છોડવા જેવો કુસંગ, કરવા જેવો સત્સંગ… અને અંતે થવા જેવું નિ:સંગ

જેને ઇન્જેક્શન આપતા ન આવડતું હોય તે કમ્પાઉન્ડરને તમે “બાયપાસ સર્જરી”ના નિયમો સમજાવો : બસ આવી જ હાલત છે આજે ધર્મ, અધ્યાત્મ, ધ્યાનના ક્ષેત્રે ચાલી રહેલા સામૂહિક ડીંડવાણાની, કહેતા ભી દીવાના ઔર સુનાતા ભી દીવાના. કોઈ આત્મવંચના મોટા સંખ્યાના ટોળા આચરતાં હોય તેથી એ કાંઈ વંચના, સત્ય કે વાસ્તવ બની જતી નથી, પેલી “નાક કપાયું એટલે ભગવાન દીઠા” એ કહેવત સાંભળી છે ? આજના લગભગ તમામ ગ્લેમરસ ધર્મપુરુષો, લગભગ તમામ અઠવાડિક અધ્યાત્મ મિલનોમાં માર્કેટિંગનો આ સિદ્ધાંત કામ કરે છે. કારણ કે કહેવાતા આધ્યાત્મિક ટોળાંની પ્રથમ પ્રવેશ ફી રૂપે તમારી સ્વતંત્ર વિચારશક્તિ ટોળાંના ગુરૂને ચરણે “ડિપોઝિટ” કરી દેવાની હોય છે. બાકી રહે છે તે જીવતાંજાગતાં વશીકરણનું ભોગ બનેલું ઝનૂની દેહમાળખું માત્ર ! એક જણ મોટી અપેક્ષાએ તંબુમાં પ્રવેશ્યો. ગુરૂ મહારાજે સ્વતંત્ર વિચારશક્તિ રૂપી નાક કાપી લીધું. હવે તંબુની બહાર આવીને ગામલોકોને એમ કહ્યા વિના છુટકારો નથી કે “નાક કપાવ્યું એટલે ભગવાનના દર્શન થયા છે…! તમે પણ કપાવી આવો…!”
અધ્યાત્મના પ્રવેશદ્વારની ચાવી બ્રહ્માંડની કોઈ જ અન્ય વ્યક્તિ (તમારી જાત સિવાય) આપી શકતી નથી એટલું સમજાઈ જાય તો…!

Leave a Reply