એટલે વખાણ કે વખોડવાની પ્રવૃત્તિના ચક્કરમાં ન ફસાનારને જ શાંતિ મળે છે….!

સામાન્ય રીતે સમાન વિદ્યા વાળા લોકો એકબીજાની ઈર્ષ્યા કરે છે. એક રમૂજી ટૂચકા સાથે કોઇકે કહ્યું છે કે કેરીના વખાણ સાંભળીને નારિયેળની અંદરનું પાણી સુકાઈ ગયું. ફણસ પણ કાંટાળી બની ગઈ. કાકડી બે ભાગોમાં વહેંચાઈ ગઈ. કેળાનું મોં નીચું થઈ ગયું, દ્રાક્ષનું કદ નાનું થઈ ગયું અને જાંબુડાનો રંગ કાળો થઈ ગયો. આ બધાનું કારણ મત્સર (ઈર્ષ્યા) નામના દોષનું જ પરિણામ છે.
ઈર્ષ્યાનું એક કારણ હોય છે કે લોકો પોતાને બીજા કરતાં ચડિયાતો ગણી માન – સન્માન આપે, તેવી અહંકારી માણસ ઈચ્છા ધરાવતો હોય છે. અહંકારી માણસ સત્યનો અનાદર અને અસત્યનો આદર કરે છે,
ઈર્ષ્યાળુ એ અજ્ઞાની છે કારણ કે સત્ય સ્વીકારવા એ તૈયાર જ નથી હોતો, કોઈકને વખોડવા, તેની નિંદા કરવી, તેને બદનામ કરવાની કોશિશ કરવી, તેને નુકસાન થાય તેવાં કાવતરાં કરવા, આ બધી પ્રવૃત્તિ એક પ્રકારની હિંસા જ છે. ધર્મનો અર્થ માત્ર દેવપૂજા નથી, પણ બીજાને મન-વચન-કર્મથી દુઃખ ન આપવું એ પણ ધર્મ જ છે. નીચ મનોવૃત્તિવાળો માણસ કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને મત્સરથી ભરેલો હોય છે એટલે એનામાં સદ્દ્વૃતિ હોતી નથી. નિંદાવૃત્તિ એક પ્રકારનો આવેશ છે. વિદ્વાન લોકો પણ આવેગને વશ થઈ કુત્સિત માર્ગે પ્રયાણ કરવા લલચાય છે.
સ્વાર્થી લોકો દુઃખ આવે ત્યારે ઈશ્વરને પણ વખોડતાં અચકાતા નથી. ઈશ્વરે સૃષ્ટિ નિર્માણમાં ક્યાં ક્યાં ભૂલો કરી છે, તેનું લિસ્ટ તૈયાર રાખે છે અને પોતાને સુખ નહીં આપનાર ઈશ્વરને “નિર્દયી” કહી વગોવે છે.
“ગરીબો જો ઈર્ષ્યા કરતા હોય તો ક્યારેક સ્વાર્થવશ અથવા પેટ ખાતર આવી ઈર્ષ્યા અને વેર ક્ષમ્ય ગણાય. આપણી રોટલી કોઈ છીનવી લે તો તેના ગળામાં આંગળી નાખી ઓકાવવી એ આપણો ધર્મ બની જાય છે. આપણે તે જતું કરીએ તો દેવતા છીએ, પરંતુ મોટા માણસોનું વેર અને ઈર્ષ્યા માત્ર આનંદ માટે હોય છે”.
સુંદર મજાની એક કથા છે, તદનુસાર “એક વાર જૈન સંત ઉમાસ્વામી એક પુસ્તક લખી રહ્યા હતા. તે વખતે એક માણસ તેમની પાસે આવ્યો. અને તેમને લેખનમાં વ્યસ્ત જોઈ તેમની સામે ચૂપચાપ બેસી રહ્યો. જયારે સંતનું ધ્યાનભંગ થયું ત્યારે તેમણે પેલા માણસને આવવાનું પ્રયોજન પૂછ્યું.” પેલા માણસે કહ્યું : “મારા મનમાં કેટલીક જિજ્ઞાસાઓ છે જેનું સમાધાન આપની પાસે મેળવવા આવ્યો છું. મારો પહેલો પ્રશ્ન એ છે કે કોઈની નિંદા કરવાવાળા અને પોતાની પ્રશંસા કરનાર વ્યક્તિને શું ફળ મળે છે ?”
જૈન સંતે કહ્યું : “નિંદા કરનાર વ્યક્તિના ઘણા બધા દુશ્મનો ઉભા થાય છે અને તે જીવનભર કષ્ટ ભોગવે છે, એવું શાસ્ત્રોમાં કહ્યું છે.”
