એક ભરવાડ જેટલી પણ એની સમજ નહીં હોય ?

જીસસ ક્રાઈસ્ટ કાયમ કહેતા : “પોતાના ઘેટા બકરાને લઈને જંગલ કે સીમમાં ગયેલો ભરવાડ સંધ્યા ટાણે ઘરે પાછો ફરવા લાગે ત્યારે પૂરા ટોળા પર એક નજર નાખી ગણતરી કરી લે છે અને જેવો એને ખ્યાલ આવે કે એકાદ ઘેટું ઓછું છે તો ટોળાને ત્યાનું ત્યાં છોડી બેટરી કે ફાનસ લઈ એને શોધવા જંગલમાં નીકળી પડે છે. શોધતાં શોધતાં એ નબળું ઘેટું મળી જાય તો પગપાળા હંકારીને નહીં પણ એને ખભા પર નાખીને પાછું લાવે છે. એક સામાન્ય ભરવાડ પણ નબળા ઘેટાં માટે આવું કરી શકતો હોય, હૃદયમાં વાત્સલ્ય લઈને જીવતી માતા નબળા કે અણસમજુ બાળક તરફ વધુ પ્રેમપૂર્ણ હોય તો પરમાત્મા શું એનાથી પણ કઠોર હોઈ શકે ? એક ભરવાડ જેટલી પણ એની સમજ નહીં હોય ? અને આથી જ પંડિત પુરોહિતની તદ્દન વિરુદ્ધ જઈને પણ સંતો સદૈવ કહેતા રહ્યા છે – “પરમાત્મા” પરમ કરૂણાવાન છે. તમારી નાની ભૂલોનો ત્યાં કોઈ હિસાબ નથી. આવી બધી ગણતરી તો સાંસારિક મનમાં ચાલે છે. – પરમાત્માનું જગત ગણિતથી નહીં, પ્રેમથી ચાલે છે. એના બેશર્ત અને પરમ પ્રેમના કારણે જ પ્રકૃતિમાં આટલી વ્યવસ્થા, કરૂણા અને સુંદરતા છે. તમે થોડું ઘણું મદ્યપાન કરી લીધું તો પરમાત્મા નારાજ થઈ જશે એ વાતમાં માલ નથી. તમારા ધૂમ્રપાન સાથે પરમાત્માને કશી જ લેવા દેવા નથી. હા, આવી બધી બેવકુફી કરવાથી તમને પોતાને નુકસાન પહોંચે છે… એ વાત સાચી છે. કેન્સર જેવા ભયંકર રોગમાં સપડાવું હોય તો જ બેફામ ધૂમ્રપાન કરવું. મગજ પરનું સંતુલન ગુમાવી નાખવું હોય તો જ નશાના માર્ગે જવું. તમે શું ખાવ છો, શું પીઓ છો, કેવી રીતે જીવો છો એની અસર પરમાત્માના પ્રેમ પર સહેજેય પડતી નથી. પણ પરમાત્મા તરફ જવાના તમારા માર્ગમાં એ કારણે જરૂર અવરોધ ઉભો થાય છે. તમારી દ્રષ્ટિ ધૂંધળી બની જાય છે. પગનું જોર ઘટી જાય છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. કેમ કે તમે તમારા શરીર અને મન પર અત્યાચાર કરી રહ્યા છો. જેટલા પ્રમાણમાં વાસનાના વમળમાં ફસાશો એટલા પ્રમાણમાં સામે પાર જવામાં વિલંબ થવાનો છે. નુકસાન તમને પોતાને અને તમારા તરફથી જ થવાનું છે.
પરમાત્મા તમને તમારા પાપનો બદલો આપે છે એ વાત બિલકુલ ખોટી અને વાહિયાત છે. પરમાત્માના પ્રેમ સામે તમારા પાપનો કોઈ હિસાબ નથી. કરૂણાસાગર પરમાત્મા સામે તમારા જિંદગીભરના પાપો પાણીના તુચ્છ ટીપાં કરતાંય નાના અને નહીવત છે. એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે કે જે પીડા પહોંચી રહી છે એની જવાબદારી એકમાત્ર તમારી અને “તમારી જ” છે. તમે દુઃખી છો તો તમારા કારણે. તમારા કર્મનું જ એ પરિણામ હોઈ શકે.
તમારી વિચારધારા અને જીવનશૈલી જ એવી હોય કે જેમાંથી દુઃખ ઉપજે, પણ પરમાત્મા નવરો પડીને તમારી ક્ષુલ્લક વાતોની નોંધ રાખ્યા કરે છે અને તમને એની સજા ફટકારતો રહે છે એવી વિચારણા પરમાત્માને નહીં સમજી શકનારા લોકો દ્વારા જ જન્મી છે. નૈતિક ઉપદેશકોએ જ આવો ભય ફેલાવ્યો છે.
પરમાત્મા તો પરમ સાક્ષી છે. દ્રષ્ટાભાવમાં સ્થિત વ્યક્તિમાં પણ જો આવી પ્રતિક્રિયા જાગતી જ ન હોય તો પરમાત્મામાં એવી વૃત્તિ ક્યાંથી જન્મે ? એમને શું કશું કામ જ નથી ? દુનિયાભરના લોકો જે કાંઈ કરતા રહે એનો શું એ હિસાબ રાખવામાં જ સમય પસાર કરે ? એક ક્લાર્ક કે હિસાબનીશથી વિશેષ શું પરમાત્માનું કોઈ કામ નથી ?
આવી વાત પ્રચારિત કરવા પાછળ પંડિત પુરોહિતોનું કાવતરું જ જવાબદાર છે.ભોળા લોકોને લૂંટવા એ આવો ભય ફેલાવી કે દલાલી લેવાના કામમાં લાગી જાય છે. લોકોને સમજાવે છે કે તમે પાપ તો કર્યું, કઈ વાધો નહીં. જેટલા કાવાદાવા, કાળા બજાર, વ્યભિચાર કે પાપાચાર કરવા હોય તેટલા કરો. અમે પરમાત્માને માનવી લઈશું. થોડા મંત્રો બોલીશું, પૂજા-પાઠ કરીશું અને તમારા પાપને માફી મળી જશે. બસ, અમને થોડા ઘણા પૈસા આપો. અમારું માન જાળવો. અમારા પગમાં પડો. અમે સાધુ-સંન્યાસી, પંડિત-પુરોહિત વચેટિયા છીએ. તમે કરેલા પાપોનું પરિણામ ન ભોગવવું હોય તો અમને વચ્ચે રાખો. અમે ભગવાનને સમજાવી લઈશું. ચિત્રલેખના ચોપડામાં ચેકચાક કરાવી દેશું. અમારા પ્રયાસથી સજામાંથી મુક્તિ મળી જશે. બસ અમને તમારી વકીલાતનું કામ સોંપો. અને અમે કહીએ તેમ કરો. અમારું તરભાણું ભરો.

Leave a Reply