સરળ હોવું તે જિંદગીનું સૌથી અઘરું કામ છે.

જાપાનમાં ધ્યાનની એક વિશેષ પદ્ધતિ છે જેને “ઝાઝેન” કહે છે. આ પદ્ધતિ પ્રમાણે સાધકે કશુંય કરવાનું નથી. માત્ર બેસવાનું છે. “જસ્ટ સિટિંગ” – ડુઈગ નથિંગ” સાધકને જો આ રીતે બેસતા આવડી જાય તો એને બીજી કોઈ સાધના કરવાની જરૂર નથી. ખાલી થઈને નિત્ય નિયમિત બેસવાથી અંતતઃ એક એવી ક્ષણ આવે છે જેમાં અમૃતની વર્ષા શરૂ થઈ જાય છે. આનંદ અને શાંતિની એક અનુભૂત ધારા સાધકના હૃદયને છલોછલ ભરી દે છે. અધ્યાત્મની દ્રષ્ટિએ નિષ્ક્રિય, નિર્વિચાર, નિર્ભાવ થઈને બેસવું એ મોટી સિદ્ધિ છે. શરૂ કરશો તો ખ્યાલ આવશે કે ખાલી થવું, કઈ પણ કર્યા વિના બેસવું કેટલું અઘરું છે !
વર્ષોથી (અને એથીય આગળ જઈને કહેવું હોય તો જન્મોજન્મોથી) કઈને કઈ કર્યા કરવું એ આપણી આદત બની ગઈ છે. કોઈ કામ ના કરતાં હોઈએ ત્યારે પણ મનમાં વિચારોનું ધમાસાણ ચાલ્યા જ કરતુ હોય છે. કોઈને કોઈ કલ્પના, કોઈને કોઈ સારી નરસી ઈચ્છા મનમાં ઉઠ્યા જ કરતી હોય છે. પથારીમાં પડીને ઊંઘવાનું હોય ત્યારે પણ આપણું મન શાંત થતું નથી. હજાર પ્રકારના વિચાર, વીતેલી કે આવનારી જિંદગીની કઈ કેટલીય વાતો આપણા અંતર પટ પર ચલચિત્રની જેમ જ ચાલ્યા કરતી હોય છે. ઝાઝેનની સાધના કરતા ઝેન સાધક રોજના બે થી છ કલાક બેસે અને વીસ વીસ વર્ષ સુધી એક ધારી સાધના કરે ત્યારે જ આ સ્થિતિ સિદ્ધ થાય છે. ગુરૂનો (અત્યારના ગુરૂઓના આદેશ… માટે રામ-રહીમના આદેશની વાત નથી) એક જ આદેશ હોય છે : કશું કરો નહીં, માત્ર બેસી રહો. ક્યારેક આ પ્રયોગ કરી જોજો. શરીર જલ્દી સ્થિર નહીં થાય. કીડી ચટકા ભરતી હોય એવું લાગશે. આમથી તેમ શરીર ફેરવવાનું મન થશે, કમર દુખશે, પગમાં ખાલી ચડી જશે. હજાર વિચાર આવશે. વર્ષો પહેલા બનેલી કોઈ ઘટના સ્મૃતિ પટ પર આવી જશે. કલ્પનાનું આખું એક જગત ઊંભું થઈ જશે. તમને શાંત થતા રોકવા માટે મન હજાર પ્રયત્ન કરશે. આંખો ઘેરવા લાગશે. ઊંઘ આવશે. ઘેન ચડવા લાગશે. ઊભા થઈ જવાનું મન થશે અને સ્વાનુભવથી તમને એવું લાગશે કે કઈ પણ કર્યા વિના બેસવું એ દુનિયામાં સૌથી અઘરું “કામ” છે.
મન તમને અનેક પ્રકારના તર્ક-વિતર્ક, વિવિધ બહાના અને પ્રલોભનો આપશે. આ રીતે બેસવાથી શું વળવાનું છે ? આટલા જ સમયમાં તો કોઈ બીજું કામ કરી શકાય. છાપું વાંચી શકાય, ટેલિવિઝન જોઈ શકાય. ચલચિત્ર જોવા પણ જઈ શકાય. કઈનું કઈ તો ચોક્કસ કરી શકાય.
આવું બધું થવા છતાં દ્રઢ સંકલ્પ સાથે જો બેસી રહેશો તો એક દિવસ મન જરૂર થાકી જશે. હારી-કંટાળીને એ ઢળી પડશે અને તમારી આસપાસ મૌનનો એક નિતાંત શાંત મહાસાગર ઊમટી આવ્યો હોય એવી શાંતિ નો અનુભવ થશે. મનના તમામ ધમપછાડા નકામા જશે અને ત્યારે વિચારો ધીમે ધીમે તરલ (ઓછા) થતાં જશે. કોઈ સ્વપ્ન, કોઈ વિચાર નહીં આવે. બસ, તમે બેઠા છો શાંત, કોઈ વિચાર, કોઈ તરંગ કે કોઈ કલ્પના નથી. બધું જાણે કે શાંત બની ગયું છે. ગહન મૌન અને એક એવા આનંદ વર્ષા તમારા પર વરસવા લાગશે. પરમાત્માની અપાર કરૂણા તમારા પર ઊતરી આવશે.

Leave a Reply