અક્રિયા…શાંતિ અને સંતોષને મૂલ્યવાન માનવામાં આવે છે…!

ઝાઝેન માટે બેસવું હોય તો સામે કોઈ ગતિશીલ નહીં પણ સ્થિર પદાર્થ હોવો જોઈએ.વૃક્ષો સામે, દિવાલ સામે કે આકાશ સામે બેસીને જોઈ શકાય. કોઈ વિશેષ દ્રશ્ય નજર સામે ન હોવું જોઈએ. શૂન્યમાં જોતા હો એવો ભાવ થવો જોઈએ.
શ્વાસને ધીમે ધીમે શાંત થવા દો. કોઈ કોશિશ ન કરો. અનુકૂળ આસનમાં બેસી શરીરને એકદમ શાંત અને સ્થિર થવા દો.ગાદલા પર, ગાદી પર કે કોઈ અનુકૂળ આસન પર બેસી જાવ.એકવાર બેસી ગયા પછી કોઈ પણ પ્રકારનું હલન ચલન ન કરો. હાથ પગ કે શરીરના કોઇપણ ભાગને લેશ માત્ર હલાવો નહીં. શરીરનો સળવળાટ ચાલુ રહેશે તો મન પણ શાંત કે સ્થિર નહીં થાય. એ પણ આમથી તેમ કંપિત થયા કરશે. મન અને શરીર એક બીજા સાથે જોડાયેલા છે. મન શાંત થશે તો શરીર શાંત થઈ જશે અને શરીર જો સ્થિર અને શાંત રાખવામાં આવશે તો મન પણ સ્વતઃ શાંત થતું જશે. શાંત થતાં એક ક્ષણ એવી પણ આવશે જયારે તમે તો હશો, તમારું શરીર પણ હશે પરંતુ અંદરની શાંતિ અને સ્થિરતા મનને એવું તો નિસ્તરંગ કરી દેશે કે એ નહિવત્ બની જશે. અ-મની (ઉન્મની) સ્થિતિ આવી જશે.
૪૫ થી ૬૦ મિનિટ સુધી સ્થિર બેસી પસંદગી રહિત જાગરૂકતાનો અનુભવ કરવાનો છે. ધ્યાન પણ આ એક કલાકમાં નથી કરવાનું. મન પર કોઈ ભાર, કોઈ દબાણ ન હોવું જોઈએ. કશું જ મેળવવાનું કે પ્રાપ્ત કરવાનું નથી. આ એક કલાકના ઉપયોગથી કશું જ ઉપલબ્ધ કરવાની વૃત્તિ ન હોવી જોઈએ. કોઈ વાસના, કોઈ ઈચ્છા ન હોય તો જ ઝાઝેન સિદ્ધ થાય છે. એ એક કલાક માટે તમે જાણે મરી ગયા છો એ રીતે જીવો. નિરપેક્ષ રીતે, વચ્ચે ક્યાંય અટક્યા વિના આ વિધિ ચાલુ રાખો અને જીવનમાં જે કઈ મેળવવા યોગ્ય છે તે તમને મળી જશે…!
ઝાઝેન ધ્યાન કોઈ અઘરું છે જ નહીં. એ આપણો સ્વભાવ છે. પરમાત્મા એ જન્મની સાથે જ આપણને આ ક્ષમતા, આ સંભાવના આપી છે. પણ આપણે વિશ્રામપૂર્ણ મનઃ સ્થિતિથી એટલા તો દૂર નીકળી ગયા છીએ કે શાંત થવું, કશું ન કરવું કે વિશ્રામપૂર્ણ બની જવું એ આપણને હવે ફાવતું જ નથી. દોડા-દોડ, તાણ, અશાંતિ એ જ જાણે કે આપણો સ્વભાવ બની ગયો છે.
નવરા બેસવું, નિષ્ક્રિય રીતે સમય વ્યતીત કરવો એને આપણે ત્યાં સારું માનવામાં આવતું નથી. કામઢા અને ક્રિયાશીલ માણસોને જ આપણે માન આપીએ છીએ. ખાલી કે નવરા બેસવાથી આપણે ડરીએ છીએ અને બીજું કોઈ નવરું ન બેસે એ માટે શિખામણ આપીએ છીએ. “નવરા બેઠા નખ્ખોદ વાળે “, “ખાલી મન શેતાનનું ઘર છે” – આવું બધું આપણે કહેતા હોઈએ છીએ. કેમ કે ખાલી યા નિષ્ક્રિય રીતે સમય વિતાવવો એને આપણે નિંદાની દ્રષ્ટિએ જોઈએ છીએ. કઈ ન કરવા કરતા તો “કઈ પણ” કરવું બહેતર છે એવું આપણે માનીએ છીએ. પણ આપણામાંથી બહુ ઓછાને એ પ્રતીતિ હોય છે કે ધ્યાન કર્મથી વિપરીત નથી. એવું નથી કે ધ્યાન કરનારે ઘરબાર, પરિવાર અને બધા કામ છોડીને ભાગી જવાનું છે. ધ્યાન તો તમને ઝંઝાવાતનું શાંત કેન્દ્ર (સેન્ટર ઓફ ધી સાયક્લોન) બનીને જીવવાની કળા શીખવે છે.
પૂર્વની સમગ્ર શોધનો સાર એક જ છે – અક્રિયા…! ધ્યાન, પરમ શાંતિ. જયારે પશ્ચિમની શોધ તો એક જ છે. ક્રિયા, કર્મ, ઝડપ…! ઉતાવળથી કોઈ કાર્ય પૂરું કરવું . બે ચાર માણસ કરી શકે એટલું કામ એકલાએ કરવું. માણસના બદલે મશીનથી કરવું. પશ્ચિમમાં સૌ એક જ ચિંતા કરે છે કે માણસ કેમ વધુ કામ કરી શકે. ઝડપથી કામ કરી શકે. યંત્રોની મદદથી કેમ જલદી કામ પૂરું થાય એની જ એ ચિંતા કરે છે. પશ્ચિમે વિજ્ઞાન અને ટેકનોલોજીને જન્મ આપ્યો કેમ કે કામ મૂલ્યવાન છે. પૂર્વમાં ધ્યાન અને સમાધિનું મહત્વ છે કેમ કે અહીં અક્રિયા…શાંતિ અને સંતોષને મૂલ્યવાન માનવામાં આવે છે…!

Leave a Reply