને એ માટે વાચાળ પગારદાર પ્રવક્તાઓની એક આખી કેડર ઉભી કરવામાં આવી છે અને એ કેડર ઝનૂન અને તીવ્ર આક્રમકતા સાથે સોશ્યલ મિડિયા પર તૂટી પડી છે ! ગાંધી અને નહેરૂની નિર્દયતાપૂર્વક નિંદા થઈ રહી છે ! તાજો જ દાખલો છે, તાજેતરમાં જ નર્મદા ડેમના લોકાર્પણ પ્રસંગે નર્મદા યોજનાનો શિલાન્યાસ કરનાર નહેરૂનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નર્મદા યોજનાના વિરોધી એવા બાબા આમટે અને મેઘા પાટકરની સેનાને ગુજરાતમાં ના પ્રવેશવા દેવા માટે છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશ વચ્ચેની સરહદ પર ત્રણ દિવસ અને ત્રણ રાતો હજારો કાર્યકરોને ખડા કરી દેનાર…! અને બંધની ઉંચાઈ અને મહાકાય મુખ્ય કેનાલોનું નિર્માણ કરનાર પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને તો સાવ ભૂલાવી દેવાયા. ચિમનભાઈ પટેલ ચાલબાઝ માણસ હતા અને મુખ્યમંત્રી બનવા એમણે રમેલી રમતોને બાદ કરતાં કાર્યક્ષેત્રે પોતાનું કૌશલ્ય દાખવીને ગયા હતા. ગુજરાતભરમાં મહાકાય કેનાલો એમણે પાથરી દીધી હતી. આપણાથી પેટાકેનાલો પાથરવાનું કામ પણ થતું નથી…! નર્મદા ડેમનો લોકાર્પણ ચૂંટણીલક્ષી લાગે છે, કારણ કે બંધનું પાણી તો વીસ-પચ્ચીસ વર્ષથી કેનાલોમાં વહેતું થઈ ગયું છે, એ શું લોકાર્પણ વગર જ વહેતું થઈ ગયું ? નર્મદા ડેમનું પાણી પચ્ચીસ વર્ષ સુધી વહી ગયા પછી લોકાર્પણ કરવા પાછળ કઈ નિષ્ઠા કામ કરી ગઈ ? ચતુર કરો વિચાર…!

Leave a Reply