હરિ ૐ સંદેશ

વિવેક એટલે યોગ્ય અને અયોગ્યનો વિચાર. સારા અને નરસાનો ભેદ. શુભ અને અશુભની ઓળખ. જીવનમાં જે અપનાવવા યોગ્ય છે તેને અપનાવવું અને જે ત્યજવા યોગ્ય છે, એનો ત્યાગ કરવો. માનવીની વિચિત્રતા એ છે કે જે અપનાવવા યોગ્ય છે એનું એને સહેજે આકર્ષણ હોતું નથી. જે ત્યજવા યોગ્ય છે એની પાછળ એ આંધળી દોટ લગાવતો હોય છે. નિરર્થક પરિગ્રહ, વળગણરૂપ સબંધો અને બહેકેલી વૃત્તિઓ માનવીની આસપાસ વીંટળાઈ વળે છે અને તેથી જીવનસાર્થક્યથી એ વધુ ને વધુ દૂર ચાલ્યો જાય છે. એને ધન કે પદની લાલસા હોય છે. જ્યાં સુધી એને ધન કે પદ મળતું નથી ત્યાં સુધી રાત-દિવસ એ બેચેન રહે છે. ધન કે પદ મળ્યા પછી નવા સવાલો અને સમસ્યાઓ એને ઘેરી વળે છે. એ ધારતો હતો કે ધન કે પદ મળતાં આનંદની પરમ ચરમ સીમાનો અનુભવ થશે, પરંતુ એની પ્રાપ્તિ સાથે અનેક નવા પડકારો પ્રશ્નોરૂપે સામે આવે છે. બહારની ભૌતિક વસ્તુઓને પકડનાર હંમેશા બાહ્ય જગતમાં જીવતો રહે છે. ધીરે ધીરે એને લાગે છે કે જેમાં સુખ માન્યું હતું એ તો માત્ર આભાસ હતો, એક ભ્રમણા કે મૃગજળ છે. એની પાછળ જ્યાં સુધી એ દોડતો હતો ત્યાં સુધી કંઇક ઉત્સાહી હતો પરંતુ એ દોટ અટકી ગઈ એટલે નિરુત્સાહ અને ખાલીપો અનુભવે છે. આવી છે… છેતરામણી… નિરર્થક માટેની દોડ. આથી વિવેક જીવનમાં કઈ વસ્તુઓની પ્રાપ્તિ જીવનને સાર્થક બનાવે છે અને કઈ વસ્તુઓની પ્રાપ્તિ જીવનને નિરર્થક બનાવે તેવી છે તેની સમજ આપે છે.
વિવેક લક્ષ્યનું સ્મરણ કરાવે છે. યોગ્ય-અયોગ્યની પસંદગીનો માપદંડ એ વ્યક્તિનું નિર્ધારિત લક્ષ્ય હોય છે. ક્યા માર્ગે આગેકૂચ કરવાની છે અને ક્યા માર્ગની ઉપેક્ષા કરવાની છે એનો ભેદ તારવીને એ આગળ વધે છે. વિવેક એ ધર્મનું મૂળ છે. સાચી સમજની ગંગોત્રી છે અને જીવન સાર્થક્ય પામવાના લક્ષ્યનું મહત્વનું સોપાન છે. ક્યારેક તો વિવેક લોકો નવી રીતે શીખવાડે છે. તાજેતરમાં મને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તે સમજાવેલ કે એક વખત “જય સ્વામિનારાયણ” બોલવાથી એક હજાર વખત “ગાયત્રી” મંત્ર બોલવાનું પૂણ્ય મળે છે…! એટલે કે તમે “સીતા-રામ” બોલવાને બદલે “જય સ્વામિનારાયણ” બોલો અને લોકોને “જય સ્વામિનારાયણ” બોલાવો એટલે એ “જય સ્વામિનારાયણ” બોલનાર આવતા જન્મે “સત્સંગી” બને…! આ તે કેવા પ્રકારનો વિવેક…!

Leave a Reply