સિદ્ધિ વિનાયકમાં પૈસા ગણવાના મશીનો ગોઠવાય છે.

સર્ફિંગ કરતા ત્રણ સમાચારો એક જ પેજ પર જોવા મળ્યા હતા. એકમા સોમનાથ મંદિર ખાતે સોનાના થાંભલા બનાવવા ૩૦ કિલો સોનું જડબેસલાક સલામતિ વચ્ચે સોમનાથ પહોંચાડયું હતું. બીજા સમાચાર એ હતા કે સારવારના પૈસાને અભાવે એક માતાએ તેના બાળકને મારવા દીધું હતું. ત્રીજા સમાચાર એ હતા કે બાળકોને ભણાવતી સ્કૂલ જર્જરિત થઈ ગઈ છે એટલે બાળકો માટે સ્કુલમાં ભણવું જોખમ સમાન હતું.
ત્રણ ઘટનામાં બે સજીવો સાથે બની રહી છે તો એક નિર્જીવ સાથે સંકળાયેલી છે. આપણે ત્યાં મંદિરોમાં સોનું ચઢાવવું અને આખા મંદિરને સોનાનું બનાવવા પાછળ એક પ્રકારની શ્રદ્ધા સંકળાયેલી છે.
અંબાજી મંદિરમાં એક જ પટેલ પરિવારે ૨૫ કિલો સોનું આપ્યું છે. જેમ અંબાજી સોના મઢ્યું થશે એમ સોમાના મંદિર સોના મઢ્યું બનશે. સોનાનો આ ચળકત દરેક શ્રદ્ધાળુઓને ગમશે પણ આ ચળકાટ પાછળ સારવારના પૈસા નહીં હોવાથી માતાએ બાળકને યમરાજ પાસે જવા દીધું અને બાળકો માટેની જર્જરિત શાળા ભૂલવી ના જોઈએ.
આપણે જેટલું ધર્મને મહત્વ આપીએ છીએ એટલું મહત્વ આરોગ્ય તેમજ શિક્ષણને આપવાની જાણકારી હોવા છતાં તે તરફ બે ધ્યાન રહીએ છીએ.
સોમનાથ મંદિરને તબક્કાવાર સોનામઢ્યું બનાવાઈ રહ્યું છે. ૩૦ કિલો સોનાના સ્તંભો દિલ્હીથી લવાયા હતા. આ સ્તંભ દિલ્હી તૈયાર કરાયા છે. ૩૦ કિલો સોનું એટલે અંદાજે સાડા નવ કરોડની કિંમત થાય (વર્ષ – ૨૦૧૮) છે. સુવર્ણ સ્તંભોથી મંદિર ઝળહળી ઉઠશે તે પણ નક્કી છે.
આઝાદીના સાત દાયકા પછીય દેશના અંતરિયાળ ગામો હજુ અવિકસિત છે. શિક્ષણ તો બહુ દૂરની વાત છે. અહીં માણસોના ડોકટરો પણ નથી તે તો ઠીક પણ પશુઓ માટે પણ ડોકટરો નથી. શિક્ષણના અભાવે ગામોમાં અંધશ્રદ્ધા ધૂણતી દેખાય છે. ડોકટરો ના હોવાથી લોકો ભૂવા પાસે જાય છે. ભૂવો બનવા કોઈ
શિક્ષણ કે લાયકાત નથી જોઈતી !!! લોકોને ડરાવીને પૈસા પડાવી લેવાનો આ ધીકતો ધંધો છે. જો આ ભૂવાઓનો ધંધો બંધ કરાવવો હોય તો મંદિરો તરફ જતા દાનના પ્રવાહની દિશા બદલીને ગામડાના વિકાસ તરફ પ્રવાહ મોકલવો પડે.
ઉનાની ખાનગી હોસ્પિટલમાં એક સ્ત્રી નવજાત બાળકને રેઢું મુકીને એટલા માટે જતી રહી કે તેની પાસે સારવારના પૈસા નહોતા. આવા કિસ્સા જોઈએ ત્યારે એમ થાય લાગે કે માનવતા મરી પરવારી છે કે શું ? ગામડામાં પોષણયુક્ત આહારથી પીડાતા લોકો, ક્ષય રોગ સહિતની બિમારીઓથી ત્રસ્ત જીવન, ભૂખમરો વગેરે જીવતે જીવ નર્ક જેવી સ્થિતિના દર્શન કરાવે છે.
એક વિકલ્પ એ પણ છે કે જો મંદિરોમાં જ દાન આપવાથી સંતોષ થતો હોય તો શ્રદ્ધાળુઓને સંતોષ લેવા દેવો જોઈએ પરંતુ દરેક મંદિરને ૪૦-૫૦ ગામોમાં સુવિધા ઉભી કરવાનો સરકારે આદેશ આપવો જોઈએ. મંદિરમાં દાનની આવક પ્રમાણે તેમને ગામડા દત્તક આપી દેવા જોઈએ. જેમાં તે શિક્ષણ, આરોગ્ય, સફાઈ, રસ્તા વગેરેનું કામ સંભાળી લે. જેથી પંચાયતોના ખર્ચા પણ બચે અને લોકોને શહેર જેટલી સુવિધા મળી રહે…!
આઝાદીના સાત દાયકા પછી ગામડામાં પાયાની સગવડ ના હોય તો તેના માટે માત્ર સરકારોને જવાબદાર ગણવી એને રાજકારણ કહી શકાય પરંતુ એક માનવ બીજા માનવને સવલતો આપવા શા માટે ખચકાય છે તે સંશોધનનો વિષય છે.
શાળાઓને, સ્કૂલોની મરામત કોઇપણ દાનવીર કરાવી શકે છે. આરોગ્યની સવલતો પણ આપી શકાય છે. જેમ મંદિરોમાં ભગવાનની પૂજા થાય છે એમ આ ગરીબ જનતાની પૂજા શરૂ કરાય તો સ્વર્ગ ધરતી પર ઉતરી આવે. મંદિરોને મળતા દાન તરફ પાછા ફરીએ તો આ મુદ્દે સોમનાથ કે અંબાજીની વાત નથી. તિરૂપતિ મંદિરથી માંડીને શિરડીના સાઈબાબા સુધીના મંદિરોની આવક કરોડોમાં ગણાય છે. તહેવારોના દિવસોમાં તો આ મંદિરોમાં દાનનો વરસાદ પડે છે. ગુજરાતના કાશી ગણાતા ડાકોરમાં તો પૈસા ગણવા ૨૦ લોકોને બેસાડવામાં આવે છે તો સિદ્ધિ વિનાયકમાં પૈસા ગણવાના મશીનો ગોઠવાય છે.

Leave a Reply