જીવનમાં મસ્તીનો મહિમા છે.

પોતાના ભીતરને શોધતી વ્યક્તિએ પહેલો પ્રશ્ન એ કરવો જોઈએ કે એ પોતે અસલી ફૂલ છે કે કાગળનું ફૂલ છે ? બાહ્ય દેખાવમાં તો આ બંને ફૂલ સમાન લાગે, પણ અસલી ફૂલ પાસે સાહજિક સુવાસ હોય છે, જયારે કાગળના ફૂલને પોતાની જાતને સુંદર દેખાડવા માટે આસપાસ ઘણી યુક્તિ રચવી પડે છે. અસલી ફૂલ જેવા માનવીઓમાં સહજતા હોય છે, ત્યારે કાગળના ફૂલ જેવા લોકો એક મોહરું પહેરીને ફરતા હોય છે. એક ફૂલ એ તમારા હૃદયમાંથી જન્મેલું હોય છે અને કાગળનું ફૂલ એ કલાકારે રંગ-રેખાથી સર્જેલું હોય છે.
અસલી ફૂલ અને કાગળના ફૂલને સાથે સાથે રાખો, તો પણ મધમાખીઓ તો સાચા ફૂલની સુવાસથી
આકર્ષાઈને એના પર જ બેસશે. જયારે કાગળના ફૂલ ઉપર લાખ ઉપાયે મધમાખીઓ બેસતી નથી. નકલી માનવી બીજા પ્રપંચ ખેલીને પોતાને કામયાબ અને પાવરધો માનતો હોય છે, પરંતુ હકીકતમાં તો એ પોતાની જાતને પહેલો દગો કરતો હોય છે અને સત્યને ઢાંકીને અસત્યનો સહારો લેતો હોય છે.
તમારું જીવન જો અસલી ફૂલ હશે, તો એમાં મસ્તી અને મુક્તિ હશે, આનંદ અને ઉલ્લાસપૂર્વક જીવન જીવવાની પ્રસન્નતા હશે. ભીતરની સચ્ચાઈમાંથી જાગેલી ખુમારી હશે. બોજમુક્ત મનને કારણે ચહેરા પર હાસ્ય લહેરાતું હશે, પરંતુ જો તમે કાગળના ફૂલ હશો, તો સદા મનમાં મુશ્કેલીઓની આશંકા અને બંધનનો ભય સતાવતો રહેશે. તમારા ચહેરા પર અકળામણની, ગુસ્સાની કે લુચ્ચાઈની રેખાઓ વારંવાર દેખાતી રહેશે. હૃદયની ખુમારીને બદલે કરેલાં કાળા કર્મોને છાવરવાનો દંભ તમારા હૃદયમાં હશે અને ચહેરા પર હાસ્યને બદલે ચિંતા, જૂઠ પકડાઈ જવાનો ભય અને આડંબર ખુલ્લો પડી જવાની ફિકર ડોકિયા કર્યા કરશે, આથી જ જીવનમાં મસ્તીનો મહિમા છે. એકવાર હૃદયની સચ્ચાઈમાંથી જાગેલી મસ્તી મળે તો પછી જગતમાં સર્વત્ર પ્રસન્નતાનું પ્રાગટ્ય લાગશે અને એ પ્રાગટ્ય આવતાં એના જીવનમાંથી સતત અસલી ફૂલની સુવાસ પ્રગટશે અને આસપાસના વાતાવરણને સુગંધિત કરશે.

Leave a Reply