દેહને અપાર યાતના આપી, છતાં પીડા કે દુઃખ કેમ નહીં ?

ગામની બહાર બહાર આવેલા આશ્રમમાં વસતા સંત પાસે એક યુવક આવ્યો અને એણે વર્ષોથી એના મનમાં ધોળાતી જિજ્ઞાસાનું સમાધાન પૂછ્યું : એણે સવાલ કર્યો ?
“અયોધ્યાની રાજગાદી ગુમાવનાર રામને વનવાસ મળ્યો છતાં એનાથી કેમ દુઃખી થયા નહીં ?”, “યોગી મહાવીરના સાડાબાર વર્ષના સાધનાકાળમાં એમના પર અનેક ઉપસર્ગો (આફત) આવ્યાં, છતાં એમને કેમ કોઈ દુઃખનો અનુભવ ન થયો ?”, ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવીને જાતજાતના કષ્ટ આપવામાં આવ્યા છતાં એમણે એના દુઃખનો કેમ અનુભવ ન કર્યો અને વળી પોતાને આવી સજા કરનાર આતતાયીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી ?”, મીરાંબાઈ હસ્તે મુખે ઝેર ગટગટાવી ગયા. આવું બને કઈ રીતે ?”
સંત યુવકની વાત સાંભળીને હસ્યા અને બાજુમાં પડેલું લીલું નાળિયેર આપતાં કહ્યું, “તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પહેલાં આ નાળિયેર તોડીને એમાંનું કોપરું મને આપ.”
યુવાને લીલું નાળિયેર તોડ્યું તો ખરું, પણ એમાંથી કોપરું જુદું મળ્યું નહિ, એ સંત પાસે પાછો આવ્યો, તો સંતે વળી એને એક સૂકું નાળિયેર આપ્યું અને કહ્યું, “જરા, આ નારિયેળ તોડીને જુઓ તો ?”
યુવાને એ નાળિયેર તોડ્યું, એમાંથી કોપરું જૂદું નીકળ્યું એટલે એ દોડતો દોડતો સંતની પાસે આવ્યો અને કહ્યું, “લો, આ કોપરું.”
સંતુ કહ્યું : “યુવાન, આ જ તારી શંકાનું સમાધાન છે. રામ, મહાવીર, ઇસુ ખ્રિસ્ત કે મીરાં જેવી વ્યક્તિઓ સૂકા નાળિયેર જેવી હોય છે, જેમાં બહારની છાલ અને કોપરું જુદાં હોય છે. એમને મન દેહ અને આત્મા ભિન્ન હોય છે. જે પીડા દેહ પર થતી હોય છે, તેની કોઈ અસર એમના આત્મા પર થતી નથી. આથી જ તેઓ પોતાનામાં મસ્ત રહીને સહુના કલ્યાણનો વિચાર કરતા હોય છે. જયારે સામાન્ય માનવી લીલા નાળિયેર જેવા હોય છે, જેમાં નાળિયેરની મલાઈ નાળિયેર સાથે ચોંટેલી હોય છે. જુદી હોતી નથી. એમ એમના શરીર સાથે એમની આસક્તિ વળગેલી હોય છે, જેથી દેહ અને આત્માની ભિન્નતાનો એમને ખ્યાલ આવતો નથી.”
આ વાત સાંભળીને યુવાનને આસક્તિ અને અનાસક્તનો મહિમા સમજાયો અને સાથોસાથ દેહ પરના સુખ અને દુઃખના બંધનને પાર રહેલા આત્માની કલ્યાણ ભાવનાનો ખ્યાલ આવ્યો…

Leave a Reply