એ એકલો પર્યાપ્ત નથી.

સજ્જન અને સમજદાર માણસ તો એને જ કહેવાય જે બીજા માટે કશુંક કરે, પોતાના તરફથી સામી વ્યક્તિની જોળીમાં કશુંક ઉમેરે તો પણ એવો ખ્યાલ સુદ્ધા આવવા ન દે કે એમના માટે પોતે કશુંક કરી રહ્યા છે. નાનામાં માણસને પણ પોતાનું સ્વમાન હોય છે. એમનું સ્વમાન ધવાય એ રીતે કશુંક આપવામાં આવે તો ગમતું નથી. મજબૂરી વશ કદાચ એનો સ્વીકાર પણ કરે તો સમય આવ્યે એ એનો બદલો લેવાની તક ચૂકતા નથી.
દરેક ક્ષેત્રમાં પોતપોતાની રીતે જે લોકો સફળ થયા છે કે આગળ આવ્યા છે તેમાં કોઈને કોઈ સદ્દગુણ હોય છે જ, ધંધો કરવો, કોઈ મોટો વેપાર ચલાવવો, સંપત્તિના નિવેશ પછી જે મોટું તંત્ર ઊભું થયું અને અલગ અલગ પ્રતિભાના જે લોકો એકઠા થયા તે બધા પાસેથી કામ લેવું. એ કોઈ નાની વાત નથી. ધન અને સંપત્તિના સંવર્ધન માટે પણ માણસ પાસે ખાસ પ્રકારની દ્રષ્ટિ અને સૂઝ હોવી જોઈએ. જે વ્યક્તિ પોતાના સ્ટાફ સાથે સારો, સજ્જનતાભર્યો અને સ્વમાનપૂર્ણ વ્યવહાર કરે છે તે અવશ્યમેવ પોતાના ક્ષેત્રમાં આગળ આવે છે જ. કેમ કે એકલો માણસ ગમે તેટલો શક્તિશાળી કે બુદ્ધિશાળી હોય તો પણ પોતાના કાર્યને આગળ ધપાવવા, પોતાના સ્વપ્નને સાકાર કરવા એ એકલો પર્યાપ્ત નથી. આ માટે અનેકના સહકારની જરૂર પડે છે. આમાં પોતાના સગાવહાલા, સહકાર્યકર, કર્મચારી અને વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા તમામ આવી જાય છે. આ બધા સાથે જો પ્રેમ અને સૌજન્ય ભર્યો વ્યવહાર કરવામાં આવે અને એમની શક્તિ તથા મતિનો સદુપયોગ કરવામાં આવે તો નિષ્ફળ જવાની કોઈ દહેશત નથી. એકધારી લગન, સૂજ, સમજ અને સૌજન્યભરી કુશળતા કોઈ પણ વ્યક્તિને સફળ થવામાં મદદરૂપ બને છે.

Leave a Reply