જયારે આપણા ભારતમાં તો ભગવાનના જીવન પ્રદર્શન જોવાની ટિકિટ લેવામાં આવે છે…!

“પારકાના હિતને ખાતર જ પોતાનું જીવન જીવનાર આ મહાભાગ્યશાળી વૃક્ષો તો જુઓ. પવન, વરસાદ, ગરમી અને ઠંડીને સહન કરીને આપણને તે સર્વથી બચાવે છે. જેમ કોઈ સજ્જનના દ્વારેથી કોઇપણ પ્રકારની વસ્તુની ઈચ્છાવાળો માણસ નિરાશ થતો નથી તેમ આ વૃક્ષોના સર્વ પ્રાણીઓના જીવનરૂપ જન્મને ધન્ય છે.” – શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ, દશમ સ્કંધ, અધ્યાય – ૨૨
ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાસીઓ અને બલરામજીને વૃક્ષોનો મહિમા દર્શાવતા આ પ્રમાણે એમની પ્રશંસા કરી હતી. એમણે વૃક્ષોને “સત્પુરુષા ઇવ (સજ્જનો જેવા) કહ્યા છે કેમ કે એ અનેક પ્રકારે માનવ જાતિનું અને અન્ય પ્રાણીઓનું કલ્યાણ કરે છે. વૃક્ષો એમના પાંદડા, ફૂલ, ફળ, છાયા, મૂળ, લાકડાં, ગંધ, ગુંદર, ભસ્મ, ઠળિયા અને અંકુરોથી મદદરૂપ બને છે.
અગ્રગણ્ય અમેરિકન બોટનિસ્ટ હોર્ટિકલ્ચર અને એગ્રિકલ્ચર સાયન્સના પાયોનિયર લુથર બરબેન્ક (Luthar Burbank) દર્શાવે છે કે ભાવનાઓ દ્વારા વનસ્પતિમાં જબરદસ્ત પરિવર્તન લાવી શકાય છે. તેમણે લખ્યું છે – “The secret of improved plant breeding apart from scientific knowledge is love (હવે આપણે ભારતીયોએ કહેવાનું કે અમારા ઋષિઓ તો પહેલેથી જ કહેતા… છતાં હકીકત છે કે અત્યારના લેભાગુ ગુરૂઓ પોતાના શિષ્યને સમજાવે છે કે આપણો ફલાણો મંત્ર એકવાર બોલવાથી એક હજાર ગાયત્રી મંત્રનું ફળ મળે છે…!) : છોડના સંવર્ધિત, સુધારેલા ઉછેર માટે વૈજ્ઞાનિક જ્ઞાન કરતાં વિશેષ એમના પરત્વે પ્રેમની લાગણી અનુભવવી એ છે,” “ધ ટ્રેનિંગ ઓફ હ્યુમન પ્લાન્ટ” નામના તેમના પુસ્તકમાં તે કહે છે – “આત્મ ચેતનાના વિકાસની સાથે મેં અનુભવ કર્યો છે કે જગતનો દરેક પરમાણું આત્મામય છે. જીવજંતુઓ જ નહીં, વૃક્ષ-વનસ્પતિઓમાં પણ એ જ આત્મા આલોકિત થઈ રહ્યો છે… એ જાણીને મને ભારે વિસ્મય થયો. વૃક્ષો વિશે સંશોધન કરતાં કરતાં હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે એમનામાં જે કાંટા ઊગે છે તે એમના ક્રોધ અને રુક્ષતાના સંસ્કાર છે. તે પોતાના રક્ષણ માટે ફૂલ સાથે કાંટા પણ ઊગાડવા લાગ્યા. એટલે મને વિચાર આવ્યો કે જો એમનો પ્રેમ અને લાડકોડથી ઉછેર કરવામાં આવે અને એમને ભાવ અને વિચારથી એવું ઠસાવવામાં આવે કે તેમને કોઈનો ડર રાખવાની જરૂર નથી, કોઈ એમને હાનિ પહોંચાડશે નહીં તો એમને કાંટા વિનાના પણ બનાવી શકાય. પ્રેમ એક મહાશક્તિ છે. પ્રેમના ઉપયોગથી એમનામાં પરિવર્તન લાવી શકાય એવું નક્કી કરી મે એમના પર પ્રયોગો કરવાનો પ્રયત્ન કર્યો. હું ગુલાબના છોડ સાથે અને ફાફડાથોર સાથે પ્રેમપૂર્વક વાતો કરતો. એમને કહેતો કે તમારે હવે કોઇથી ગભરાવાની જરૂર નથી. તમે મારા સંતાન સમા છે. હું તમારું રક્ષણ કરીશ તમારે હવે તમારા પર કાંટા ઉગાડવાના નથી”. સાચે જ લ્યુથર બરબેન્કનો પ્રયોગ સફળ થયો અને એ ગુલાબના છોડ પર કાંટા ઊગ્યાં નહીં. (હવે વિચારજો કે આપણે બહાર હોટલનું ભોજન આરોગ્યે છીએ તેમાં બનાવનાર કેવા વિચારથી બનાવતો હશે…! શું આપણા કેટલાક સાધુઓ – સંતો એવા પ્રયોગ કરતા હશે કે તું મારી દીકરી કે માતા નહીં પણ શક્તિપાત કરવાનું યંત્ર છો…! એવું નથી લાગતું) એ રીતે ફાફડાથોર પણ કાંટા વગરના ઊગ્યા. અખરોટની વૃદ્ધિ ખૂબ ધીમી હતી. બત્રીસ વર્ષે અખરોટ મળતા હતા એમાં સુધારો કરવા બરબેન્કે પ્રયોગો કર્યા અને એમને જલ્દી ઊગવા પ્રેમપૂર્વક સૂચનો આપવા માંડ્યા. એમાં પણ એમને સફળતા મળી. અખરોટની વૃદ્ધિ ઝડપી થઈ ગઈ અને પહેલાં કરતાં અડધા સમયે એટલે કે સોળ વર્ષે ફળ આપવા લાગ્યા.
