ફળની અપેક્ષા વિના કરતા કાર્યમાં સ્વયં પરમાત્માના હસ્તાક્ષર હોય છે…!

એક ઝેન ફકીર નદીમાં સ્નાન કરી રહ્યા છે, ત્યાં એમણે એક વીંછીને ડૂબતો જોયો. સંતનું હૃદય તો પ્રેમ અને કરૂણાથી સભર હતું. વીંછી જેવા ઝેરીલા જીવ પ્રત્યે પણ એમના મનમાં તિરસ્કાર કે ધૃણાની ભાવના ન હતી એટલે ઊંચકીને એને કિનારે મૂકવાના આશયથી એમણે હાથ લંબાવ્યો વીંછીએ ડંખ માર્યો તો પણ ડર્યા વિના ઊંચકીને એ કિનારા તરફ ચાલ્યા. રસ્તામાં વીંછીએ ત્રણ-ચાર વાર ફરી ડંખ માર્યો તો પણ આ ઝેન સાધુએ એને છોડ્યો નહીં અને કિનારે મૂકી દીધો. જેવો એમણે કિનારે મૂક્યો તેવો જ એ ફરી નદી તરફ દોડી જઈને ડૂબવા લાગ્યો…
આ રીતે વારંવાર કરવાથી સાધુનો હાથ ડંખના કારણે લીલા અને કાળા ચકામાંથી ભરાઈ ગયો. સંત તો વધુ સંવેદનશીલ હોય છે… (હાલના સંતની જેમ માફી આપનાર નહીં…! રામ-રહીમ, રામપાલ અને હોશો હરામ જેવા…) એટલે ડંખની પીડાય ઓછી નહીં હોય. આમ છતાં વીંછીની જીદ સામે એ ઝૂક્યા નહીં. કિનારે ઊભેલો એક બીજો માણસ આ જોઈ રહ્યો છે. સંતના હાથ પરના ચકામાં જોઈ એ બોલી ઊઠયો, હવે તો હદ થઈ ગઈ. છોડી દો સાલાને. ડૂબીને મરી જવાને જ એ લાયક છે. તમારા હાથ સામે તો જરા જુઓ. ઝેરથી એ કાળો પડતો જાય છે. પાગલની જેમ એને બચાવવાની શું તમે પણ જીદ લીધી છે ?
વીંછીને પકડી સંત નદીની બહાર આવ્યા અને થોડે દૂર મૂકી આવીને બોલ્યા _ “જીદનો આમાં સવાલ નથી, સ્વભાવનો સવાલ છે… વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. એ ડંખ ન મારે તો જ આશ્ચર્ય…! અને જો એ પોતાનો સ્વભાવ છોડવા તૈયાર નથી તો મારે શા માટે મારો સ્વભાવ છોડવો…? મારો સ્વભાવ પણ એને બચાવી લેવા માટે મજબૂર કરે છે. મારી આ જીદ નથી પણ પ્રેમ અને કરૂણાથી ભરેલા હૃદયની અવશતા છે, હું એ કરતો નથી પણ અનાયાસ મારાથી આ થઈ રહ્યું છે. વીંછી જેવો વીંછી પોતાના દુષ્ટ સ્વભાવને છોડવા તૈયાર નથી તો મને તો પરમાત્માએ જે આપ્યું તે અમૃત છે. ઝેરના ડરથી હૃદયમાં ભરેલા અમૃતને હું કેમ છોડી શકું ?
કરૂણા એ સંતનો સ્વભાવ છે. સંતો જે કાંઈ કરે છે તે નોબેલ પુરસ્કાર મેળવવા, મોટો કોઈ એવોર્ડ જીતવા કે “વાહ…વાહ…”ની વાસનાથી પ્રેરાઈને નથી કરતા. વાદળ જયારે પાણીથી ભરાઈ જાય તો એણે વરસવું જ પડે છે. એ એનો સ્વભાવ છે અને વાદળ ક્યાં એવો ભેદભાવ કરે છે કે નીચે પથરાળ જમીન છે કે ફળદ્રુપ ? પોતે સીંચેલા પાણીથી અંકુર ફૂટશે કે નહીં એવી પણ એને અપેક્ષા નથી હોતી. નિરપેક્ષ ભાવે જે વહે છે એ જ તો સંત છે ફળની અપેક્ષા વિના કરાતા કૃત્યને ભગવતકૃત્ય કહેવામાં આવે છે. એવા કૃત્ય પર સ્વયં પરમાત્માના હસ્તાક્ષર હોય છે.
