દિલમાં વસી નફરતને ભૂલવી એ પણ એક પ્રકારનું સ્વચ્છતા અભિયાન છે.

લોકો જો ચૂપ રહેવાનું શીખી જાય, જરૂર પડે ત્યારે અને જરૂરી હોય એટલું જ બોલવાનું રાખે તો દુનિયાના મોટાભાગના ઝઘડા સમાપ્ત થઈ જાય. અથવા તો ઝઘડા થવાનું કોઈ નિમિત્ત જ ઊભું ન થાય. આપણા મોટાભાગના ઝઘડાના મૂળમાં વાણીની કડવાશ, જીભની ધારદાર તીખાશ, પોતાની મર્મભેદી અભિવ્યક્તિ અને વણજોતી અથવા અકારણ ઉગ્રતા હોય છે.
આથી ઉત્તમ ઉપાય તો એ જ છે કે ચૂપ થઈ જાવ. શબ્દો કરતાં ચહેરા પરના સ્મિતનો ઉપયોગ કરો. તાર ઓફિસમાં ટેલિગ્રામ કરવા જતા ત્યારે જરૂર કરતાં વધારે એક પણ શબ્દ વધુ ન વપરાય તેવું ધ્યાન રાખવામાં આવતું એ રીતે જ રોજિંદા વ્યવહારમાં એક પણ શબ્દ વધારે કે વણજોતો ન વાપરવો જોઈએ. કોઈને વાગી જાય એ રીતે એક પણ શબ્દનો ઉપયોગ ન કરવો.
એટલું જ બોલો જેટલું બોલવાથી કામ ચાલી જાય. એટલું જ ચાલો જેટલું ચાલવાથી પ્રયોજન પૂરું થાય. એટલા જ સબંધ રાખો જેટલાથી જીવન એકલવાયું કે શુષ્ક ન બની જાય. જો આ રીતે સજાગ બનીને જીવવાનું શરૂ થાય તો જીવનમાં અનાયાસે જ સંયમ અને સંતુલનનું અવતરણ થાય છે.
દુનિયાના તમામ શાણા માણસો આ બાબતમાં એકમત હશે કે જે કંઈ પણ કરો તે સમજી વિચારીને કરો. જે શબ્દો ન બોલવાથી વ્યવહાર ચાલી શકે તેમ હોય તે ન બોલો. જે કામ કરવાથી કશું બગડતું ન હોય કે કશો ગેરલાભ થાય તેમ ન હોય તે ન કરો. તોળી તોળીને જ, ટેલીગ્રાફિક ભાષામાં વાતચીત કરો વ્યર્થ કશું જ બોલો નહીં. વ્યર્થ કશું કરો નહીં. જો આવી ટેવ પાડશો તો શક્તિનો દુર્વ્યય અટકશે અને અંદર એ શક્તિનો સંચય થવાથી એનો જો સદુપયોગ કરી શકો તો છેક પરમાત્માને પણ આ રીતે જ પામી શકાય છે.
એક આધ્યાત્મિક તારણ એવું પણ છે કે દિવસભરમાં આપણી એંશી ટકા વાતચીત એવી હોય છે કે જે ન કરીએ તો પણ ચાલે. એની જરૂર જ નથી. માત્ર ઔપચારિકતા કે શાંત નહીં રહી શકવાની અસમર્થતાના કારણે જ મોટાભાગનો વાણીવિલાસ ચાલે છે.
ઘણી વાર તો એવુંય બને કે કેટલીક વાતો ન કરીએ કે કેટલાક શબ્દો ન બોલીએ તો કશું નુકસાન નથી થતું પણ બોલીએ તો ઊલટાનું બગડે છે. નવી નવી ઝંઝટ ઊંભી થાય છે.
સામસામી આક્ષેપબાજી, હૂંસાતૂંસી, ચડભડ અને બોલાચાલીનાં કારણે તો આપણાં મોટાભાગના દુઃખો જન્મે છે. ઘરમાં પતિ-પત્નીના, કુટુંબીઓના કે આડોસ-પાડોસના ઝઘડા મોટા ભાગે તો નાની નાની વાતોમાંથી અને નહીં ગમતા શબ્દો બોલવાથી જ થાય છે.આવડા મોટા મહાભારતના યુદ્ધનું મંડાણ પણ દ્રૌપદીના દુર્યોધન સામે બોલાયેલા પેલા શબ્દો (વાગ્બાણ)માંથી જ થયું હશે ને ! “આંધળાના સંતાનો પણ આંધળા જ હોય છે.” – આવા કડવા શબ્દો દૂર્યોધન સહી ન શક્યો અને વેરભાવના, સંઘર્ષનાં અને બદલો લેવાના બીજ રોપાયા.