“ભલે સ્વામી, હવે મારો બીજો પ્રશ્ન, અને બીજાની પ્રશંસા કરનારને શું મળે ?”
સ્વામીએ કહ્યું : “પોતાની પ્રિય અને મીઠી વાણીથી તેના અનેક મિત્રો બને છે, તે વ્યક્તિ હંમેશા સુખી રહે છે કારણ કે તેના હિતેચ્છુઓ બધા જ પ્રકારની મદદ કરવા તત્પર હોય છે તેથી જ વ્યક્તિએ મધુર ભાષા બોલવી જોઈએ.”
સમાન વ્યવસાય, સમાન વેપાર અને સમાન પ્રવૃત્તિ કરનાર લોકો એકબીજાની પ્રશંસા કરવામાં કંજૂસ અને નિંદા માટે ઉત્સુક હોય છે. નોકરીમાં પણ પોતાના કરતા ઊંચો હોદ્દો ધરાવનારના સદ્દગુણો જોવાને બદલે દુર્ગુણો જોઈ અદેખાઈ વ્યક્ત કરતા હોય છે. બીજાની નિંદા કરવી એ એક પ્રકારનો પ્રતિશોધ છે. બીજાની પ્રશંસા કરવાને બદલે ઈર્ષ્યાવશ તેને વખોડવાની પ્રવૃત્તિ કરવી એ નૈતિક અધઃપતન અને સામાજિક દુષણ છે.
મહાભારતના શાંતિપર્વમાં વ્યાસજીએ કહ્યું છે તેમ કોઈની નિંદા નહીં કરવી જોઈએ અને તેવી નિંદાને કોઇપણ પ્રકારે સાંભળવી ન જોઈએ. જો કોઈ નિંદા કરતું હોય તો પોતાના કાન બંધ કરી દેવા જોઈએ અથવા તેવા સ્થળેથી ઉભા થઈને ચાલ્યા જવું જોઈએ.
નિંદા કે ઈર્ષ્યા એ વિશ્વવ્યાપી રોગ છે. માણસ જેમ મોટા હોદ્દા પર તેમ તે બીજાની પ્રશંસા કરવાની વૃત્તિથી દૂર રહે છે.
શેખ સાદીએ એક મહત્વની વાત કરી છે કે પરમેશ્વર બધું જુએ છે અને છુપાવે છે. જયારે પડોશી જોતો નથી અને રાડારાડ કરી મુકે છે.
વામણા માણસો બીજાને વખોડવાની એક તક જતી કરતા નથી અને વિરાટ માણસો બીજાની પ્રશંસા કરવાનો મોકો જતો કરતા નથી. “હેમલેટ”મા શેક્સપિયરે ઉચિત જ કહ્યું છે કે તમે બરફની જેમ વિશુદ્ધ રહેશો અને હિમ સમાન પવિત્ર, તો પણ લોકનિંદાથી બચી શકશો નહીં.
એટલે બીજાને વખોડવા એ કાયરતા છે અને વખાણવા એ બહાદુરી છે. જો કે એક મહત્વની વાત યાદ રાખવા જેવી છે કે આક્ષેપ સત્ય હોય કે પૂર્ણતઃ અસત્ય, પણ તેની અસર લોકોના મન પર પડે છે અને ઉચ્ચ પદ વિરાજિત વ્યક્તિના માન-સન્માનને ખંડિત કરી શકે છે.
ડેલ કાર્નગીએ કહ્યું છે તેમ અનુચિત આલોચના (ટીકા) એ આડકતરી રીતે પ્રશંસા જ છે. યાદ રાખો કોઈ પણ વ્યક્તિ મરેલા કૂતરાને લાત મારતું નથી.
એટલે જ કહેવામાં આવ્યું છે કે ચોર ચંદ્રમાની નિંદા કરે છે, વ્યભિચારી ગૃહસ્વામીની, દુષ્ટ વ્યક્તિ સુશીલની, અસતી સ્ત્રી સાધ્વીની, અકુલીન માણસ ખાનદાન માણસની, યુવા વ્યક્તિ વૃદ્ધની, નિરક્ષર વ્યક્તિ વિદ્વાનની, ગરીબ વ્યક્તિ ધનિકની, કદરૂપો માણસ રૂપવાન વ્યક્તિની, અજ્ઞાની વ્યક્તિ જ્ઞાનીની તથા હલકટ વ્યક્તિ ઉત્કૃષ્ટ વ્યક્તિની નિંદા કરે છે. એટલે વખાણ કે વખોડવાની પ્રવૃત્તિના ચક્કરમાં ન ફસાનારને જ શાંતિ મળે છે….! એટલે કે ગર્ભવતી સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને નિંદા કરવાની કે સંભાળવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ.

Leave a Reply