“બેટા ! જીવનમાં સુખી થવું હોય તો કોઇપણ વાત કે ઘટનાની પ્રતિક્રિયા ચોવીસ કલાક પહેલા ન કરીશ”

એક આધ્યાત્મિક તારણ એવું પણ છે કે દિવસભરમાં આપણી એંશી ટકા વાતચીત એવી હોય છે કે જે ન કરીએ તો પણ ચાલે. એની જરૂર જ નથી. માત્ર ઔપચારિકતા કે શાંત નહીં રહી શકવાની અસમર્થતાના કારણે જ મોટાભાગનો વાણીવિલાસ ચાલે છે.
ઘણી વાર તો એવુંય બને કે કેટલીક વાતો ન કરીએ કે કેટલાક શબ્દો ન બોલીએ તો કશું નુકસાન નથી થતું પણ બોલીએ તો ઊલટાનું બગડે છે. નવી નવી ઝંઝટ ઊંભી થાય છે.
સામસામી આક્ષેપબાજી, હૂંસાતૂંસી, ચડભડ અને બોલાચાલીનાં કારણે તો આપણાં મોટાભાગના દુઃખો જન્મે છે. ઘરમાં પતિ-પત્નીના, કુટુંબીઓના કે આડોસ-પાડોસના ઝઘડા મોટા ભાગે તો નાની નાની વાતોમાંથી અને નહીં ગમતા શબ્દો બોલવાથી જ થાય છે.આવડા મોટા મહાભારતના યુદ્ધનું મંડાણ પણ દ્રૌપદીના દુર્યોધન સામે બોલાયેલા પેલા શબ્દો (વાગ્બાણ)માંથી જ થયું હશે ને ! “આંધળાના સંતાનો પણ આંધળા જ હોય છે.” – આવા કડવા શબ્દો દૂર્યોધન સહી ન શક્યો અને વેરભાવના, સંઘર્ષનાં અને બદલો લેવાના બીજ રોપાયા.
આપણા રાજકીય પક્ષો અને પક્ષના પ્રવક્તાઓ સામસામી આક્ષેપબાજી કરવામાંથી ઊંચા જ ક્યાં આવતા હોય છે ! અને એ કારણે તો દેશનું, દેશની સામાન્ય જનતાનું અને વિશ્વ આખાનું ભરપાઈ ન થઈ શકે એટલું નુકસાન થાય છે. માત્ર શબ્દોએ, થોડીવાર ચૂપ રહીને સમજવા કે વિચારવાની અક્ષમતાએ, માણસજાતનું જેટલું નુકસાન કર્યું છે એટલું કદાચ કોઈએ નહીં કર્યું હોય.
“ન બોલવામાં નવ ગુણ” આ કહેવત કદાચ જીવનના અનેક અનુભવોમાંથી નીપજી હશે. બહારની અથડામણમાંથી બચી જાવ છો. બીજી મહત્વની વાત એ છે કે ચૂપ રહેવાથી થોડીવારમાં આવેશ શમી જાય છે. કાપાકાપી અને મારામારી સુધીના વિચાર આવી ગયા હોય એવી વાત પણ સમય જતાં હસવા જેવી સિદ્ધ થાય છે.
ગુર્જિએફને એના દાદાએ એક જ સૂત્ર આપેલું કે “બેટા ! જીવનમાં સુખી થવું હોય તો કોઇપણ વાત કે ઘટનાની પ્રતિક્રિયા ચોવીસ કલાક પહેલા ન કરીશ” કોઈ તને ગાલ આપી જાય, તારે માટે કશુંક ઘસાતું બોલી જાય તો પૂરા ચોવીસ કલાક વીતે પછી તારે જે જવાબ આપવો હોય તે આપજે અને ગુર્જિએફે લખ્યું છે કે ૨૪ કલાક વીતે ત્યાં સુધીમાં તો કશી જ પ્રતિક્રિયા કરવાની ઈચ્છા નથી થતી. ઊલટાનું હસવું આવે કે જે શબ્દો સાંભળીને સામી વ્યક્તિની હત્યા કરી નાખવાની ઈચ્છા થયેલી, ચોવીસ કલાક પછી ઊલટી એ વ્યક્તિની માફી માગવાની ઈચ્છા થાય છે, કેમ કે આપણે એ વ્યક્તિના મનમાં ક્રોધ ઉત્પન્ન કરવા માટે તો નિમિત્ત બન્યા જ ને ! આથી ઊલટાની માફી માગવાની ઈચ્છા થાય એવું બને છે.
ચૂપ રહેવાથી ત્રીજો જે લાભ થઈ શકે તે એ વાતનો છે કે તરત પ્રતિક્રિયા ન કરીએ અને જો ચૂપ રહીએ તો વચ્ચે જે સમય મળે તેમાં સત્ય શોધી શકાય છે. કોને ખબર કે આપણને જે કહેવામાં આવ્યું તે સાચું પણ હોય.અથવા તો ખોટું પણ હોય. આથી જો સાચું હોય તો સમજપૂર્વક સ્વીકારીને સાચું કહેનારનો આભાર માનવો જોઈએ અને જો ખોટું જ હોય તો એમાં દુઃખી થવાની જરૂર શી છે ? એક માણસે બકવાસ કરીને પોતાનો કચરો બહાર ફેંકી દીધો. બસ, આથી વિશેષ ચિંતાની વાત શી છે ? ચૂપ રહેવાથી ચોથી અને મહત્વની વાત એ બને છે કે આપણી અંદર શક્તિનો સંચય થાય છે. બોલતો પ્રત્યેક શબ્દ આપણી શક્તિને પણ બહાર ફેંકે છે. આથી દિવસભરના બકવાસ દરમિયાન આપણે ખાસ્સી શક્તિને બહાર ફેંકીએ છીએ. શાંત રહેવાથી આવો દુર્વ્યય અટકે છે. અને નવી શક્તિનો અનુભવ થાય છે. ચૂપ રહેવાથી પાંચમી વાત એ બને છે કે આપણામાં સંયમ અને સહિષ્ણુતાના ગુણનો વિકાસ થાય છે. આપણે રમકડું નથી રહેતા. કોઈક ચાવી ફેરવે અને આપણે ચાલવા માંડીએ એની જેમ જ કોઈક કશું બોલે અને આપણે દુઃખી થઈ જઈએ છીએ તો પણ આપણી ચાવી તો બીજાના હાથમાં જ સોંપીએ છીએ. આથી જો શાંત રહી શકીએ તો આપણી અંદર જ સ્વામીત્વભાવનો વિકાસ થાય છે.

Leave a Reply