હરિ ૐ સંદેશ

તાજેતરમાં ધર્મના નામે ધતિંગ કરતા લોકો પર સંકટના વાદળો વરસે છે…! કારણ કે અદાલતો તરફથી અવારનવાર જેલની સજા થાય છે…! આપણા લગભગ તમામ ધર્મના તમામ તીર્થક્ષેત્રોની બહાર લૂંટારાઓની એક ફોઝ કામે લાગેલી હોય છે. ભોળા દર્શનાર્થીઓ એમની જાળમાં ફસાઈ જાય છે. મંદિરના પૂજારીઓ, ટ્રસ્ટીઓ અને સેવકો ગમે તેટલું ધ્યાન રાખે તો પણ એવા તત્વો ત્યાં પહોંચીને દર્શનાર્થીઓને આબાદ રીતે પોતાની જાળમાં ફસાવીને ખંખેરે છે. આપણા દેશમાં હજારો ઢોંગી બાવાઓ તો એવા છે જેઓ દર્દીના ઈલાજને બહાને એમના પરિવારોને લૂંટે છે. પરિવાર જયારે પોતાના સ્નેહીજનને રોગમાંથી ઉગારવાની મથામણમાં હોય છે ત્યારે બેનંબરી બાબાઓ દયાહીન થઈને પોતાના કરતૂતોનો કસબ તેમના પર અજમાવે છે. પરિવારને ભાન આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય છે. દેશના પોલીસ સ્ટેશનોમાં ઢોંગી બાબાઓના અનૈતિક કૃત્યો સામે ફરિયાદો વધવા લાગી છે. “મહિલા કે શરીર મેં પ્રેત બાધા હૈ” એમ કહીને મહિલાને કોઈ ખંડના એકાંતમાં લઈ જનારા ઢોંગી બાબાઓ પર અંધશ્રદ્ધા ધરાવતા બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક પરિવારજનો ખુદ પણ દોષિત હોય છે. સ્ત્રીઓ પર અત્યાચાર કરનારા અને ભારતીય ગ્રામસમાજ પર પોતાની જાળ ફેલાવનારા નકલી બાબાઓનો કોઈ પાર નથી.આપણા દેશમાં નિરાશારામોની સંખ્યા નાનીસૂની નથી. હવે એમનો ભોગ બનનારી વ્યક્તિઓ ફરિયાદ નોંધાવીને અદાલતના આંગણા સુધી ન્યાય મેળવવા પહોંચવા લાગી છે અને ન્યાય મળે છે. અદાલતો પોતે ત્રિકાળજ્ઞાની નથી કે તે પોતે બધુંજ જાણી શકે, સમાજે સાહસ કરીને સમગ્ર કાનૂની પ્રક્રિયાઓમાંથી પસાર થવાની તૈયારી રાખવી પડે છે અને એને કારણે અનેક નિર્દોષ લોકો આવા ઢોંગી બાબાઓના સકંજામાં ફસાતા રહી જાય છે, બચી જાય છે. વિવિધ અત્યાચારો પરની સજાના કાનૂનમાં દેશમાં ઝડપી સુધારાઓ આવી રહ્યા છે. છતાં દુષ્કર્મની ઘટનાઓ ઓછી થતી નથી જે એમ પણ બતાવે છે કે સમાજની સાવધાની ને કેન્દ્રના ગૃહખાતાના કમાન્ડ-બંને ઓછા પડી રહ્યા છે. દેશમાં મનોવિકૃત લોકોની સંખ્યામાં થયેલા વધારાને સમાજે હજુ વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે. લોકો એ સત્ય હજુ સમજ્યા નથી કે જે દૂર બને છે તે જો સાવચેતી રાખવામાં ન આવે તો નજીક પણ બની શકે છે. દુષ્કર્મની કેટલીક ઘટનાઓ તો જાણે પૂર્વ દુષ્કર્મના પુનરાવર્તન જેવી અને સમાન મોડેસ ઓપરેન્ડી ધરાવતી જોવા મળે છે. જે સબંધિત રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે પણ કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરે છે. સમય બદલાઈ ગયો છે એની જાણ સુખદ રીતે થાય તે સર્વસ્વીકૃત હોય છે, પરંતુ સમય બદલાયો છે એની જાણ દુઃખદ રીતે થઈ રહી છે અને હજુ એનું ભાન જો સમગ્ર સમાજને ન હોય તો એ વધુ દુઃખદ છે…!

Leave a Reply