આપણે રોલમોડેલ, મોટીવેટરો, સર્જકો, નેતાઓ, બડી બડી વાત કરનારાઓની પાત્રતા અંગે ક્યારેય વિચાર્યું જ નથી.

આપણે ત્યાં એવું કહેવાની ફેશન બની ગઈ છે કે વ્યક્તિની અંગત દુનિયાની નબળાઈઓ, ત્રુટિઓ, વિકૃતિ, દંભ અને બેવડા ચહેરાને તેની વ્યવસાયિક સફળતા જોડે ના જોડવા જોઈએ.
માની લો કે કોઈ ખેલાડી છોકરીઓનું શોષણ કરતો હોય પણ રમતના મેદાન પરની તેની સિદ્ધિ સંગીન હોય (ઘણા બધા ક્ષેત્રના નિષ્ણાંતો પોતાને ત્યાં આવતી સ્ત્રીઓ-યુવતીઓ સાથે વ્યભિચાર કરે છે એમાંથી ઘણા નવયુવાનો તો વ્યભિચાર કર્યા પછી જીવનસાથી પણ બનાવી લે છે… જે યુવતી તમારી પાસે રોજગારી માટે આવતી હોય તેની સાથે લગ્ન કરવા અને જીવનસાથી બનાવવી તે યોગ્ય છે…? અને આજ લોકો સમાજના તારણહાર તરીકે ફરતા હોય છે…! ) અને જો તમે તેના ચારિત્ર્યની વાત છેડો તે સાથે જ પોતાની જાતને આધુનિક જગતનો તાત હોય તેમ આપણે કહીશું કે “એ તો તેની અંગત વાત છે તેમાં આપણે ના પડવું જોઈએ.
કોઈ સંન્યાસી વેદ-ઉપનિષદો પર મર્મસ્પર્શી પુસ્તકો લખતા હોય. જેની વાણી અને સત્સંગથી ભાવુકો ભાવ તરબોળ થઈ જતા હોય. પોતે ખુદ સંસ્કાર ઘડતરના રોલ મોડેલની જેમ ફરતા હોય અને તેનું કોઈ કૌભાંડ ચર્ચાતું રહે તો પણ આપણો નમાલો ભાવરંગ એ રીતે બહાર આવશે કે “આવી બધી અફવાઓ તેના ઈર્ષાળુ ફેલાવે રાખે.” કોઈ જાહેરમાં નીડરતાથી કહે કે હું તેનો શિકાર થયો છું તો આપણે જ આવી સેલિબ્રિટી . સ્પોર્ટ્સમેન, ચિંતક, સંન્યાસી અને સર્જકનો બચાવ કરતા કહીશું કે “એ તો ભાડૂતી સાક્ષી જેવો હશે. તેના વિરોધી જુથે નાણા વેરીને આવા તત્વોને મીડિયા સમક્ષ જવાનું કહ્યું હશે.”
ખરેખર જેમણે જીવન જીવવાની કળા શીખવાની જરૂર છે તે આપણને શીખવે છે અને આપણે અભિભૂત થઈએ છીએ. તમામ ક્ષેત્રોમાં ધૂપ્પલ ચાલે છે. આપણે રોલમોડેલ, મોટીવેટરો, સર્જકો, નેતાઓ, બડી બડી વાત કરનારાઓની પાત્રતા અંગે ક્યારેય વિચાર્યું જ નથી. એક તરફ “શિક્ષણ અને કેળવણી” પર સેમિનારો યોજીને અને પછીથી શિક્ષક ચારિત્ર્યહીન હોય, તેનું જીવન ઠેકાણા વગરનું હોય ત્યારે આપણે એમ કહીને ઉભા રહેતા હોઈએ છીએ કે આપણે તેના ચારિત્ર્યનું શું કામ છે યાર… તે શિક્ષક તરીકે તેના વિષયમાં પરફેકટ છે ને…

Leave a Reply