સંતે હસતાં હસતાં કહ્યું

ચીનમાં મહાન દાર્શનિક સંત તરીકે તાઓ બૂ ચીનની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. પરમ વિદ્વાન તાઓ બૂ ચિન અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. આ સંતના સાનિધ્યમાં જે કોઈ આવતા, તેઓ પરમ સંતોષ પામતા હતા. આ સંત પણ આવનારની યોગ્યતા જોઇને એ પ્રમાણે એને ઉપદેશ આપતા.
એક વાર ચુંગ સીન નામનો એક યુવાન અપાર ધર્મ જિજ્ઞાસા સાથે એમની પાસે આવ્યો. એણે આ મહાન દાર્શનિક સંતને કહ્યું, “બહુ દૂરથી આવ્યો છું, મોટી આશા સાથે આવ્યો છું. મારા જીવનને સાર્થક કરે એવો ધર્મોપદેશ પામવા આવ્યો છું.”
સંત તાઓએ એ યુવાનને થોડો સમય પોતાની પાસે રાખ્યો અને પછી દીન-દુઃખીઓની સેવાનું કાર્ય સોંપ્યું. ચુંગ સીન વૃદ્ધો અને લાચારની સેવા કરવા લાગ્યો. એમનો ઉપચાર કરાવતો હતો, યોગ્ય સમયે એમને આહાર આપતો હતો. એમની એક – એક બાબતનું પૂરેપૂરું ધ્યાન રાખીને સેવાશુશ્રૂષા કરતો હતો. આ સેવા – કાર્યમાં એ એવો તો ડૂબી ગયો કે ન એણે રાત જોઈ કે ન એણે દિવસ જોયો. સેવાને કાજે ક્યારેક આખી રાતના ઉજગરા કર્યા, તો ક્યારેક દિવસભર ભારે દોડધામ કરી.
આવી રીતે ઘણો લાંબો સમય સેવાકાર્ય કર્યા પછી એક દિવસ ચુંગ સિને પોતાના ગુરુ તાઓને કહ્યું, “ઘણા લાંબા સમયથી આપની પાસે રહું છું, પણ હજુ ધર્મનો તો કોઈ ઉપદેશ આપની પાસેથી પામ્યો નથી, તો હું મારું જીવન કઈ રીતે સાર્થક કરી શકીશ ? હું તો ઊંડી ધર્મ જિજ્ઞાસા લઈને આવ્યો હતો. આપના જેવા જ્ઞાની સંત પાસેથી ધર્મતત્વની જિજ્ઞાસાઓનો ઉકેલ પામવો હતો. હજુ સુધી આપે આ બાબતે કોઈ માર્ગદર્શન આપ્યું નથી.”
સંતે હસતાં હસતાં કહ્યું, “તને ધર્મની શિક્ષા તો ક્યારનીય મળી ચૂકી છે. તું ધર્મમય બની ચૂક્યો છે. પછી હું તને આ બાબતમાં શો ઉપદેશ આપું ? તને સોંપેલા કર્તવ્યનું તો નિષ્ઠાથી પાલન કરે છે અને આ જ જગતનો સૌથી મોટો ધર્મ છે. સમજ્યો ?”

Leave a Reply