ભણશાળી પરિવારનો ચિંતન અને પ્રિયાંશીએ સાદાઈથી લગ્ન કરી સામાજિક સંદેશ આપશે.

લગ્નની રોનક અનેરી હોય છે. વર્ષે દહાડે લગ્નના ભપકાદાર આયોજન પાછળ લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. જો કે તે સામે સુરત શહેરના એક જૈન યુગલે સાદાઈથી લગ્ન કરવાની સાથે લગ્નમાં થતો ખર્ચ જીવદયા અને સેવાકાર્યમાં વાપરવાનો અનેરો સંકલ્પ લીધો છે. ભણશાળી પરિવારનો ચિંતન અને પ્રિયાંશીએ સાદાઈથી લગ્ન કરી સામાજિક સંદેશ આપશે. જેમાં લગ્નના ખર્ચ પૈકી રોજ એક જીવને અભયદાન, કબૂતરને ચણ, પાંજરાપોળમાં દાન સહિત સારવારમાં સહાય અને જરૂરિયાત મંદોને આર્થિક સહાયનો નિર્ણય લીધો છે.
મૂળ થરાદ ગામના વતની અને સુરતમાં રહેતા ભણશાળી કાન્તિલાલ અમુલખભાઈ પરિવારના પુત્ર અશોકભાઈના પુત્ર ચિંતનના લગ્ન રાજકોટ સ્થિત પ્રિયાંશી જોડે ૫ ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત કરાયા છે. પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે બંને યુગલે અનેરો સંકલ્પ લેતા જૈન સમુદાયમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે. જે અંતર્ગત તેઓ ભપકાદાર લગ્નની જગ્યાએ સાદાઈથી લગ્ન કરશે. તેમજ લગ્નમાં થતો લખલૂંટ ખર્ચ જીવદયા અને સામાજિક સેવાકાર્ય પાછળ કરશે. જૈન યુગલના સંકલ્પ બાદ સમાજના અગ્રણીઓની બેઠક મળવાની સાથે જ સેવાકાર્ય, જીવદયાની રૂપરેખા તૈયાર થઈ હતી. જે મુજબ તેઓ રોજ એક જીવને અભયદાન, કબૂતર માટે ચણ, પાંજરાપોળમાં મૂંગા ઢોરને સાચવવા માટેની રકમ દાન પેટે આપશે. આ સિવાય ૧૨૫ બહેનોને ડિલિવરીનો ખર્ચ, ૨૫ બહેનોને લગ્ન સહાય, ડાયાલિસિસ માટે સહાયનો ખર્ચ ઉઠાવશે. પરિવાર ગોપીપુરા ખાતે રાજેન્દ્રસૂરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દવાખાનામાં દર્દીઓને વિનામૂલ્યે દવા આપવાનો ખર્ચ ઉઠાવશે.

Leave a Reply