ફૂલ શું એવો ભેદભાવ કરે કે, હું મારી સુગંધ એને જ આપીશ કે જે સજ્જન છે. સારા-નરસા, તમામ પ્રત્યે સુગંધની ધારા સમાન રીતે પ્રવાહિત હોય છે. હા, જેના નાસાપુટની જેટલી સંવેદનશીલતા વધુ તેટલી એની મઝા માણી શકે છે અને ગંધશક્તિનો નાશ થયો હોય એવી વ્યક્તિ સારામાં સારા ફૂલની સુવાસને પણ માણી કે સમજી શકતી નથી. સૂર્યનો પ્રકાશ શું એવો ભેદભાવ કરે છે કે સજ્જન હોય એના રસ્તા પર પ્રકાશ ફેલાવવો અને દુર્જનના રસ્તા પર તો જવું જ નહીં. ભલેને એ અંધકારમાં ભટકી ભટકીને મરી જાય…! પણ એ તો બેશર્ત રીતે બધે જ પ્રકાશ ફેંકે છે. ગંદકીથી ભરેલા ઉકરડાને પણ એ જેવો છે તેવો જ દર્શાવે છે અને ફૂલોથી ભરેલા ઉદ્યાનને પણ એ ઝળહળતો કરે છે. દર્પણ પાસે પોતાનો કોઈ આગ્રહ નથી હોતો. સજ્જન માણસને સરસ રીતે દર્શાવે અને દુર્જનને કુરૂપ કરી બતાવે એવો ભેદભાવ દર્પણ કરતું નથી, દર્પણ તો પોતાના ચહેરાને જોવાની માત્ર વ્યવસ્થા છે. સજ્જન પોતાના સુંદર ચહેરાને સ્પષ્ટ રીતે સંતની ઉપસ્થિતિમાં જોઈ શકે છે અને દુર્જન પોતાના વિકૃત ચહેરાને ય સંતની ઉપસ્થિતિ દ્વારા વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને છતાં દર્પણ જેવા સંત પાસે કશો જ પક્ષપાત નથી. એ બંને સામેથી હટી જાય તો દર્પણ બિલકુલ ખાલી થઈ જાય છે. એના પર કોઈની ય કશી છાપ પડતી નથી. આંબાના ઝાડ પર પથ્થર ફેંકો તો પણ એ મીઠી કેરી જ આપશે. સંત સાથે દુર્વ્યવહાર કરો તો પણ એ સદા શુભાશિષ બનીને જ વરસતા રહેશે.
જિસસને ફાંસી આપી, સોક્રેટિસને ઝેર પાયું, મંસૂરના હાથપગ કાપીને એના પ્રાણ લીધા તો પણ સંતોનો સ્વભાવ બદલાયો નથી. સમાજ એની સાથે જે કરવું હોય તે કરે પરંતુ સંત જયારે પણ આવે છે ત્યારે કરૂણાની ધારા બનીને જ વરસતા હોય છે. વિશેષમાં એમનો જીવન મંત્ર હોય છે કે “મૃત્યુ હજો એવું મળે કે છેક છેલ્લી પળ સુધી, આ જિંદગી જીવી જતા… ઉત્સાહ ના ખૂટે, ને મોત જ્યાં નજરે પડે ત્યાં દેહ આ ત્યજતા જરા ઉદ્વેગ ના ઊઠે…” સાપ કે વીંછીના ઝેર કરતાં પણ માણસ તરફથી મળતું ઝેર વધુ ખતરનાક હોય છે. વીંછીનું ઝેર તો ઊતરી પણ શકે પરંતુ માણસે આપેલું ઝેર જીવલેણ હોય છે અને તો પણ સંતો એ ઝેર સામે અમૃતની વર્ષા બનીને જ જીવ્યા છે, સંતોને ક્યારેય હરાવી શકાતા નથી કેમ કે એમના મનમાં જીતવાની જીદ જ નથી હોતી. છતાં આ વાત અત્યારના સંતોને લાગુ પડતી નથી કારણ કે, તેમણે ધર્મને ધંધો બનવી દીધેલ છે… આ પણ હકીકત છે.

Leave a Reply