આ રીતે લુથર બરબેન્કે એમની પંચાવન વર્ષની કારકિર્દીમાં આઠસો જાતના છોડવાઓની વિવિધતાભરી નસ્લ ઉગાડી. (આ રીતે ભારતના બની બેઠેલા સાધુઓ-સંતો પર પ્રયોગ કરવા જોઈએ કે બ્રહ્મચર્ય પાળવા માટે લસણનો ત્યાગ કરવાની જરૂર નથી અને સર્વ સ્ત્રીઓને માતા-પુત્રી સમાન હૃદયથી તન-મનથી આદર આપવાનો શક્તિપાત…? કરવાનો વિચાર કરવાનો નહીં…) કોળું, બટાકા, નેકટારીનેશ, બેરીઝ અને પોપોઝને વિવિધતાપૂર્વક ઊગાડવામાં બરબેન્કે મોટી ક્રાંતિ સર્જી અત્યારે આખા અમેરિકામાં રસેટ બરબેન્ક પોટેટો (Russet Burbank Potato) સૌથી વધારે ઊગે છે અને ખવાય છે.
અમેરિકાના કેલિફોર્નિયાના સાન્તા રોસા એવેન્યું અને સોનામાં એવન્યુની વચ્ચે લુથર બરબેન્ક હોમ, ફાર્મ અને ગાર્ડન આવેલા છે. એમને નેશનલ હિસ્ટોરિક લેન્ડ માર્ક અને કેલિફોર્નિયા હિસ્ટોરિક લેન્ડ માર્ક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એ દરરોજ ખૂલ્લા રહે છે અને એની મુલાકાત માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જયારે આપણા ભારતમાં તો ભગવાનના જીવન પ્રદર્શન જોવાની ટિકિટ લેવામાં આવે છે…!
લુથર બરબેન્ક (૧૮૪૯-૧૯૨૬) મહાન વનસ્પતિ શાસ્ત્રી હોવા ઉપરાંત પૌરસ્ત્ય વિચારધારાને અનુસરનારા મહાન તત્વજ્ઞાની પણ હતા. તેમણે મહાન ભારતના મહાન યોગી પરમહંસ યોગાનંદ પાસેથી “ક્રિયાયોગ”ની દીક્ષા લીધી હતી. (જોયું ભારત તો સંકળાયેલ જ હોય એવા ફાંકા મારવાનું ચૂકવાનું નહીં.) આત્મવત સર્વભુતેષુ (સર્વ પ્રાણીઓમાં મારો આત્મા છે) એ ભાવનાથી સર્વ માટે નિર્વ્યાજ, નિસ્વાર્થ પ્રેમભાવ ધરાવતા. એમના આત્મ સાક્ષાત્કારથી જ તે વૃક્ષો – વનસ્પતિઓ સાથે એકાત્મભાવ અનુભવતા અને એમની ભાવનાનો એ બધા પર પ્રભાવ પડતો હતો.