આપણા રાજકીય પક્ષો અને પક્ષના પ્રવક્તાઓ સામસામી આક્ષેપબાજી કરવામાંથી ઊંચા જ ક્યાં આવતા હોય છે ! અને એ કારણે તો દેશનું, દેશની સામાન્ય જનતાનું અને વિશ્વ આખાનું ભરપાઈ ન થઈ શકે એટલું નુકસાન થાય છે. માત્ર શબ્દોએ, થોડીવાર ચૂપ રહીને સમજવા કે વિચારવાની અક્ષમતાએ, માણસજાતનું જેટલું નુકસાન કર્યું છે એટલું કદાચ કોઈએ નહીં કર્યું હોય.
“ન બોલવામાં નવ ગુણ” આ કહેવત કદાચ જીવનના અનેક અનુભવોમાંથી નીપજી હશે. બોલવાથી કદાચ એક બે ગુણ બહાર આવી શકતા હશે. કેટલાક લોકોની વાણીમાં જોમ ને જોશ હોય છે. સંભાળનારને કદાચ એમાં વકતાના ગુણોનું પ્રગટીકરણ પણ દેખાય. આમ છતાં, બોલવા કરતાંય ચૂપ રહેવું અઘરું હોય છે પણ કહેવત છે કે “ન બોલવામાં નવ ગુણ”…!
ચૂપ રહેવાનો સૌથી પહેલો લાભ (ગુણ) તો એ છે કે એનાથી વણજોતો સંઘર્ષ ઘટે છે. તમે સાંભળીને કશી જ પ્રતિક્રિયા નથી કરતા એટલે અંદર – બહારની અથડામણમાંથી બચી જાવ છો. બીજી મહત્વની વાત એ છે કે ચૂપ રહેવાથી થોડીવારમાં આવેશ શમી જાય છે. કાપાકાપી અને મારામારી સુધીના વિચાર આવી ગયા હોય એવી વાત પણ સમય જતાં હસવા જેવી સિદ્ધ થાય છે.
ગુર્જિએફને એના દાદાએ એક જ સૂત્ર આપેલું કે “બેટા ! જીવનમાં સુખી થવું હોય તો કોઇપણ વાત કે ઘટનાની પ્રતિક્રિયા ચોવીસ કલાક પહેલા ન કરીશ” કોઈ તને ગાલ આપી જાય, તારે માટે કશુંક ઘસાતું બોલી જાય તો પૂરા ચોવીસ કલાક વીતે પછી તારે જે જવાબ આપવો હોય તે આપજે અને ગુર્જિએફે લખ્યું છે કે ૨૪ કલાક વીતે ત્યાં સુધીમાં તો કશી જ પ્રતિક્રિયા કરવાની ઈચ્છા નથી થતી. ઊલટાનું હસવું આવે કે જે શબ્દો સાંભળીને સામી વ્યક્તિની હત્યા કરી નાખવાની ઈચ્છા થયેલી, ચોવીસ કલાક પછી ઊલટી એ વ્યક્તિની માફી માગવાની ઈચ્છા થાય છે, કેમ કે આપણે એ વ્યક્તિના મનમાં ક્રોધ ઉત્પન્ન કરવા માટે તો નિમિત્ત બન્યા જ ને ! આથી ઊલટાની માફી માગવાની ઈચ્છા થાય એવું બને છે.
ચૂપ રહેવાથી ત્રીજો જે લાભ થઈ શકે તે એ વાતનો છે કે તરત પ્રતિક્રિયા ન કરીએ અને જો ચૂપ રહીએ તો વચ્ચે જે સમય મળે તેમાં સત્ય શોધી શકાય છે. કોને ખબર કે આપણને જે કહેવામાં આવ્યું તે સાચું પણ હોય.અથવા તો ખોટું પણ હોય. આથી જો સાચું હોય તો સમજપૂર્વક સ્વીકારીને સાચું કહેનારનો આભાર માનવો જોઈએ અને જો ખોટું જ હોય તો એમાં દુઃખી થવાની જરૂર શી છે ? એક માણસે બકવાસ કરીને પોતાનો કચરો બહાર ફેંકી દીધો. બસ, આથી વિશેષ ચિંતાની વાત શી છે ? ચૂપ રહેવાથી ચોથી અને મહત્વની વાત એ બને છે કે આપણી અંદર શક્તિનો સંચય થાય છે. બોલતો પ્રત્યેક શબ્દ આપણી શક્તિને પણ બહાર ફેંકે છે. આથી દિવસભરના બકવાસ દરમિયાન આપણે ખાસ્સી શક્તિને બહાર ફેંકીએ છીએ. શાંત રહેવાથી આવો દુર્વ્યય અટકે છે. અને નવી શક્તિનો અનુભવ થાય છે. ચૂપ રહેવાથી પાંચમી વાત એ બને છે કે આપણામાં સંયમ અને સહિષ્ણુતાના ગુણનો વિકાસ થાય છે. આપણે રમકડું નથી રહેતા. કોઈક ચાવી ફેરવે અને આપણે ચાલવા માંડીએ એની જેમ જ કોઈક કશું બોલે અને આપણે દુઃખી થઈ જઈએ છીએ તો પણ આપણી ચાવી તો બીજાના હાથમાં જ સોંપીએ છીએ. આથી જો શાંત રહી શકીએ તો આપણી અંદર જ સ્વામીત્વભાવનો વિકાસ થાય છે.