લંડનથી પ્રકાશિત “ઈસ્ટ એન્ડ વેસ્ટ” પત્રિકામાં એમણે “સાયન્સ એન્ડ સિવિલાઈઝેશન” શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. એમાં તેમણે લખ્યું હતું – “જગતને સુધારવાની શક્તિ પૂર્વમાં કેવળ ભારત પાસે છે. પશ્ચિમના દેશોએ ત્યાંની યોગ-ક્રિયા અને પ્રાણાયામ વિધિ શીખવાની સાથે પ્રેમ, દયા, કરૂણા, ઉદારતા, ક્ષમા, મૈત્રીના ભાવ પણ શીખીને આત્મસાત કરવા જોઈએ. એક દિવસ આખી દુનિયાએ એના ચરણોમાં ઝૂકીને જીવન જીવવાની શુદ્ધ રીતિ અને આત્માનું વિજ્ઞાન શીખવું પડશે, (પણ હાલનું ભારત જોતા તો એમ જ લાગે છે કે આ વાત લેભાગુ ગુરૂઓએ અશક્ય બનાવી દીધી છે… કારણ કે પોતાના બ્રહ્મચર્યનો ભરોસો ના હોવાને કારણે લખવું પડે છે કે લેભાગુ સંતોનું નિવાસસ્થાન સ્ત્રીઓનો પ્રવેશ અહી વર્જિત છે…! પછી આ જ લેભાગુઓ છાનામાના સ્ત્રીઓ પર શક્તિપાત કરતા હોય છે…!) એનાથી જ જગતનું સાચું કલ્યાણ થઈ શકશે”
લુથર બરબેન્ક માનવતાનો સંદેશો આપતા કહે છે – “હું માનવજાતને એક વિશાળ છોડ તરીકે જોઉં છું. તેના ઊંચા પ્રકારના વિકાસ માટે પ્રેમની જ જરૂર છે. સાથે બહાર અવકાશના કુદરતી લાભો, બુદ્ધિપૂર્વકનું સંયોગીકરણ અને જુદી જુદી પસંદગી પણ એટલા જ ઉપયોગી છે. મારા પોતાના જીવનકાળ દરમિયાન વનસ્પતિની ઉત્ક્રાંતિમાં એવી અદ્દભુત પ્રગતિ મેં જોઈ છે કે મને આશા બંધાય છે કે જગતના નાગરિકોને બુદ્ધિપૂર્વકનાં સાદા જીવન સિદ્ધાંતો સમજાવી દેવામાં આવે તો જગત આજે છે એના કરતાં વધારે સ્વસ્થ અને સુખી થાય…!
અમેરિકાના કૃષિ વિજ્ઞાની જ્યોર્જ કાર્વરે અલાબામામાં આવેલ ટસ્કિજી (Tuskeegee) ઇન્સ્ટિટ્યૂટમાં ખેતીવાડીના ક્ષેત્રમાં સંશોધન કરી માનસિક ભાવોથી પાક સંવર્ધનના પ્રયોગો કર્યા હતા. અમેરિકન સિવિલ વોરના આરંભકાળના થોડા સમય પહેલાં જન્મેલા કાર્વરે વનસ્પતિને માનસિક સંદેશ આપી દક્ષિણ પ્રદેશની શુષ્ક વેરાન જમીનને ફળદ્રુપ બગીચા અને પાકથી લસલસતી કરી દીધી હતી. તેમણે પણ બરબેન્કની જેમ વૃક્ષો અને વનસ્પતિ સાથે પ્રેમ અને આત્મીયતાથી સંવાદ સાધ્યો હતો. એ જ રીતે સ્કોટલૅન્ડના આર.એ.ઈ.ના ભૂતપૂર્વ સ્કવોર્ડન લીડર પીટર કે ડી અને એમના પત્ની ઇલિન કેડીએ સ્કોટલૅન્ડના ફોન્ધોર્ન અખાત પાસે આવેલી શુષ્ક, વેરાન અને બિનઉપજાઉ એવી શિખર ભૂમિ પર પ્રેમપૂર્વક વનસ્પતિ સંવર્ધન કરી અદ્દભૂત અભૂતપૂર્વ હરિયાળી ફળદ્રુપ ક્રાંતિ સર્જી હતી. બાગાયત ખેતીના નિષ્ણાતોએ (હોર્ટિકલ્ચરિસ્ટસ) તો એમને એવો અભિપ્રાય આપ્યો હતો કે ત્યાં ઝાડી-ઝાંખરા અને વધુમાં વધુ લેટયુસ (Lettuce) જ ઊગી શકે એ સિવાય કંઈ નહીં ઉગે. પીટર દંપતિએ ત્યાં લાલ કોબીજ, રાસબરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી, ગાજર, બટાકા, ડુંગળી, બીટ વગેરે અનેક શાકભાજી અને ફળ પુષ્કળ પ્રમાણમાં ઊગાડી બતાવ્યા હતા. આનું કારણ આપતાં તે કહે છે – “અમે દરરોજ પાક સાથે એકાત્મ” બની તેમને વધુને વધુ ઊગવા અને ફૂલવા-ફાલવા માટે પ્રેમથી વિચાર સંપ્રેષિત કરતા હતા. અમે ખાતર પાણી સાથે એમને હૃદયના શુદ્ધ પ્રેમનો રસ પીવડાવતા હતા…”
આજ રીતે સુખી દાંપત્યજીવન જીવવા માટે તુલસી ગાયત્રી મંત્રનો પ્રયોગ અચૂક કરવો જોઈએ.
શ્રી તુલસી ગાયત્રી મંત્ર
સેવા ભક્તિ અને પરોપકારી ભાવના વધારવા, સુખદ દાંમ્પત્યજીવન તથા શાંતિ મેળવવા શ્રી તુલસી ગાયત્રી મંત્રના જાપ જપવા.
“ૐ શ્રી તુલ્સ્યે વિદ્મહે ૐ વિશ્રુપ્રિયાય ધીમહિ ૐ તન્નો વૃંદા: પ્રચોદયાત ૐ

Leave a Reply