છઠ્ઠી વાત એ છે બને છે કે ચૂપ રહેવાથી વાણી – વિલાસ અટકે છે. આપણે કેટલાક શબ્દો માત્ર એટલા માટે જ બોલીએ છીએ કે બીજા પર આપણો પ્રભાવ દર્શાવી શકીએ. આપણી જાતને બીજાથી સારી અને ઊંચી સિદ્ધ કરી શકીએ. પણ એવી જરૂર શી છે ? અને આ કળા હસ્તગત થાય એટલે કે ચૂપ રહેતા આવડી જાય તો સાતમી વાત એ બને છે કે આપણા જીવનમાં સુખ અને શાંતિનો વધારો થાય છે. એકલા આપણે જ નહીં, આપણા પરિવારના લોકો પણ રાહત અને શાંતિનો અનુભવ કરે છે. વધુ પડતું બોલવાથી, કટુ પ્રતિક્રિયાથી અને વાગી જાય એ રીતે ખોટું બોલવાથી સામી વ્યક્તિને દુઃખ તો થાય છે જ. શાંત રહેવાથી આટલી હિંસા અટકે છે. આઠમો લાભ અથવા તો ગુણ એ હોય છે કે વાણીનો દુર્વ્યય અટકવાથી આપણા જીવનમાં “મૌન” ઉદય થાય છે. અને જે જાણે છે તે તો કાયમથી કહે છે કે શબ્દો દ્વારા કશું જ અભિવ્યક્ત નથી થતું.
અસત્યની અભિવ્યક્તિ માટે ભલે શબ્દોનો ઉપયોગ થતો હોય પણ સત્ય માટે શબ્દો નકામા છે. ત્યાં તો મૌન સિવાય કશું જ કામ નથી લાગતું. કેમ કે મૌન એ જ સત્યની અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. ચૂપ રહેવાનો છેલ્લો અને નવમો ગુણ છે “સાક્ષીભાવની સાધના” ચૂપ રહેવાથી અને તરત પ્રતિક્રિયા ન કરવાથી પસંદગી રહિત જાગરૂકતા (ચોઈસ લેસ અવેરનેસ) અને અંતતઃ એમાંથી જ અકંપ અંતર્દશાનું નિર્માણ થાય છે.
કદાચ આ કારણે એવું કહેવાય છે કે સમયની જે સંપત્તિ દ્વારા હીરા ખરીદી શકાય છે તેનાથી જ આપણે કાંકરા મેળવીને જીવન પૂરું કરી દઈએ છીએ. શબ્દો દ્વારા, વણ જોતી ક્રિયા દ્વારા થતો સમય અને શક્તિનો દુર્વ્યય રોકવો જોઈએ.
શું કરવું ? અને શું ન કરવું ? એ માટે એક જ માપદંડ સામે રાખો & જેનાથી જીવનમાં “આનંદ” વધે તે કરવા યોગ્ય છે. જેનાથી અન્યની પ્રતીતિ વધે, જીવનમાં પ્રકાશ પ્રવેશે, ઉજાસ અને જાગરણ વધે અને દુઃખ તથા અંધકાર દૂર થાય તે કરવા યોગ્ય છે. અને જેનાથી, જે શબ્દ કે ક્રિયાથી અંતતઃ પીડા, હતાશા, દુઃખ અંધકાર અને મૂર્ચ્છા વધે તે શરૂશરૂમાં સુખદ લાગે તો પણ કરવા યોગ્ય જ નથી…!
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચૂપમાં, તે ચર્ચામાં નથી હોતી…!
આપણા “અસ્તિત્વ”નો ઉત્સવ ઉજવવો હોય તો” દિલ”માં વસી ગયેલી નફરતને ભૂલવી જોઈએ… નફરતને ભૂલવી એ પણ એક પ્રકારનું સ્વચ્છતા અભિયાન છે.
દિલમાં વસી નફરતને ભૂલવી એ પણ એક પ્રકારનું સ્વચ્છતા અભિયાન છે.

Leave a Reply